તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
રાજકોટના અટીકામાં પાંચ કાશ્મીરી નાગરિક મળ્યા: પોલીસને જાણ કર્યા વગર ઓરડી ભાડે આપનાર શક્તિસિંહ વિરૂધ્ધ ભક્તિનગર પોલીસે તપાસ આદરી
ઝડપાયેલા પાંચેય ટ્રાન્સપોર્ટમાં મજૂરી કરે છે: રામબન જિલ્લાના વતની, મોબાઈલ ફોન સાયબર લેબમાં મોકલાયા: દિલ્હી બ્લાસ્ટ બાદ એલર્ટ પોલીસની કાર્યવાહી

રાજકોટઃ તાજેતરમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અને અન્ય રાજ્યોમાં વિસ્ફોટકો મળી આવવાના બનાવોમાં કાશ્મીરી નાગરિકોની સંડોવણી ખુલ્લી પડતાં દેશભરની પોલીસને એલર્ટ પર મૂકવામાં આવી છે. આ એલર્ટના પગલે રાજકોટમાં પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
શહેરના અટીકા વિસ્તારમાં આવેલા ધનશ્યામ-૩ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડો પાડતા ભક્તિનગર પોલીસને એક ઓરડીમાંથી પાંચ શંકાસ્પદ કાશ્મીરી શ્રમિકો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે તમામ શ્રમિકોની ધનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે અને એસઓજી (SOG) પણ આ તપાસમાં જોડાઈ છે.
બે દિવસ પહેલાં રાત્રે ભક્તિનગર પોલીસને બાતમી મળી હતી કે વિરાણી અઘાટ પાસે આવેલી એક ઓરડીમાં રહેતા શખ્સો કાશ્મીરી ભાષામાં વાત કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતાં ઓરડીમાંથી પાંચ કાશ્મીરી શ્રમિકો મળી આવ્યા હતા.
પોલીસે પાંચેય શ્રમિકોના મોબાઈલ ફોન કબજે લઈ સાયબર લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલના તબક્કે કોઈ શંકાસ્પદ બાબત મળી નથી, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ હજી ચાલુ છે. પાંચમાંથી એક શ્રમિક ત્રણ વર્ષથી રાજકોટમાં છે, જ્યારે અન્ય ચાર છેલ્લા પાંચ-છ મહિનામાં આવ્યા છે અને તમામ અટીકામાં આવેલી રણજીત ટ્રાન્સપોર્ટ પેઢીમાં મજૂરી કરતા હોવાનું જણાવી રહ્યા છે.ઝડપાયેલા પાંચેય શ્રમિકો કાશ્મીરના રામબન જિલ્લાના જુદા-જુદા ગામોના રહેવાસી છે. તેના રાશીદલતીફ અબ્દુલલતીફ મલીક, મહમદઅન્નર અબ્દુલ નાયક, જાહીદ ઇકબાલ મલીક, દાનીશ મુસ્તાક મલીક અને મહમદ ઉર્ફે ઑઝેમ અબ્દુલ મલીક છે.
આ દરોડામાં સૌથી મહત્વની બાબત એ સામે આવી કે કારખાનેદાર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જે ઓરડીમાંથી કાશ્મીરી શ્રમિકો મળી આવ્યા તે ઓરડી કારખાનેદાર ભગિરથસિંહ શક્તિસિંહ રાણા (ઉ.વ. ૪૨, રહે. સમૃધ્ધિ પાર્ક, ૧૫૦ ફૂટ રિંગ રોડ)ની માલિકીની હતી. ભગીરથસિંહે આ ઓરડી રૂા. ૩૦૦૦ના ભાડે ચારેક માસ પહેલા આપી હતી, પરંતુ તેમણે નિયમ મુજબ આ અંગે કોઈ ભાડાંકરાર (રજિસ્ટ્રેશન) કરાવ્યા ન હતાં. નજીકના પોલીસ સ્ટેશનમાં કે ઓનલાઈન પોર્ટલ પર પણ શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. આ બેદરકારી બદલ પોલીસે કારખાનેદાર ભગીરથસિંહ રાણા વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:06 AM IST)










