<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

નવી RTO- લોકમેળો- અશાંતધારાની મૂદત- મતદારયાદી ખાસ સૂધારણા સહિતના પ્રશ્‍નોની રમઝટઃ ફરિયાદ- સંકલન બેઠક

રાજકોટ- ભાવનગર રોડ- રાજકોટ-જેતપુર હાઇવે- જર્જરીત મીલ્‍કતો- માધાપર ચોક સર્વીસ રોડના પ્રશ્નો ગાજયા..

રાજકોટ તા. ૧૫ : રાજકોટ જિલ્લાની નવેમ્‍બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.  કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમે ઉપસ્‍થિતોને આવકાર્યા હતા .

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ અને  રમેશભાઈ ટીલાળા તથા સંસદસભ્‍ય  રામભાઇ મોકરીયાએ રજૂ કરેલા પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્‍ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્‍યા હતા. શહેરમાં અશાંતધારાની મુદત વધારવા, લોકમેળાનું  નવું સ્‍થાન નક્કી કરવા, જર્જરિત અને વણવપરાયેલી મિલકતોનો સર્વે કરવા, નવી આર.ટી.ઓ. ના બાંધકામની સ્‍થિતિ , માધાપર રોડ ઉપર સર્વિસ રોડની કામગીરીની પ્રગતિ, રાજકોટ-ભાવનગર રોડ ના સમારકામની સ્‍થિતિ, પરશુરામ મંદિર પાસે વન કવચ બનાવવા, રાજકોટ-જેતપુર હાઇવે પર બ્રિજ બનાવવાની કામગીરી ઝડપી બનાવવા, મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) વગેરે અંગે પ્રજાના પ્રતિનિધિઓએ પ્રશ્નો રજૂ કર્યા હતા, જે અંગે ઝડપી કાર્યવાહી નિયત સમયમાં કરવા કલેક્‍ટરે ઉપસ્‍થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક  વિજયસિંહ ગુર્જર, આસીસ્‍ટન્‍ટ કલેક્‍ટર  મહેક જૈન,  ડી.સી.પી. હેતલ પટેલ, નિવાસી અધિક કલેકટર  એન. કે. મુછાર  એ. કે. ગૌતમ અને  ઇલાબેન ચૌહાણ, નાયબ વન સંરક્ષક  યોગરાજસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક  એ.કે.વસ્‍તાણી, રૂડાના ચેરમેન  ગૌતમ મિયાણી, નાયબ કલેક્‍ટર  દિલીપસિંહ વાળા અને  ઈશિતા મેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી  ઈલાબેન ગોહિલ, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડા, પ્રાંત અધિકારીઓ  રાહુલ ગમારા,  એન.એમ.તરખલા,  ચાંદની પરમાર,  વિમલ ચક્રવર્તી અને  આર.આર.ખાંભરા સહિત  ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:05 PM IST)