News of Monday, 17th November 2025
અનેક હિન્દી ફિલ્મોમાં શબ્દોથી ગીતોમાં જીવ પુરનાર ગીતકાર રવિન્દ્ર રાવલ
દેવા હો દેવા ગણપતિ દવા...યે તો સચ હૈ કિ ભગવાન હૈ... : અનેક હિન્દી ફિલ્મોમાં સુપર-ડૂપર હિટ ગીતો લખનાર વરિષ્ઠ ગીતકાર રવિન્દ્ર રાવલ અકિલાના આંગણે મહેમાન બન્યા * સંગીતનો પણ એટલોજ શોખ અને નાનપણમાં લતાજીના ગીતો ગાતા એમાં સારૂ નામ કમાયા હતા. * ગીતો માટે પ્રોપર ઉર્દુના શબ્દો લખવાનું પણ ખાસ શીખ્યા * ગીતકાર બનવા એમ.પી. થી મુંબઇ પહોંચી ફૂટપાથ પરથી ચાર આનામાં ફિલ્મ સ્ટારના સરનામાની ચોપડી ખરીદી, અંધેરી ચર્ચગેટ વચ્ચે ૬ રૂપિયા ૪૦ પૈસાનો પાસ બનાવ્યો અને સંઘર્ષ શરૂ કર્યો. * મુંબઇમાં આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું. * સંગીતકાર રામ-લક્ષ્મણ સાથે જોડી જમાવી અનેક ફિલ્મો કરી. * હમ આપ કૈ હૈ કૌન, હમ સાથ સાથ હૈમાં રવિન્દ્રજીએ લખેલા ગીતો છે. * રાવલજીને ગુજરાતી ગઝલ સાથે બહુ લગાવ. ગુજરાત આવતા ત્યારે કવિ સંમેલનોમાં અચૂક ભાગ લેતા.

અનેક હિન્દી ફિલ્મોમાં લાજવાબ હિન્દી ગીતો લખનાર ગીતકાર રવિવન્દ્ર રાવલ સાથે તેમના પત્નિ માનસીબેન રાવલ સાથે જામનગરના સુવિખ્યાત ડો. મનોજભાઇ જોશી ‘મન', આ સાથે તસવીરમાં નજરે પડે છે. (તસવીરઃ સંદિપ બગથરિયા)
રાજકોટ, તા.૧૭: ‘દેવા હો દેવા ગણપતિ દેવા તુમસે બઢકર કૌન..', ‘યે તો સચ હૈ કે ભગવાન હૈ..', ‘ધિકતાના ધિકતાના ધિકતાના ભાભી તુમ ખુશીયો કા ખઝાના..', ‘વાહ વાહ રામજી જોડી ક્યા બનાઇ..'... આ અને આવા અનેક ગીતો આપણે અવાર-નવાર સાંભળ્યા છે અને હજી સાંભળતા રહીએ છીએ. ગીત કઇ ફિલ્મનું છે? તેનો જવાબ મોટા ભાગના લોકોને આવડે.. સંગીતકાર કોણ કદાચ તેનો જવાબ પણ આવડે.. પણ જો આ ગીત કોણે લખ્યું છે? તેના ગીતકાર કોણ તેમ પૂછીએ તો લગભગ કોઇ જાણતું નથી. ગીતકારે જો આ શબ્દો ન આપ્યા હોત તો આટલી સારી ધૂન કદાચ ન બની હોત.. ઉપર જણાવ્યા તે ગીતો સહિત અનેક હિન્દી ફિલ્મોમાં સુપર-ડૂપર હિટ ગીતો લખનાર વરિષ્ઠ ગીતકાર શ્રી રવિન્દ્ર રાવલ છે જેઓ અકિલાના આંગણે મહેમાન બન્યા હતા અને હિન્દી ફિલ્મો, ગીત, સંગીતકાર વિશે યાદગાર વાતો કરી હતી.
