તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
હાર્ટએટેકથી બીએસએનએલના કર્મચારી અને હીરાઘસુના મૃત્યુ
પીએન્ડટી કોલોનીના ફિરોઝભાઇ શેખ અને સરધારના મનિષભાઇ આંબલીયાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: હાર્ટએટેકના વધુ બે બનાવમાં બીએસએનએલના કર્મચારી અને હીરાઘસુના મૃત્યુ થયા છે. જ્યારે એક યુવાનનું બેભાન થઇ ગયા બાદ મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ પીએન્ડટી કોલોની બ્લોક નં. ટીબી-૬/૭માં રહેતાં ફિરોઝભાઇ મોહમ્મદવાહીદ શેખ (ઉ.વ.૫૧) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
ફિરોઝભાઇ પાંચ ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે બીએસએનલમાં ટેલીફોન ટેક્નીશીયન તરીકે ફરજ બજાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં સરધારમાં લેઉવા પટેલ સમાજની વાડી પાસે રહેતાં મનિષભાઇ મોહનભાઇ આંબલીયા (ઉ.વ.૪૮) સવાારે ઘરે લોહીની ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર માં દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મનિષભાઇ ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં અને હીરા ઘસી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
૨૧ વર્ષના મુન્ના ઝરીયાનું બેભાન હાલતમાં મોત
ત્રીજા બનાવમાં ગોડાઉન રોડ પર આરાધના સોસાયટી-૧માં રહેતો મુન્નાભાઇ સુખદેવભાઇ ઝરીયા (ઉ.વ.૨૧) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારના માતા-પિતા હયાત નથી. પોતે એકનો એક હતો અને એકલો રહેતો હતો. ટીબીની બિમારી હોવાનું સગા પરિચીતોએ કહ્યું હતું. બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:55 PM IST)










