તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
દિવાલ ચણવાના ઘરધણીના ડખ્ખામાં કડીયા કામે આવેલા મજૂર વિજયભાઇ પર હુમલો
રૈયા રોડ શિવાલીક-૮ પાછળ નિવેદીતા સોસાયટીમાં બનાવ : સેજલબેનને પાડોશીઓ સાથે અગાઉથી તકરાર હતીઃ ખાર રાખી હિરેન, તેના માતા સહિતનાએ કડીયા કામે આવેલા વિજયભાઇ પરમાર પર સળીયાથી હુમલોઃ એટ્રોસીટી હેઠળ કાર્યવાહી

રાજકોટ તા. ૧૫: શહેરમાં કડિયાકામની સામાન્ય તકરારમાંથી મારામારી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરવાનો બનાવ બન્યો છે. કોઠારિયા વિસ્તારમાં રહેતાં અને વિજયભાઈ અમળતભાઈ પરમાર (ઉ.વ.૨૭) પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કરી જ્ઞાતિ વિશે હડધુત કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળ્યા મુજબવિજયભાઈ પરમાર કડિયાકામ કરીને ગુજરાન ચલાવે છે, તેણે પોલીસને આપેલી ફરિયાદ મુજબ બપોરના આશરે ત્રણ વાગ્યાની આસપાસ પોતાના મિત્ર મનુભાઈ સાથે રૈયા ચોકડી પર કામની શોધમાં ઊભા હતા. તે દરમિયાન સેજલબેન નામના એક બહેન આવેલ અને તેની પાછળની જગ્યામાં તોડી નાખેલ દીવાલ ફરી ઊભી કરવા માટે કામ સોપતા રૂ. ૪૦૦૦માં કામ નક્કી કર્યુ હતું. સેજલબેન સાથે વાત થયા પછી વિજયભાઇ અને મનુભાઇ સેજલબેનના ઘરે રૈયા રોડ શિવાલીક-૮ કોમ્પલેક્ષ પાછળ નિવેદીતાનગર સોસાયટીમાં ગયા હતાં. જ્યાં બંનેએ દીવાલનું કામ શરૂ કરતાં જ બાજુમાં રહેતાં હિરેનભાઈ, તેમના માતા ભગવતીબહેન, અને એક અજાણ્યો શખ્સ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
આ બધા અને સેજલબેન વચ્ચે મકાનની દીવાલના બાંધકામ બાબતે અગાઉથી તકરાર હતી, જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારની વાતચીત કે ચર્ચા કર્યા વગર હિરેને લોખંડનો સળિયો વિજયભાઈના ડાબા હાથના કાંડામાં માર્યો, જેનાથી તેમને મુંઢ ઈજા થઈ હતી. તેમજ ભગવતીબહેને તેમના હાથમાં રહેલ ઈંટ વિજયભાઈના ડાબા પડખામાં મારી. જ્યારે ત્રીજાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ત્રણેયએ વિજયભાઇને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતાં અને ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો.
બનાવની જાણ થતાં પોલીસ આવી પહોંચતા પોલીસને બોલાવવામાં આવી હતી, અને પોલીસ આરોપીઓ તથા સેજલબેનને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિજયભાઈ પરમારને તાત્કાલિક રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલ સર્જરી વોર્ડ નંબર-૪ માં સારવાર ચાલુ છે. તેમને ડાબા હાથના કાંડા અને ડાબા પડખામાં ઈજા થઈ છે. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. એફ.આર. તન્નાએ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધતા આગળની તપાસ એસીપી રાધીકા ભારાઇએ હાથ ધરી છે.
(2:36 PM IST)