મધ્યપ્રદેશના બાલાઘાટમાં ૧૮ જુલાઇ ૧૯૪૫ ના રોજ જન્મેલા રવિન્દ્ર રાવલજી હાલ ૮૧ વર્ષના છે. તેમના પિતા જટાશંકર રાવલ મોરબી પાસેના ખારચિયા ગામના વતની. તેઓ ગામથી નીકળી પહેલા ગોંડલ પછી રાજકોટ આવ્યા અહિ કરણસિંહજી હાઇસ્કૂલમાં સંસ્કૃતમાં શિક્ષક હતા. તેમને ભારતનું ભ્રમણ કરવાની ઇચ્છા હોય રાજકોટથી મુંબઇ ગયા ત્યાં ટ્રાવેલ એજન્સીમાં જોડાયા જેથી બધી જગ્યાએ ફરી શકાય. ફરતા ફરતા તેઓ મધ્યપ્રદેશના બાલાઘાટ ગામમાં પહોંચ્યા અને પછી આ વિસ્તાર ગમી જતા અહિ સ્થાઇ થયા.
રાવલજી કહે છે, હું નાનપણથી સાહિત્ય પાછળ પાગલ હતો. હનુમાન ચાલિસા, ગાયત્રિ ચાલિસા, દુર્ગા ચાલિસા અને કાવ્ય પાઠ કરતો. સંગીતનો પણ એટલોજ શોખ અને નાનપણમાં લતાજીના ગીતો ગાતો એમાં સારૂ નામ કમાયો હતો. થોડો મોટો થયો અને બીમારી આવી તેમાં મારો અવાજ ફાટી ગયો અને ઘોઘરો થઇ ગયો. ગાઇ ન શકવાને કારણે કવિતા, કાવ્યો વાંચવા અને લખવા તરફ ઝુકાવ વધ્યો અને લખવાનું શરૂ કર્યું. જ્યારે હું ૧૦ માં ધોરણમાં હતો ત્યારે ઓફિશિયલ કવિતા લખી. અભ્યાસમાં મારો મૂળ વિષય હિન્દી હતો અને મારી ઇચ્છા લેક્ચરર થવાની હતી. મારે હિન્દીમાં પીએચડી કરવાની ઇચ્છા હતી, શિક્ષકે પણ મદદ કરી જોકે પિતાની ઇચ્છા હતી કે હું તેમના કામમાં જોડાવ જ્યારે મારે તે કામ નહોતું કરવું. દરમિયાન મારા મામા મોટા ઉદ્યમી હતા. તેમણે મુંબઇમાં ફિલ્મ બનાવી ‘‘નર્તકી''. એમની પાસે જઇ હું મુંબઇમાં બે-ત્રણ મહિના રહ્યો. એટલે મારી ઇચ્છા ફિલ્મોમાં લખવાની થઇ. હું ગીતો માટે પ્રોપર ઉર્દુના શબ્દો લખવાનું પણ ખાસ શીખ્યો.
રવિન્દ્ર રાવલજી કહે છે, ૫ જુન ૧૯૬૫ ના રોજ ગોદિયાથી હાવડા એક્સપ્રેસમાં હું મિત્ર શ્યામ મિશ્રા સાથે મુંબઇ માટે રવાના થઇ ગયો હતો કારણ મિત્રને હિરો બનવું હતું મારે ગીતકાર બનવું હતું. મિત્ર એક મહિનામાં પરત ફર્યાં. હું એક લોજમાં રોકાયો અને ફૂટપાથ પરથી ચાર આનામાં ફિલ્મ સ્ટારના સરનામાની ચોપડી ખરીદી, અંધેરી ચર્ચગેટ વચ્ચે ૬ રૂપિયા ૪૦ પૈસાનો પાસ બનાવ્યો અને સંઘર્ષ શરૂ કર્યો. જે ઓફિસોમાં ગયો તેમાં નવલકિશોરજીએ મારી કવિતા વાંચી દિલાસો આપ્યો. પછી રાજશ્રી પ્રોડક્શનની ઓફિસે ગયો. એ વખતે તેની ઓફિસ નવનીત પત્રિકા કાર્યાલય ઉપર તારદેવ ખાતે આવેલ હતી. ત્યાં ખુબ ભિડ હતી. કમલ કુમાર બડજાત્યા સાથે મારી મુલાકાત થઇ મેં ફિલ્મોમાં ગીતકાર બનવાની ઇચ્છા વ્યક્ત કરી. મુંબઇમાં આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું.
