<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

વાવડી ઇન્‍ડ. એરીયામાં ચડ્ડી બનીયાન ધારી ટોળકી ત્રાટકીઃ સીસીટીવી કુટેજના આધારે તપાસ

પરીવાર પાર્કમાં રહેતા વેપારી ચીરાગભાઇના કારખાનામાંથી રૂા. પ૦ હજાર ચોરી ગયાઃ અન્‍ય પાંચ કારખાનામાં ચોરીનો પ્રયાસઃ સીસીટીવીમાં ચડી અન બંડી તથા મોઢે રૂમાલ બાંધેલા પાંચ શખ્‍સો દેખાયાઃ તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા. ૧૪: શહેરના વાવડી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં આવેલા છ કારખાનામાં ચડી બનીયાન ધારી ટોળકીએ ત્રાટકી એક કારખાનાની ઓફીસમાંથી રૂા. પ૦ હજાર અને બીજા પાંચમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવી કુટેજમાં પાંચ શખ્‍સો દેખાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માયાણી ચોક પાસે પરીવાર પાર્ક શેરી નં. પ માં રહેતા ચિરાગભાઇ ગીરીશભાઇ માલવીયા (ઉ.૩૭) એ તાલુકા પોલીસ મથકમાં ચડી-બંડી અને મોઢે રૂમાલ બાંધેલા પાંચ શખ્‍સો સામે ફરિયાદ નોંધાવી છે. ચિરાગભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું વાવડી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ગેલ કુપા એન્‍ટરપ્રાઇઝ નામનું કારખાનું ધરાવું છું. ગઇકાલે સવારે હું મારા ઘરે ગયો ત્‍યારે કારખાનામાં કામ કરતો કારીગર પીન્‍ટુનો ફોન આવ્‍યો તેણે કહયું કે હું આપણા કારખાનાનુ તાળુ ખોલી અંદર જતા ઓફીસનું તાળુ તુટેલુ જોવા મળ્‍યુ છે તેમ વાત કરતા હું તરતજ કારખાને આવીને તપાસ કરતા ઓફીસની લોખંડની ગ્રીલવાળા દરવાજાનું લોક તુટેલુ અને સામાન વેરવીખેર જોવા મળ્‍યો હતો. અને તપાસ કરતા ટેબલના ખાનામાં રાખેલા રૂા. પ૦ હજાર જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. ત્‍યારબાદ તપાસ કરતા મારા કારખાનાની બાજુમાં હાર્દિકભાઇ ગોવિંદભાઇ સોરઠીયાના કૈલાશ ઇન્‍ડસ્‍ટ્રીજ નામના કારખાનામાં તથા પુનીતભાઇ રમેશભાઇ ભાલોડીયાના મારૂતી ટેકનોલોજી કારખાનામાં, અનીલભાઇ પ્રવિણભાઇ ખુંટના યુગ એન્‍જીનિયરીંગ નામના કારખાનામાં, પ્રવિણભાઇ રાધવભાઇ ફાચડાના આર.પી. ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં અને રજનીભાઇ ભીખાભાઇ સાવલીયાના રૂદ્ર ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં પણ આ ચડી-બનીયાન ધારી ટોળકીએ ઓફીસના તાળા તોડી સામાન વેરવીખેર કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદ કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં ચડી અને બંડી પહેરેલા અને મોઢે રૂમાલ બાંધેલા પાંચ શખ્‍સો દેખાયા હતા. ત્‍યારબાદ બનાવની જાણ કરતા તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. ડી.સી. જોષી સહિતે સ્‍થળ પર પહોંચી કારખાનેદાર ચીરાગભાઇની ફરિયાદ પરથી પાંચ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. શેખ સહિતના સ્‍ટાફે સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(2:07 PM IST)