News of Saturday, 15th November 2025
ભુપેન્દ્રભાઇએ ઉધડો લેતા મ્યુ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યાઃરિપેરીંગ કામનું નિરિક્ષણ તુષાર સુમેરાએ ત્રણેય ઝોનમાં કામગીરીની માહિતિ મેળવી ગુણવતા ચકાસી

રાજકોટ, તા., ૧પ : ગુરૂવારે રોડ-રસ્તાના કામો અંગે ભુપેન્દ્રભાઇએ રાજયના તમામ મનપા પદાધિકારીઓ-અધિકારીઓને ઉઘડો લેતા આજથી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ફિલ્ડમાં પહોંચી ગયા હતા. તેમણે અધિકારીઓ-કર્મચારીઓ સાથે શહેરના ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા રીપેરીંગની કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ ફીલ્ડમાં જઈ ચાલુ કામગીરી અંગે નિરીક્ષણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા રીપેરીંગની કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું.
આ મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની ટીમ સાથે રોડ-રસ્તા મરામત તેમજ ડામરકરણના ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું તેમણે સ્થળ પર જ કામની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી તથા કામગીરીની ગુણવત્તા ચકાસી હતી. શહેરીજનોને સુવિધાજનક અને સલામત માર્ગ વ્યવસ્થા મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી સમયસર તથા ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત દરમ્યાન સિટી એન્જી.ઓ, ડેપ્યુટી સિટી એન્જી. સહિતના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
(3:30 PM IST)