એ દરમિયાન સંગીતકાર રામ-લક્ષ્મણ મને મળ્યા. ડાન્સર મધુમતિના ઓરકેસ્ટ્રામાં લક્ષ્મણ એકોર્ડિયન વગાડતા અને રામ બાંસુરી વગાડતા અને ગીતો પણ કમ્પોઝ કરતા. તે બંને નાગપુરના રહેવાસી હતા. તેઓ થોડું ઘણું લખી શકતા પણ પ્રોડ્યુસરને સંભળાવી શકે તેવું નહોતા લખતા. જ્યારે અમારી મુલાકાત થઇ ત્યારે એ જમાનામાં સંગીતકારો પ્રોડ્યુસરના ઘરે મ્યુઝીશ્યનો સાથે સીટીંગ કરતા. ચાર-પાંચ કલાક સુધી તે સાંભળે પછી ગાયનો પસંદ કરતા. જ્યારે રાજશ્રી પ્રોડક્શનમાં રામ-લક્ષ્મણને તક મળી ત્યારે તેઓએ નોનસ્ટોપ પાંચ કલાક ગાયનો સંભળાવ્યા. રાજકુમાર બડજાત્યા ખુશ થઇ ગયા. મારા લખેલા ગીતો તેમને ગમ્યા. રામ-લક્ષ્મણે મને ખુબ મદદ કરી. હું તેમને ભાઇજ કહેતો. તેઓ રવિન્દ્રજીને રવિ કહી સંબોધતા અને કહેતા જ્યાં મારું સંગીત હશે ત્યાં તમારું ગીત હશે.
શરૂમાં સ્વતંત્ર રીતે પહેલી ફિલ્મ ‘‘એજન્ટ વિનોદ'' (૧૯૭૭) માં રવિન્દ્ર રાવલજીએ ગીતકાર તરીકે રામ-લક્ષ્મણ સાથે કરી. બીજી ફિલ્મ ‘‘તરાના'' (૧૯૭૯) માં રવિન્દ્ર રાવલના ગીતો પણ લેવાયા જોકે તેમાં રામ-લક્ષ્મણના એક મિત્રએ પણ ગીતો લખ્યા હતા. એ પછી રાજશ્રી પછી પહેલી બહારની ફિલ્મ ‘‘હમ આપ કે હૈ કૌન'' મળી. એ વખતે રાજશ્રી ફિલ્મ તેના બેનર હેઠળ ફિલ્મો નહોતા બનાવતા પણ અન્ય ફિલ્મો રાજશ્રી બેનર હેઠળ રજુ કરતા. તેઓ પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન અને એક્ઝીબેશન પણ તેઓ કરતા. એ વખતે દિપક બહારી અને રામ-લક્ષ્મણની મિત્રતા ઘનીષ્ઠ બની હતી. જ્યારે પ્રાણલાલ મહેતાની ફિલ્મ દિપક બહારીએ સાઇન કરી ત્યારે સંગીતકાર તરીકે રામ-લક્ષ્મણને લેવા આગ્રહ કર્યો. પ્રાણલાલ મહેતા ગુલઝારના ગ્રૂપમાંથી આવ્યા હતા. પ્રતિમા પિક્ચર્સ તેમનું પોપ્યુલર બેનર હતું. એમની ફિલ્મોમાં સંગીત રામ-લક્ષ્મણનું રહ્યું અને ગીતો રવિન્દ્ર રાવલજીએ લખ્યા એ ફિલ્મો હતી હમ સે બઢકર કૌન (૧૯૮૦-૮૧), ૧૦૦ ડેઇસ (૧૯૯૪-૯૫). આ રીતે તેમની ફિલ્મો ચાલતી રહી.
