<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

જન્‍મ-મરણ વિભાગમાં લાં...બી કતારો.. અરજદારો હેરાન પરેશાન

નવા પોર્ટલના ડખ્‍ખા અને મતદાર યાદીમાં સ્‍ટાફને જોતરાતા કામગીરીમાં મનપાની અસર : ૧૧ માંથી ૯ કર્મચારીઓને SIR ની કામગીરી ફાળવાઇઃ અધિકારીઓ-પદાધિકારીઓ કયારે જાગશે?

રાજકોટ, તા.૧૪: મહાનગરપાલિકાના  સિવિક સેન્‍ટરો પર દરરોજ જરૂરિયાતમંદ અરજદારો આવતા હોય છે. જેમા ખાસ કરીને જન્‍મ-મરણના દાખલાઓ કઢવવા રોજે રોજ લોકોનો સતત ધસારો રહેતો હોય છે. છતાં સરકાર અને તંત્ર દ્વારા જન્‍મ-મરણ વિભાગની કામગીરી અન્‍ય વિભાગોની તુલનાએ સૌથી વધુ ધીમી ચાલતી હોવાનુ અનેક વખત બહાર આવ્‍યુ છે. જેમાં છેલ્લા છ મહિનાથી ત્રણ-ત્રણ પોર્ટલોના ડખ્‍ખાએ મોટી મુશ્‍કેલીઓ ઉભી કરી છે અને વિભાગ દ્વારા ધીમે ધીમે ગાડૂ પાટે ચડાવવાની કોશીશ કરાઇ રહી છે. ત્‍યારે જ ગઇકાલે જન્‍મ-મરણ વિભાગના સ્‍ટાફને ચૂંટણી કામગીરી માટે લઇ જવાતા આજે જન્‍મ-મરણ વિભાગમાં અંદર કાગળા ઉડતા નજરે પડ્‍યા હતા. જયારે બહાર સેન્‍ટ્રલ ઝોન કચેરીના ગેઇટ સુધી અરજદારોની લાઇનો જોવા મળી હતી.

મનપાના જન્‍મ-મરણ વિભાગમાં આજે મોટી લાઇનો જોવા મળતા આ મુદ્દે તપાસ કરતા માલુમ પડેલ કે ઓછો સ્‍ટાફ હોવા છતા તમામ સ્‍ટાફને ચૂંટણી કાર્યમાં ધકેલી દેવાના છે. જે પૈકી ૯ કર્મચારીઓને ચૂંટણી કામમાં લઇ જવામાં આવ્‍યુ હોવાનુ સુત્રોએ જણાવ્‍યુ હતું. જેના લીધે જન્‍મ-મરણ વિભાગમાં એક મુખ્‍ય અધિકારી અને એક મહિલા કર્મચારી જ નજરે પડતા હતા. છેલ્લા છ માસથી પોર્ટલના ડખ્‍ખા ચાલુ છે અને મનપા, રાજ્‍ય સરકાર તથા કેન્‍દ્ર સરકારના પોર્ટલ સહિતના ત્રણ પોર્ટલ ઉપર અલગ-અલગ પ્રકારની કામગીરી કરવામાં જન્‍મ-મરણ વિભાગના સ્‍ટાફને પરસેવો વળી જાય છે. જેની જાણ કારી ઉચ્‍ચ અધિકારીઓ અને રાજકીય પક્ષોને પણ છે. છતાં આજે ધોમ તડકામાં સવારથી ઉભા રહેલા અરજદારોની પરેશાની જોવા કોઇ ફરકયુ ન હતું.

મહાનગર પાલિકાના જન્‍મ મરણ વિભાગમાં છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલનો ડખ્‍ખો ઉભો થયો છે. સરળતા માટે તંત્ર દ્વારા ત્રણેય પોર્ટલ ઉપર બે બે દિવસ અલગ અલગ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. બહાર ગામથી આવતા અજાણ અરજદારોને ધરમનો ધક્કો થતો હોય ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેની સામે તંત્રએ પણ લોકોને ધક્કો ન થાય તે માટે ત્રણેય પોર્ટલની કામગીરી એક સાથે શરૂ કરી માનવતા દાખવી છે. પરંતુ આજે મરણના દાખલા માટે ફાયર વિભાગની ચીઠ્ઠી માંગતાં અરજદારો દોડતા થઈ ગયા છે. આજે પણ કચેરી ખાતે અરજદારોની લાઇનો જોવા મળી રહી છે. છ-છ મહિનાથી અજરદારો પરેશાન થઇ રહ્યા છે. છતાં પદાધિકારીઓએ એક પણ વખત આ મુદ્દે જન્‍મ-મરણ વિભાગ સાથે ચર્ચા કરી સ્‍ટાફ અને કિટ વધારવાની તસદી લીધી નથી. જેનો ભોગ જન્‍મ-મરણ વિભાગનો સ્‍ટાફ બની રહ્યો છે.

મનપાના જન્‍મ-મરણ વિભાગમાં રોજેરોજ લાગતી અરજદારોની લાઇનોથી વિભાગીય સ્‍ટાફ જવાબો આપી કંટાળી ગયો છે. પોર્ટલમાં કોઇ જાતની છેડછાડ કે સુધારા વધારા કરવાની સત્તા ફકત સરકાર પાસે હોવાથી ધીમી ગતીએ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને અરજદારો પણ સવારથી કચેરી ખાતે લાઇનો લગાવી રહ્યા છે. છતા લાચર અરજદારોની પરેશાની હલ કરવાના બદલે પદાધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે. ત્‍યારે જ સ્‍ટાફ વધારવાના બદલે તમામ સ્‍ટાફને ઉઠાવી લેવાતા અરજદારોની સ્‍થિતિ બીચારા જેવી થઇ ગઇ છે.

(3:48 PM IST)