<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

શહેરમાં ફરી હેલ્‍મેટ ડ્રાઇવઃ સરકારી કચેરીઓથી શરૂઆતઃ કલેક્‍ટર કચેરી ખાતે અનેક દંડાયા

હાલ માત્ર સરકારી કચેરીઓ ખાતે ક્રમશઃ ત્રણ-ત્રણ કલાક હેલ્‍મેટ ડ્રાઇવ યોજાશેઃ ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાની રાહબરીમાં ટીમોની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં હેલ્‍મેટ ઝુંબેશનો ફરીથી આરંભ થયો છે. જો કે હાલ આ ઝુંબેશ સરકારી કર્મચારીઓ પુરતી જ છે. જેમાં મહાનગર પાલિકા, બહુમાળી ભવન, કલેક્‍ટર કચેરી, પોલીસની મુખ્‍ય કચેરીઓનો સમાવેશ થાય છે. આ અંતર્ગત આજે કલેક્‍ટર કચેરીના પ્રવેશ દ્વાર ખાતે શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી અને કચેરીએ આવતાં અધિકારીઓ, કર્મચારીઓ, અરજદારોને હેલ્‍મેટ પહેરવા સુચના અપાઇ હતી તેમજ દંડની કાર્યવાહી થઇ હતી. ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે હાલ સરકારી કચેરીઓ પુરતી ડ્રાઇવ સિમીત છે અને દરરોજ એક એક સરકારી કચેરી ખાતે આ પ્રકારની હેલ્‍મેટ ડ્રાઇવ રાખવામાં આવશે. સરકારી અધિકારીઓ, કર્મચારીઓ નિયમ પાળતાં થશે તો બીજા શહેરીજનો પણ નિયમનું પાલન કરશે. અગાઉ ફરજીયાત હેલ્‍મેટની ડ્રાઇવ શરૂ થતાં શહેરના ટુવ્‍હીલરચાલકોને એક જ દિવસમાં લાખોનો દંડ ફટકારી દેવાયો હતો. જો કે એ પછી ધારાસભ્‍યોની રજૂઆતોને પગલે ડ્રાઇવ તુરત હળવી કરી દેવાઇ હતી. દરમિયાન હવે દરરોજ ત્રણ ત્રણ કલાક અલગ અલગ સરકારી કચેરી ખાતે હેલ્‍મેટ ડ્રાઇવ યોજાશે. આજે કલેક્‍ટર કચેરી ખાતે આ કામગીરીનો આરંભ થયો હતો. હેલ્‍મેટ વગર આવેલા અને દંડાયેલા કર્મચારીઓ, અરજદારોમાં કચવાટ ફેલાયો હતો. બીજી તરફ કાળા કાચવાળી ગાડીઓ માટે પણ ડ્રાઇવ યોજાઇ હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(2:10 PM IST)