રવિન્દ્ર રાવલજી કહે છે, સંગીતકાર રામ-લક્ષ્મણને ૧૯૭૩માં ફિલ્મોમાં લાવનાર દાદા કોંડકે હતા. મરાઠી ફિલ્મોમાં તેઓ વિજય-સૂરજ તો ક્યારેક વિજય સૂરેન્દ્ર નામ લખતા પણ દાદા કોંડકે એ તેમને રામ-લક્ષ્મણ નામ આપેલું. રવિન્દ્ર રાવલજીએ અત્યાર સુધીમાં હિન્દી ફિલ્મ જગતમાં ૪૦ થી ૪૫ ફિલ્મોમાં ગીતો લખ્યા છે. રાવલજી કહે છે, એ વખતે સમય બદલાયો હતો. નૈશાદ, શંકર-જયકિસન જેવા સંગીતકારો હતા પણ ફિલ્મોના જે પોપ્યુલર બેનરો હતા તે સિવાય સંગીતની કિમત નહોતી. એ વખતે પ્રોડ્યુસર કહેતા સંગીત ચાલશે તો રોયલ્ટી આપીશુ. નવી કંપની પર લોકોને ભરોસો નહોતો. પ્રોડ્યુસર, બેનર, ડાયરેક્ટર, રાઇટર પછી સંગીતકાર આવતા. એવું નહોતું કે ફિલ્મમાં સંગીતકાર કોણ છે? ટોપ સંગીતકારો ચાલતા પણ અન્ય સંગીતકારોને સ્ટ્રગલ કરવી પડતી.
રાવલજી કહે છે, મૈને પ્યાર કિયા ૧૯૯૦ આસપાસ રીલિઝ થયું એમા મારા ગીતો નહોતા. કારણ હું એ પછી સ્ક્રિપ્ટ લખવામાં લાગી ગયો હતો. ગીતોની સાથે મેં સ્ક્રિપ્ટ પણ લખી છે. મારો શોખ સ્ક્રિપ્ટ લખવાનો હતો. મારી બે સિરિયલો છોટે બાબુ (૧૯૮૬) અને બંગાળી નોવેલ યુગાંતર પરથી બનેલી સિરિયલમાં મારા ડાયલોગ અને લિરિક્સ હતા જેમાં સંગીતકાર સપન જગમોહન હતા. આ બંને ધારાવાહિક દૂરદર્શન પર ખુબ ચાલી હતી અને ખુબ આવકારી હતી. રવિન્દ્રભાઇ કહે છે, રામ-લક્ષ્મણને એવી ટેવ હતી કે કોઇને કોઇ લેખક તેમને જોઇતા કારણ એમની પાસે એટલા બધા ગીતો હતા કે ક્યારેક કંટાળો આવે કે હવે શું કરવા ગીતો બનાવવા છે? તેઓ જે ટ્રેન્ડ ચાલતો હોય તે મુજબ ગીતો લખવા કહેતા અને સંગીત આપતા. કોઇ પ્રોડ્યુસર સીચ્યુએશન આપીને જાય તો તેના પર ત્રણ અલગ અલગ ગીતો તૈયાર કરતા. એ વખતે ૧૦ થી ૧૨ સાજિદાઓ સંગીતકાર પાસે જતા અને સંગીત બનાવતા. આજના જેવું નથી કે દરેક કલાકાર આવીને પોતાના સંગીતના પીસ વગાડી જતા રહે છે. રવિન્દ્ર રાવલજી કહે છે, ટી સીરિઝ સાથે અમે એક આલ્બમ કરેલું ઙ્કજીના તેરી ગલી મેંઙ્ઘ ગીતો બાબુલ બોસ પાસે ગવરાવ્યા તેમાં પંજાબી ગીત સિવાયના તમામ ગીતો મેં લખ્યા હતા. જોકે મૈને પ્યાર કિયા ફિલ્મ થી ટ્રેન્ડ બદલાયો. આ ફિલ્મથી સંગીતની એક વેલ્યુ થઇ અને મ્યુઝિક ડાયરેક્ટરની ગણના થવા લાગી.
