<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

ગોંડલ રોડ નોવા'સ કોમ્‍પલેક્ષમાં બનાવઃ નેપાળી ચોકીદારનો અગાસીએ પાઇપમાં લટકીને આપઘાત

વહેલી સવારે જાગેલા પત્‍નિ જાલુબેનએ પતિને પથારીમાં ન જોતાં શોધખોળ કરતા લટકતી હાલતમાં મળ્‍યાઃ માનસિક ટેન્‍શન કારણભુતઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૮: આત્‍મહત્‍યાનો વધુ એક બનાવ બન્‍યો છે. શહેરના ગોંડલ રોડ પર આવેલા કોમ્‍પલેક્ષમાં પાર્કિગમાં આવેલા રૂમમાં પરિવાર સાથે રહેતાં અને અહિ ચોકીદારી કરતાં નેપાળી આધેડે કોમ્‍પલેક્ષની અગાસી પર પાઇપમાં લટકી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ સાધના ભેળ સામે આવેલા નોવા'સ કોમ્‍પલેક્ષમાં ગ્રાઉન્‍ડ ફલોરમાં આવેલા ચોકીદારના રૂમમાં રહેતાં અને અહિ કોમ્‍પલેક્ષમાં ચોકીદારી કરતાં પુરનભાઇ પ્રતાપસિંગ સુનાર (ઉ.વ.૪૫) નામના આધેડે વહેલી સવારે કે  મધરાતે કોઇપણ સમયે આ કોમ્‍પલેક્ષની અગાસીએ પાઇપમાં વાયર બાંધી દેહ લટકાવી દીધો હતો. સવારે ચારેક વાગ્‍યે પત્‍નિ જાલુબેનની ઉંઘ ઉડી ત્‍યારે પતિ તેની પથારીમાં જોવા ન મળતાં પરિવારજનોને જગાડીને શોધખોળ શરૂ કરી હતી.

એ દરમિયાન અગાસી પર તપાસ કરતાં  પુરનભાઇ ત્‍યાં  પાઇપમાં વાયર બાંધી લટકતાં જોવા મળતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. ૧૦૮ બોલાવાતાં તેના ઇએમટી તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. ભક્‍તિનગર પોલીસને જાણ થતાં અમીનભાઇ સહિતે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનારા પુરનભાઇ સુનાર મુળ નેપાળના વતની હતાં. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. કેટલાક વર્ષથી રાજકોટ રહી ચોકીદારી કરતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ માનસિક ટેન્‍શનને કારણે તેણે આ પગલુ ભર્યાની શક્‍યતા છે. ચોક્કસ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(2:46 PM IST)