તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 17th November 2025
કોઠારીયા રોડ શુભ એપાર્ટમેન્ટમાં ડોલી આચાર્યનો આપઘાતઃ પતિ અને મિત્રના ત્રાસને લીધે પગલુ ભર્યુ
ગોડલના હડમડીયા ગામે સાસરૂ ધરાવતી પરિણીતા પતિના ત્રાસથી તેને છોડી પંદરેક દિવસથી જેની સાથે રિલેશનમાં હતી તે જય સોનાગરા સાથે રાજકોટ રહેવા આવી હતીઃ જય સાથે છ મહિનાથી રિલેશનશીપ હતી : પતિએ ત્રાસ ગુજાર્યા બાદ ડોલીને તેણીનો મિત્ર જય પણ ઝઘડા કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનો ફરિયાદમાં આક્ષેપઃ અમદાવાદ સ્થિત ભાઇ અભિષેકભાઇ વ્યાસની આજીડેમ પોલીસમાં ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૧૭: ગોંડલના હડમડીયા ગામે સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર નચીકેતા હીલ્સની સામે શુભ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧માં રહેતી ડોલીબેન અમિતભાઇ આચાર્ય નામની ૨૪ વર્ષિય પરિણીતાએ શનિવારે સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કામધંધો ન કરી દુઃખ ત્રાસ આપતાં પતિને છોડી આ પરિણીતા છએક મહિનાથી અન્ય એક યુવાન સાથે રિલેશનમાં હોઇ તેની સાથે અહિ રહેતી હતી. પરંતુ આ શખ્સ પણ તેણી સાથે ઝઘડા કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હોઇ બંનેના ત્રાસથી કંટાળી તે મરી જવા મજબૂર થયાનું તેણીના અમદાવાદ સ્થિત ભાઇએ પોલીસને જણાવતાં બંને સામે ગુનો દાખલ થયો છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે અમદાવાદ રાણીપ વિસ્તાર સન રીયલ હોમ્સ ફલેટ નં. ૪૧૦માં રહેતાં આપઘાત કરનાર ડોલીબેનના ભાઇ અભિષેકભાઇ તુષારભાઇ વ્યાસ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી ડોલીબેનના પતિ અમિત ચંદ્રકાંતભાઇ આચાર્ય (રહે. હડમતીયા ગોંડલ) અને હાલ તેણી જે શખ્સ સાથે રિલેશનમાં હતી અને જેની સાથે રહેતી હતી તે જય મનોજભાઇ સોનાગરા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અભિષેકભાઈ વ્યાસે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ગ્રાફીક ડીઝાઇનર તરીકે કામ કરુ છું. મારી બહેન ડોલીબેનના લગ્ન સને ૨૦૨૧માં ગોંડલના અમિતભાઈ ચંદ્રકાંતભાઈ આચા સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ તેમના બનેવી અમિતકુમાર, ડોલીબેન સાથે નાની-નાની બાબતોમાં બોલાચાલી ઝઘડા કરીને તેમને હેરાન-પરેશાન કરતા હતા, તેમજ કોઈ કામધંધો પણ કરતા ન હતા. આ સતત માનસિક અને શારીરિક ત્રાસના કારણે ડોલીબેન દુઃખી રહેતા હતા. આ બાબતે અગાઉ છ મહિના પહેલા જુનાગઢ ખાતે બંને પરિવારોએ સમજૂતી માટે મિટિંગ પણ કરી હતી. છેલ્લા દઢેક વર્ષથી મારી બહેન રાજકોટ રહેતી હતી.
દરમિયાન ૧૫/૧૧/૨૦૨૫ના રોજ સાંજે સાતેક વાગ્યે હું ગાંધીનગર ખાતે હતો ત્યારે મને મારા બનેવી અમિતકુમારનો ફોન આવ્યો હતો, જેમાં અમિતકુમારે જણાવ્યું કે તેઓ અને મારા બહેન ડોલીબેન છૂટાછેડા લેવાની પ્રક્રિયામાં છે અને સોમવારે કોર્ટમાં મુદત છે. આથી તેણે મારા ડોલીબેનને ફોન કર્યો હતો. પરંતુ તેણીએ ફોન ન ઉપાડતા અમિતકુમારે તેમના મિત્ર જય મનોજભાઈ સોનાગરાને ડોલીબેન જે હાલ રાજકોટ રહેતા હતાં તેના ઘરે મોકલ્યા હતા, જ્યાંથી ડોલીબેને ગળેફાંસો ખાધાના સમાચાર મળ્યા હતા.
મારા બનેવીના આવા ફોન બાબતે મેં મારા પરિવારના લોકોને જાણ કરી હતી અને અમે બધા તુરત રાજકોટ પહોંચ્યા હતાં. અહિ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મારા બહેન ડોલીબેનની લાશ જોવા મળી હતી. જેનું પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને અમને મૃતદેહ સોંપ્યો હતો.
અભિષેકભાઇ વ્યાસે વધુમાં જણાવ્યું છે કે આ બનાવનું કારણ એ છે કે મારા બહેન ડોલીબેનના લગ્ન પછી ઘરસંસાર થોડો સમય સારી રીતે ચાલ્યો હતો, ત્યારબાદ બનેવી મારા બહેન સાથે ઝઘડો કરી હેરાન પરેશાન કરતાં હતાં. તે કામધંધો પણ કરતા નહોતા અને નાની નાની વાતે ઝઘડો કરી મારા બહેનને શારીરિક માનસિક ત્રાસ આપતાં હતાં. આથી અમે છએક મહિના પહેલા મારા મોટા બાપુજી હીમાંશુભાઇ જે જુનાગઢ રહે છે તેના ઘરે મારા બહેન અને બનેવીના ઝઘડાનું સમાધાન સગાની હાજરીમાં કરાવ્યું હતું. એ પછી અમે બહેનને બનેવી અમિતકુમાર સાથે મોકલી હતી.
તેણીએ આપઘાત કર્યાની જાણ થતાં અમે રાજકોટ આવ્યા પછી બહેન કોઠારીયામાં જ્યાં રહેતી હતી ત્યાં આસપાસમાં તપાસ કરતાં ખબર પડી હતી કે પંદરેક દિવસથી મારી બહેન ડોલીબેન જય મનોજભાઇ સોનાગરા સાથે ભાડોથી મકાનમાં રહેતી હતી. બે દિવસ પહેલા જય સોનાગરા અને મારી બહેન વચ્ચે ઝઘડો થયો હતો. પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જય સોનાગરા હાજર હોઇ તેના દ્વારા મને જાણવા મળેલુ કે મારી બહેન સાથે છએક મહિનાથી જય સોનાગરા રીલેશનમાં હોઇ તે દરમિયાન જય સોનાગરાએ પણ તેણીને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. આમ પતિ અને જેની સાથે રિલેશનમાં હતી તે જયએ પણ મારી બહેનને સતત ત્રાસ આપ્યો હોઇ આ બંનેના ત્રાસને કારણે મારી બહેન મરી જવા મજબૂર થઇ હતી. તેમ વધુમાં અભિષેકભાઇ વ્યાસે જણાવતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ. એ. એચ. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:18 PM IST)