રવિન્દ્ર રાવલજીને ગુજરાતી ગઝલ સાથે બહુ લગાવ. ગુજરાત આવતા ત્યારે કવિ સંમેલનોમાં અચૂક ભાગ લેતા. એક વખત ઉપલેટામાં કૈફિ આઝમી અને પ્રેમ ધવન આવેલા એ વખતે અમૃત ઘાયલ, ગની દહીંવાલા, ઇકબાલ કુરેશી હતા ત્યારે તેમના ભાણેજ સાથે ત્યાં ગયા આખીરાત તે સંમેલન સાંભળેલું. રવિન્દ્રજીએ તેમની ફિલ્મી સફરમાં રામ-લક્ષમણ, બાબુલ બોસ, સપન જગ મોહન, પ્રખર વર્મા વગેરે સાથે અનેક ફિલ્મોમાં ગીતકાર તરીકે કામ કરેલું છે. જોકે તેમને મદન મોહન, રોશન, એસ.ડી.બર્મનનું સંગીત વધુ પસંદ હતું. જ્યારે પસંદગીના ગાયકો તલત મહેમુદ, મોહમ્મદ રફિ, લતાજી અને આશાજી છે. રવિન્દ્ર રાવલજી હંમેશા પારસી ગોળ ટોપી, ટાઇ અને કપાળે સીંદુરી ચાંદલો અવશ્ય કરે છે. તે તેમનો ડ્રેસ કોડ છે. જે તેમના ગુરૂ જીમ્મી યોગીરાજજી છે તેમને ફોલો કરે છે.
હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોમાં રાવલજીએ ગીતો લખ્યા. દરેક ગીત ફિલ્મમાં સીચ્યુએશન મુજબ લખાય છે. મુંબઇમાં ગણપતિ મહોત્સવનું ગીત ફિલ્મમાં લેવાનું હતું જે રવિન્દ્રજીએ લખ્યું છે‘‘દેવા હો દેવા ગણપતિ દેવા'' તેમાં પણ સીન કહેવામાં આવ્યો હતો પછી ગીત લખાયું. જોકે સીચ્યુએશન મુજબ ગીતો લખવાની મજા ન આવે છતા કામ કરવું પડે. આ બાબતમાં સૌથી વધુ કામ કરવાની મજા સુરજ બડજાત્યા સાથે આવેલી. રવિન્દ્રજી કહે છે, હમ સે બઢકર કૌન ફિલ્મમાં સીનની પરિસ્થિતિ મુજબ મેં રાજા દશરથ પર એક ગીતનો અંતરો લખ્યો હતો જોકે એ રીજેક્ટ થયો હતો ત્યારે મન દુખી થઇ ગયું હતું. જ્યારે ફિલ્મ ‘બે ઝુબાન'માં ગીત લખ્યું ‘હર એક જીવન હૈ કહાની પર યે કહીકત સબ ને ન જાની...' જે લતાજીએ ગાયેલું અને તેઓએ શબ્દોને વખાણ્યા હતા.
રાજસ્થાની પહલી કલર ફિલ્મ રાજ રાખો રાની સતીની સ્ક્રિપ્ટ લખી, ગુજરાતી ફિલ્મ કરિયાવરમાં સ્ક્રિપ્ટ રાઇટર અને એસોસીએટ ડાયરેક્ટર તરીકે રાવલજીએ કામ કર્યું. જ્યારે તેમની છેલ્લી ફિલ્મ દુલ્હન બનુ મે તેરી હતી. આ ઉપરાંત ખંડાલા ધ ટેરર બીગીન્સ પ્રખર વર્મા સાથે લાસ્ટ હતી પણ ફિલ્મ ચાલી નહી. હવે ગીતો લખવાની ઓફર નથી આવતી જોકે પ્રાઇવેટ લખ્યા છે. તેમણે સાંઇબાબા અને માતાજીના ભજનો પણ ખુબ લખ્યા છે. છેલ્લે વેદ વ્યાસ ઉપર આરતી પણ લખી. રવિન્દ્ર રાવલજીના ગીતો સ્ક્રિન પેનાસોનિક એવોર્ડ માટે ફિલ્મ હમ આપકે હૈ કૌન માટે નોમીનેટ થયા હતા.
