<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ભગવતીપરામાં બે મિત્રો પર ગવલા-જાવલાની ટોળકીનો હુમલોઃ સમીર સોરાના પગ ભાંગી ગયા, રિક્ષામાં તોડફોડ : જુઓ વિડિયો

વર્ષો પહેલા સિકંદરના ભાઇ સાથે ગોૈરાંગ ઉર્ફ ગવલાને માથાકુટ થઇ હોઇ ત્‍યારથી ચાલતું મનદુઃખ કારણભુત : બપોરે સમીર અને સિકંદર ચા પી ઘરે જતા'તા ત્‍યારે રિક્ષાને આંતરી ગવલો, તેનો મિત્ર જાહીદ ઉર્ફ જાવલો, મંડપવાળાના ત્રણ છોકરા સહિતના તૂટી પડયાઃ બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે સહિતની ટીમ ઘટના સ્‍થળે અને હોસ્‍પિટલે દોડી ગઇઃ લાંબા સમયથી ટોળકીનો ત્રાસ હોવાનો આક્ષેપ

ભગવતીપરામાં રિક્ષાને આંતરી બે મિત્રો સમીર સોરા અને સિકંદર રાઉમા પર હુમલો કરાયો હતો. જેમાં સમીરના પગ ભાંગી ગયા હતાં. સિકંદરની રિક્ષામાં પણ તોડફોડ થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને તંગદીલી વ્‍યાપી ગઇ હતી. બનાવની જા થતાં પીઆઇ એસ. એસ. રાણે, ડી. સ્‍ટાફના આર. જ.ે સોલંકી, લાલજીભાઇ, ક્રિપાલસિંહ, યુવરાજસિંહ, નરેશભાઇ, વિશ્વજીતસિંહ, મનજીભાઇ, હાર્દિકભાઇ, રાજદિપભાઇ  સહિતની ટીમ સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસ પહોંચી ત્‍યારે વિસ્‍તારમાં શાંતિ હતી. તસ્‍વીરમાં ઘટના સ્‍થળે પોલીસ કાફલો,  લોકોનું ટોળુ, ઘટના સ્‍થળે તોડફોડ થયેલી રિક્ષા, વિગતો જણાવતાં સિકંદરના મોટા બા, હુમલામાં ઘાયલ સમીર રાઉમા હોસ્‍પિટલના બીછાને જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: શહેરના ભગવતીપરામાં બપોરે જુના મનદુઃખને લીધે બે મિત્રોની રિક્ષાને આંતરી છથી સાત શખ્‍સોએ હુમલો કરી એક યુવાનને ધોકા-પાઇપના ઘા મારી બંને પગ ભાંગી નાંખતા અને રિક્ષામાં પણ તોડફોડ કરતાં પોલીસ દોડી ગઇ હતી. હુમલામાં ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેના કહેવા મુજબ તેના મિત્રને જુની માથાકુટ ચાલતી હોઇ પોતે તેના ભેગો હોઇ ખાર રાખી ટોળકી તૂટી પડી હતી.

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરા હુશેનીયા મસ્‍જીદ પાસે રહેતો સમીર અયુભાઇ સોરા (ઉ.વ.૨૭) બપોરે તેના મિત્ર સિકંદર હારૂનભાઇ રાઉમાની રિક્ષામાં બેસી તેની સાથે ચા પીવા ગયો હતો. બાદમાં બપોરે બારેક વાગ્‍યે આ બંને ચા પી પરત ઘર તરફ જતાં હતાં ત્‍યારે આઝમ ચોકમાં ધોકા-પાઇપથી છએક શખ્‍સો તૂટી પડતાં સમીરને બંને પગમાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ માથા, શરીરે ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત હુમલાખોરોએ સિકંદરની રિક્ષામાં પણ તોડફોડ કરતાં લોકોના ટોળા ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.

ગંભીર ઇજા પામનાર સમીરને સારવાર માટે તેના પરિવારજનોએ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રતાપભાઇ, રવિભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે જાણ કરતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે સહિતનો સ્‍ટાફ હોસ્‍પિટલે દોડી આવ્‍યો હતો. તેમજ બીજો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો.

હુમલામાં ઘાયલ થયેલા સમીર સોરાએ જણાવ્‍યું હતું કે હું ટ્રકમાં ક્‍લીનર તરીકે કામ કરુ છું અને પરિવાર સાથે રહુ છું. હું ત્રણ ભાઇમાં નાનો છું અને મારે સંતાનમાં એક પુત્ર છે. બપોરે હું મિત્ર સિકંદર સાથે ચા પીવા તેની રિક્ષામાં ગયો હતો. અમે બંને પરત ઘરે જતાં હતાં ત્‍યારે આઝમ ચોકમાં અમને ભગવતીપરાના જાહીદ ઉર્ફ જાવલો યુસુફભાઇ, ગોૈરાંગ ઉર્ફ ગવલો બાવાજી, મંડપ સર્વિસવાળાના ત્રણ છોકરા સહિતનાએ આંતરી લીધા હતાં. અમે કંઇ સમજી એ પહેલા રિક્ષા ઉપર ધોકા-પાઇપના ઘા કરી તોડફોડ કરવામાં આવી હતી. મને જાવલો, ગોૈરવ સહિતે તું કેમ સિકંદર ભેગો રખડે છે તેમ કહી હુમલો કરી ધોકા-પાઇપના ઘા ફટકારતાં મને ગંભીર ઇજા થઇ હતી.

લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. મારા મિત્ર સિકંદર રાઉમાના ભાઇને વર્ષો પહેલા ગોૈરાંગ ઉર્ફ ગવલાના પિતા સાથે ગાળાગાળી મામલે માથાકુટ થઇ હતી અને તે વખતે ફરિયાદ પણ થઇ હતી. ત્‍યારથી ગવલો, તેનો ભાઇબંધ જાહીદ ઉર્ફ જાવલો સહિતના મારા મિત્ર સિકંદર સાથે અવાર-નવાર માથાકુટ કરતાં રહે છે. આજે હું સિકંદરની સાથે હતો ત્‍યારે મને પણ તું કેમ આના ભેગો કરે છે? કહી ધોકા-પાઇપના ઘા ફટકાર્યા હતાં. તેમ વધુમાં સમીર સોરાએ જણાવતાં પોલીસે તેની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

બનાવની જાણ થતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, ડી. સ્‍ટાફની ટીમ તેમજ એલસીબી, ડીસીબીનો કાફલો ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો. ગોૈરાંગ ઉર્ફ ગવલો, તેનો મિત્ર જાહીદ ઉર્ફ જાવલો સહિતનાનો આ વિસ્‍તારમાં લાંબા સમયથી ત્રાસ હોવાનું અને અવાર-નવાર આ લોકો ગમે તેની સાથે માથાકુટ કરતાં હોવાનો આક્ષેપ ઘાયલ થયેલા સમીર સોરાના અને તેના મિત્ર સિકંદરના સગા સંબંધીઓએ કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(3:02 PM IST)