<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

રાજકોટમાં ૧૯ વર્ષના બંગાળી યુવાનનું હૃદય ધબકારા ચુકી ગયું

મોડી રાતે એકાએક શ્વાસ ચડયોઃ બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો પણ જીવ ન બચ્‍યોઃ ઘાંચીવાડના દંપતિએ એકનો એક દિકરો ગુમાવતાં માતમ

રાજકોટ તા. ૧૮: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાનનું મોત થયું છે. જીલ્લા ગાર્ડન પાસે ઘાંચીવાડ-૭માં રહેતો સાદીકુલ સૈફુલઇસ્‍લામ મંડલ (ઉ.વ.૧૯) નામના યુવાનને રાતે અઢી વાગ્‍યે એકાએક શ્વાસ ચડયા બાદ બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

સાદીકુલ ચાંદીના દાગીનાને પોલીશ કરવાનું કામ શીખતો હતો. તે માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તેના પિતા ચાંદીના દાગીના પોલીશનું કામ કરે છે. મુળ પヘમિ બંગાળનો આ પરિવાર આઠેક વર્ષથી રાજકોટ રહે છે. પિતા સૈફુલઇસ્‍લામે કહ્યું હતું કે રાતે એકાએક શ્વાસ ચડતો હોય એવો અવાજ સાંભળી હું અને મારા પત્‍નિ જાગી ગયા હતાં. દિકરાની હાલત ખરાબ થઇ ગઇ હોઇ તુરત હોસ્‍પિટલે ખસેડયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. પોસ્‍ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. 

 

(11:57 AM IST)