રવિન્દ્ર રાવલજી જામનગર રહેતા તેમના બહેન કોકિલાબેન જોશીને મળવા આવ્યા હતા. તેમના પત્નિ માનસીબેન રાવલ હંમેશા તેમના ગીતો માટે પ્રેરણાસ્ત્રેત રહ્યા છે. અકિલાની મુલાકાત વખતે રવિન્દ્ર રાવલજી સાથે મનોજ જોશી (મન) કે જેઓ પણ એક કવિ છે અને અર્બન ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રવિન્દ્રજીના પત્નિ માનસીબેન રાવલ પણ સાથે રહ્યા હતા.(૪૦.૩૨)
રવિન્દ્ર રાવલજીનો સંપર્કઃ ૯૯૬૯૮ ૩૧૭૦૨
પહેલા સ્ક્રિન પર ગીતકારોના નામ નહોતા આવતા..પણ..!
પહેલાના ગીતકારોને લોકો ઓળખતા હવે કેમ નથી ઓળખતા? રવિન્દ્ર રાવલજી કહે છે, પહેલાના જમાનામાં તો ગાયકોના નામ પણ સ્ક્રિન પર નહોતા આવતા. મહેલ પહેલી એવી ફિલ્મ હતી ત્યારે લતા મંગેશકરે જઇને કમાલ અમરોહીને વિનંતી કરી કે જે ફિલ્મની નાયિકાનું નામ આવે છે તો ગાયિકાના નામ કેમ નહીં? એ પછી ગાયકોના નામ સ્ક્રિન પર આવવા શરૂ થયા. સંગીતકારોનું નામ તો આવતું પણ ગીતકારનું નામ તો ક્યાંય આવતું નહીં. જેના માટે ગીતકારોએ સાથે મળી રેડિયો પર અને માધ્યમો પર મહેનત કરી, બંધારણમાં બદલાવ લાવી ફિલ્મોમાં ગીતકારનું નામ સ્ક્રિન પર આવે તેવું ફરજીયાત કરાવ્યું. આગળ જતા આઇ.પી.આર.એસ શરૂ થઇ જે રોયલ્ટી આપે છે. એ શરુ કરનાર વિદેશીઓ હતા. તેમણે ગીતકારને રોયલ્ટી અપાવી.
રવિન્દ્રમાંથી રવિન્દર નામ કઇ રીતે થયું?
ફિલ્મોમાં આપનું નામ રવિન્દર અને હકીકતમાં રવિન્દ્ર નામ છે તેનું ખાસ કારણ? રવિન્દ્ર રાવલજીએ જણાવ્યું કે, ફિલ્મ એજન્ટ વિનોદ, તરાના સહિત અનેક ફિલ્મોના ડાયરેક્ટર દિપક બહારી ન્યુમોરોલોજી શિખીને આવ્યા. અમારા સંગીતકાર રામ-લક્ષ્મણની નામ અને અક્ષર ગણી કહ્યું તમે નામ બદલી નાંખો નહીંતર તમારામાંથી કોઇ એક નહીં બચે. હકીકતે થોડા સમય બાદ એ જોડીના રામ રહ્યા નહી. મારા નામના અક્ષરનો નંબર પણ ૮ થતો હતો. એમણે મને નામનો સ્પેલિગ બદલાવવા કહ્યું. જોકે હું માન્યો નહીં. તેઓ પંજાબી હતા એટલે તેમણે મારું નામ રવિન્દ્રનું રવિન્દર કરી નાંખ્યું અને ત્યારથી ફિલ્મોમાં ઓન સ્ક્રિન રવિન્દર ચાલે છે.
(11:42 AM IST)










