<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

પોપટપરાના ૨૮ વર્ષના શાકભાજીના ધંધાર્થી રાજા દુદકીયાનું ‘હિટ એન્‍ડ રન'માં મોત

કરીયાણુ લેવા નીકળ્‍યો ત્‍યારે બાઇકને અજાણ્‍યો વાહનચાલક ઉલાળી ભાગી ગયો

રાજકોટ તા. ૧૫: હિટ એન્‍ડ રનના બનાવમાં ગંભીર ઇજા થતાં પોપટપરાના યુવાનનું મોત થયું છે. ઘરેથી બાઇક હંકારી કરીયાણું લેવા જતો હતો ત્‍યારે પોપટપરા સ્‍મશાન પાસે તેને બાઇક સહિત કોઇ અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ પોપટપરામાં જેલ પાછળ રહેતો રાજાભાઇ રતિલાલ દુદકીયા (ઉ.વ.૨૮) નામનો યુવાન ગત ૨૮/૧૦ના રોજ સાંજે સાડા આઠેક વાગ્‍યે ઘરેથી બાઇક હંકારીને કરીયાણુ લેવા માટે નીકળ્‍યો હતો. આ દરમિયાન પોપટપરા સ્‍મશાન પાસે તેને અકસ્‍માત નડતાં ગંભીર ઇજા થતાં સિવિલમાં અને ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાંથી ફરી સિવિલમાં લાવવામાં આવ્‍યો હતો. અહિ સવારે તેનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રાજાભાઇ બે બહેન અને ચાર ભાઇમાં નાનો હતો. તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તે બકાલુ વેંચી ગુજરાન ચલાવતો હતો. પરિવારજનોના કહેવા મુજબ અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં આ અકસ્‍માત સર્જાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:08 PM IST)