તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
પૂરવઠા ખાતુ ફિંગર પ્રિન્ટ સિસ્ટમ અપનાવે તે ખૂબ જરૂરીઃ દર મહિને ૧૭ હજાર દૂકાનદારો- ૭૪ લાખ લોકો હેરાન-પરેશાન
લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છેઃ કોઇ સરળ- સલામત પધ્ધતિ અમલમાં મૂકવી જરૂરી

રાજકોટ તા.૧૮: સસ્તા અનાજના દૂકાનદાર એસો.ના હોદેદારશ્રી હિતુભા જાડેજા જણાવે છે કે, રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારોને અનાજ અને વિવિધ જણસીઓનું વિતરણ કરવામાં આવે છે ત્યારે રાશનકાર્ડ ધારક વ્યાજબી ભાવની દુકાનખાતેથી અનાજ મેળવે છે અને આ અનાજ મેળવતા પહેલા રાશનકાર્ડ ધારકોએ વાજબી ભાવની દુકાન ખાતે રહેલા બાયોમેટ્રિક ડિવાઇસ પર પોતાની આધાર આધારિત ઓળખ પ્રસ્થાપિત કરવી પડે છે આ માટે વ્યાજબી ભાવની દુકાન ખાતે કોમ્પ્યુટર સાથે લગાવેલા બાયોમેટ્રિક ડિવાઇસ કે જેના દ્વારા રાજ્ય સરકારના સર્વર થી ચાલતા એક સોફ્ટવેર પર પોતાના ફિંગર પ્રિન્ટની ખરાઈ કરાવવાની હોય છે જે રાશનકાર્ડ ધારકોને પોતાના હાથના આંગળાઓની છાપ ઘસાઈ ગયા હોય તેવા સંજોગોમાં વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP થી વેરિફિકેશન કરવામાં આવે છે પરંતુ હાલમાં આ પ્રકારના વિકલ્પને મૂર્છિત રાખવામાં આવ્યું છે. ટેકનિકલ અને માનવસર્જિત એમ બે પ્રકારની છે ટેકનિકલ ખામી માં સૌથી પહેલા વાત કરીએ તો તે સર્વર ની સમસ્યા છે વારંવાર સર્વર ડાઉન થઈ જાય કયારેક સર્વર બંધ થઈ જાય અને કયારેક જુદા જુદા પ્રકારની એરર આવે જે નિવારી શકાતી નથી રાશનકાર્ડ ધારકો અને દુકાનદારો નો સમય બગડે છે વિતરણ વિલંબમાં પડે છે અને ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ પણ થાય છે
એવી રીતે માનવસર્જિત ખામીની વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે સર્વરમાં ખામી સર્જાઈ હોય અથવા તો ગ્રાહકના ફિંગર કેપ્ચર ન થતા હોય ત્યારે ઘણી વખત OTP ના ઓપ્શનથી બિલ બની શકતુ હોય છે પરંતુ સરકારના અધિકારીઓ દ્વારા આ ઓપ્શનનો ઉપયોગ ન કરવા માટે અનઓફિસિયલી વેપારીભાઈઓ પર દબાણ કરવામાં આવે છે ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જુદી જુદી જણસીઓના વિતરણ માટે જુદા જુદા બે બિલો બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે બન્ને બિલ બનાવતી વખતે રાશનકાર્ડ ધારક ના બે વખત ફિંગર પ્રિન્ટ લેવા પડે છે જેના કારણે સર્વર પર બર્ડન વધે છે અને સર્વરની સ્પીડ ધીમી થાય છે પરીણામે બમણા શ્રમ અને સમયનો ખર્ચ થાય છે અને ઘણીવાર રાશનકાર્ડ ધારક નો એક વખત ફિંગર પ્રિન્ટ આવી ગયા પછી બીજી વખત ફિંગર પ્રિન્ટ લેવા માટે અનેક પ્રયાસો કરવા પડે છે આવી ઘટના વારંવાર બને છે અધિકારીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જુદી જુદી જણસીઓના અલગ અલગ હિસાબો રાખતા હોવાના કારણે આ પ્રકારની વ્યવસ્થા પોતાના વહીવટી સરળતા માટે કરેલી છે પરંતુ આ તેમની સરળતા ખાતર કરવામાં આવેલી વ્યવસ્થાને લીધે રાજ્યના ૧૭૦૦૦ દુકાનદારો અને ૭૪ લાખ રેશનકાર્ડ ધારકો રોજે રોજ હેરાન થાય છે જો સિંગલ ફિંગર પ્રિન્ટ થી એક સમયે એક જ વ્યકતીના બાયોમેટ્રિકથી કેન્દ્ર તથા રાજ્ય સરકારની બન્ને જણસીનું બિલ બને તો સમસ્યાનો અડધોઅડધ ઉકેલ લાવી શકાય એમ છે ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે સોફ્ટવેરની રચના કરાવવામાં આવી છે એમાં બિન જરૂરી અમુક વિકલ્પ મુકવામાં આવ્યા છે જેમકે માસ સિલેક્ટ કરવો ડિવાઇસ નો પ્રકાર દરેક બિલ બનાવતી વખતે સિલેક્ટ કરવો કે જેને લીધે બીલીંગ પ્રક્રીયા ધિમી પડે છે અને પારાવાર સમસ્યાઓ નોતરે છે આમ નિવારી શકાય એવી ખામીઓને પણ નજર અંદાજ કરીને અધિકારીઓ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાથી પ્રજાને હાલાકી ભોગવવી પડે છે.
સરકાર દ્વારા સૌપ્રથમ રેશનકાર્ડ નું ચૂંટણી કાર્ડ સાથે લિંકઅપ કરવામાં આવ્યું ત્યારબાદ રાશનકાર્ડ ધારકના દરેક સભ્યોનું આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવામાં આવ્યું અને બધા સભ્યોનું EKYC પણ કરી નાખવામાં આવ્યું છે જેના કારણે રાજ્યમાં ૭૪ લાખ અન્ન સુરક્ષા કાયદા હેઠળ નોંધાયેલા રાશનકાર્ડ ધારકોનું ફૂલ્લી વેરિફિકેશન થઈ ગયું છે અને EKYC વગરના કોઈ પણ સભ્યનું નામ રાશનકાર્ડમાં રહ્યું નથી આવા સંજોગોમાં સરકારશ્રી એ હવે ગરીબ અને જરૂરિયાત મંદ રાશનકાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાન ખાતેથી અનાજ મેળવવા માટેની પદ્ધતિમાં સરળતા લાવવી જોઈએ જેથી રાજ્યના જરૂરિયાત મંદ રાશનકાર્ડ ધારકો ઓછા સમયમાં અને સરળતાથી અનાજ મેળવી શકે રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદારોને કોમ્પ્યુટર દ્વારા ગ્રાહકોની આધાર આધારિત ઓળખ પ્રસ્થાપિત કરવાની પદ્ધતિમાં સામેલ કરવામાં આવ્યા છે તેમા ઘણીબધી મર્યાદાઓ હોય આ પધ્ધતિ માંથી મુક્તી આપવી જોઈએ કોઈ સરળ અને સલામત પધ્ધતિ દ્વારા રાશનકાર્ડ ધારકોને અનાજ તથા અન્ય પુરવઠો મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઇએ, તેમ સસ્તા અનાજના દૂકાનદાર એસો.ના ઉપપ્રમુખશ્રી હિતુભા જાડેજાએ એક યાદીમાં- નિવેદનમાં ઉમેર્યુ છે.
(3:53 PM IST)










