<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

વ્‍યાજખોરોના ત્રાસથી કંટાળી કારખાનેદાર ગીરીશભાઇનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

ધંધો બંધ થયો અને કોરોનામાં મેડીકલ ખર્ચ માટે વ્‍યાજે લીધેલા રૂપીયા વ્‍યાજ સહિત ચુકવ્‍યા છતા વધુ વ્‍યાજ માંગી ધમકીઓ આપતા હતાઃ ચિરાગ પટેલ, રીના પટેલ, મહેશ ગઢવી, કેવલ દફતરી અને અંકીત જીનોય ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

રાજકોટ, તા.૧૫: કોઠારિયા રોડ આનંદનગર પાસે સાધના સોસાયટીમાં રહેતા વૃધ્‍ધ કારખાનેદાર વ્‍યાજના વિશચક્રમાં ફસાઇ જતા વ્‍યાજખોરો વધુ વ્‍યાજની રકમની માંગણી કરી સતત ધમકીથી ત્રાસી જઇ વૃધ્‍ધે ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગત મુજબ સાધના સોસાયટી શેરી નં. ૨માં રહેતા ગીરીશભાઇ મનસુખ ભાઇ પિત્રોડા (ઉ.વ.૬૬) એ સવારે ઢેબરરોડ પર અટીકા ફાટક પાસે પોતાના દર્શન મેન્‍યુફેકચર નામના કારખાને હતા ત્‍યારે તેણે ઝેરી દવાપી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં વ્‍યાજખોરોના ત્રાસથી કંટાળી વૃધ્‍ધે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્‍યું હતા આ બનાવમા ંવૃધ્‍ધના પુત્ર જયેશ પિત્રોડાએ ભકિતનગર પોલીસ મથકમાં આ મામલે કરેલી અરજીમાં ચિરાગ છનાલાલ ભાઇ પટેલ, રીના ચીરાગ પટેલ (રહે. બંને કેવડાવાડી શેરી નં.ર), મહેશ ગઢવી (રહે. સહકાર મેઇન રોડ, સિંદુરિયા ખાણની સામે), કેવલ દફતરી (રહે. કોઠારિયા મેઇન રોડ) અને અંકીત જીનોય ના નામ આવ્‍યા છે. અરજીમાં જણાવાયુ છે કે અટીકા ફાટક પાસે દર્શન મેન્‍યુફેકચર નામનું ફેબ્રીકેશનનું કારખાનું ધરાવતા હતા. કોરોના સમયે ધંધો બરાબર ન ચાલતા ધંધો બંધ થઇ ગયો હતો અને અમારી આર્થીક પરિસ્‍થિતી નબળી થઇ ગઇ હતી. કોરોનાના લીધે મેડીકલ ખર્ચ વધી જતા અમે ર૦ર૦ ની સાલમાં ઓળખીતા ચીરાગ અને તેની પત્‍ની રીના પાસેથી પ ટકા વ્‍યાજે રૂા. ૮ લાખ વ્‍યાજે લીધા હતા. બાદ આ રકમ વ્‍યાજ સહિત ર૦૨૪ માં ચુકવી દીધી હોવા છતાં વ્‍યાજખોરોને આપેલા કોરા ચેકો પરત આપવાની ના પાડી અમારી પાસે ચક્રવૃધ્‍ધી વ્‍યાજની માંગણી કરવા લાગ્‍યા હતા. અને તેને વ્‍યાજ દેવાની ના પાડી દેતા આરોપીએ અવાર નવાર ઘરે આવી ગાળો આપી ધમકી આપી ત્રાસ આપતા હતા. બાદ આ ત્રાસથી છુટકારો અને ચક્રવૃધ્‍ધિ વ્‍યાજના ચકકરમાંથી બહાર નીકળવા માટે મહેશ પાસેથી  એપ્રિલ-૨૦૨૫માં ૧૦ ટકા લેખે રૂા. ૫ લાખ રૂપિયા ચૂકવી લીધા હતા. બાદ તેને પણ અમે મૂળ રકમના ત્રણ ગણા રૂપિયા ચૂકવી દીધા હતા છતા મહેશ અમારી પાસે અવારનવાર વધુ વ્‍યાજની માંગણી કરી ઘરે આવી હથિયાર બતાવી પઠાણી ઉઘરાણી કરતો હતો. આથી આ લોકોના ત્રાસથી કંટાળી પિતા ગીરીશભાઇએ આ પગલુ ભર્યુ હોવાનો આક્ષેપ કર્યો હોવાનું જણાવ્‍યું છે. આ અંગે પોલીસે તપાસ હાથધરી છે.

(3:31 PM IST)