તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
મેટોડા જીઆઇડીસી પાસેથી ૬૮.૩૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ને રૂરલ એલસીબીએ ઝડપી લીધા
૨૦,૬૬૪ બોટલના દારૂના જથ્થા સાથે જામનગરના હનીફ જેડા અને જાકીર સંધારની ધરપકડઃ રાજકોટના જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ વાઘેલાએ દારૂનો જથ્થો મંગાવ્યો'તો : દારૂનો જથ્થો મંગાવનાર જયપાલસિંહ સામે રાજકોટમાં અગાઉ બે ગુન્હા નોંધાયા છેઃ પકડાયેલ હનીફ અને જાકીર પણ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકયા છે.

તસ્વીરમાં પકડાયેલ બંન્ને શખ્સો અને વિદેશી દારૂનો જથ્થો નજરે પડે છે.
રાજકોટ તા.૧૫: મેટોડા જીઆઇડીસી પાસે વાડીની ઓરડીમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી ૬૮.૩૨ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે જામનગરના બે શખ્સોને ઝડપી લીધા હતા. આ દારૂનો જથ્થો રાજકોટના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથધરાઇ છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્રારા દારૂ-જુગારની પ્રવળતિ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી. ગોહીલ સ્ટાફના માણસો સાથે કોમ્બીંગ નાઇટ રાઉન્ડમા હતા જે દરમ્યાન એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોતરા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ પરમાર સંયુકત રીતે મળેલ હકિકત આધારે મેટોડા ગામની સીમમાથી વાડીની ઓરડીમાથી વિદેશી દારૂની બોટલ નંગ ર૦,૬૬૪ કિ. ૬૮.૩ર લાખ સાથે (૧) હનિફ એલિયાસભાઇ જેડા (ઉ.વ.ર૬), ધંધો મજૂરી રહે. જામનગર ચકલી કાંટા પાસે, જોડીયા ભુંગા હુસેનભાઇના મકાનભા ભાડેથી જી. જામનગર તથા (ર) જાકીર કાસમભાઇ સંઘાર (ઉ.વ.ર૬), ધંધો મજૂરી રહે. જામનગર રામેશ્વર માટેલ ચોક, જી. જામનગરને ઝડપી લીધા હતાં. આ દારૂનો જથ્થો રાજકોટના (૩) જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ લાલુભા વાઘેલા રહે. રાજકોટએ મંગાવ્યો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
રૂરલ એલસીબીએ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ ર૦,૬૬૪ જેની કિં. રૂા. ૬૮,૩ર,૮૦૦ તથા હોન્ડા કંપનીનું કરીઝમા મો. સા. નં. જીજે-૦૩-આઇકયુ-૮૦૮૦ જેની કિં. રૂા. પ૦,૦૦૦ તથા (૩) મોબાઇલ ફોન નં.-ર કિ. રૂા. ૧૦,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૬૮,૯ર,૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ હનીફ જેડા સામે અગાઉ જામનગરમાં એક તથા જાકીર સામે સલાયા પોલીસ મથકમાં ૩ ગુન્હા નોધાયેલ છે. જયારે દારૂનો જથ્થો મંગાવનાર જયપાલસિંહ સામે અગાઉ રાજકોટ યુનિ. પોલીસ મથકમાં દારૂ સહિતના ગુન્હાઓ નોંધાયા છે.
આ કામગીરીમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પો.સબ.ઇન્સ. આર.વી.ભીમાણી, એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, રોહિતભાઇ બકોત્રા, બાલકળષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. રસીકભાઇ જમોડ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ પરમાર તથા ડ્રા.પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.(૨.૨૨)
ડો. યાજ્ઞિક રોડ પર બૂક સ્ટોલમાં કામે આવતી ૧૬ વર્ષની સગીરા ગૂમ
પ્ર.નગર પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો
રાજકોટ તા. ૧૫: શહેરના લક્ષ્મીવાડી વિસ્તારની ૧૬ વર્ષની સગીરા ડો. યાજ્ઞિક રોડના બૂક સ્ટોલમાં કામ કરવા આવતી હોઇ અહિથી જમવા જવાનું કહીને બે દિવસ પહેલા નીકળી ગયા બાદ પત્તો ન મળતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઇ છે. પોલીસને જાણ કરતાં તપાસ શરૂ થઇ છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે અપહૃત બાળાના પિતાની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે તેને સંતાનમાં ત્રણ દિકરી છે. ૧૩/૧૧ના રોજ સોૈથી નાની દિકરી જે ૧૬ વર્ષ ૭ મહિનાની વયની છે તે ડો. યાજ્ઞિક રોડ પર બૂક સ્ટોરમાં કામે જતી હોઇ તેણીને હું મુકી આવ્યો હતો. બાદમાં મારી બીજી દિકરી જે મોટી છે તેણીને આ નાની દિકરીને કામના સ્થળેથી બોલાવી લાવવાનું કહેતાં મોટી બહેને તપાસ કરતાં તેણી અહિથી બપોરે જમવા જવાનું કહીને નીકળી ગયાનું જણાવાયું હતું.
આ પછી તપાસ કરતાં તેણી ક્યાંય મળી આવી નહોતી. અત્યાર સુધી સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહશબરીમાં એએસઆઇ એસ. વી. જોરાએ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:34 PM IST)










