<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં: એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો અને સિગારેટના ટુકડા થયા બરામદ

હોસ્પિટલ કેમ્પસમાં લાંબા સમયથી પાર્ક કરેલી એક એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો, વપરાયેલા ગ્લાસ અને સિગારેટના ટુકડા મળ્યા

રાજકોટ:  સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ માંથી વાંધાજનક વસ્તુ મળી આવતા ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે.

એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો અને સિગારેટના ટુકડા થયા બરામદ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે કારણ કે હોસ્પિટલ કેમ્પસમાં લાંબા સમયથી પાર્ક કરેલી એક એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો, વપરાયેલા ગ્લાસ અને સિગારેટના ટુકડા મળ્યા છે. આ ઘટના બહાર આવતા જ હોસ્પિટલના વહીવટી તંત્ર પર ગંભીર સવાલો ઊભા થયા છે. સૂત્રો અનુસાર, સંદિગ્ધ એમ્બ્યુલન્સનો કોઈ ઉપયોગ થતો ન હોવાથી તે કેમ્પસમાં જ ઊભી રાખવામાં આવતી હતી, પરંતુ તેની અંદર મળેલા પુરાવાઓ સૂચવે છે કે વાહનનો ઉપયોગ અનુચિત પ્રવૃત્તિઓ માટે થતો હતો.

 

આ મામલો જાહેર થતાં જ હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. એમ.એસ. રોયે જણાવ્યું કે “સમગ્ર પ્રકરણની તપાસ માટે કમિટી રચવામાં આવશે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થશે. જો કોઈ સ્ટાફ એમ્બ્યુલન્સનો દારૂની પાર્ટી માટે ઉપયોગ કરતો હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કડક પગલાં લેવાશે.”

 

જીવન બચાવવા માટેની મહત્વપૂર્ણ એમ્બ્યુલન્સ સેવાનો આ રીતે દુરુપયોગ થવા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલની વહીવટી વ્યવસ્થાની ક્ષમતાને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. લોકો માંગ કરી રહ્યા છે કે દોષિતો સામે કડક પગલાં લઈને હોસ્પિટલની સેવાઓમાં પારદર્શિતાને સુનિશ્ચિત કરવામાં આવે. હોસ્પિટલ પ્રશાસન મુજબ, તપાસ ચાલુ છે અને આવતા દિવસોમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

(3:55 PM IST)