News of Wednesday, 19th November 2025
રાજકોટમાં ડિજિટલ અરેસ્ટ કરી ૧ કરોડ ૧૪ લાખ પડાવ્યા:એરપોર્ટ રોડ પર એક્ઝાન સોસાયટીમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટિઝન શિકાર બન્યા: સાયબર ક્રાઇમનો ગંભીર ગુનો
ફોન ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલિંગ અને સાયબર આતંકવાદ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાયો હોવાથી બે કલાકમાં બંધ થઈ જશે કહી ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા : પૈસા નહીં ભરે તો 'ફિઝિકલ એરેસ્ટ' કરાશે અને તેમની વિદેશ ઓસ્ટ્રેલિયા અને કેનેડા રહેતી પુત્રીઓને પણ 'ડિપોર્ટ' કરીને ભારત પરત લાવવામાં આવશે તેવી ધમકી અપાઈ

રાજકોટઃ સાયબર ગુનેગારોએ નવી અને અત્યંત ખતરનાક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને રાજકોટના ૭૬ વર્ષીય નિવૃત્ત સિનિયર સિટિઝન કે જેઓ એરપોર્ટ રોડ પર એકઝાન સોસાયટીમાં રહેતા વૃધ્ધ ‘ડિજિટલ એરેસ્ટ’ની ધમકી આપીને રૂ. ૧ કરોડ ૧૪ લાખ ૫૫ હજાર રૂપિયા ૧,૧૪,૫૫,૦૦૦ની જંગી રકમ પડાવી લીધી હોવાનો સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇની ખોટી ઓળખ આપીને વૃધ્ધ પાસે મસમોટી રકમ પડાવી લેવાઈ છે.
ચકચાર જગાવતી ઘટનાની જાણવા મળેલી વિગત મુજબ વૃધ્ધ કુરબાન વલીજી બદામી, જેઓ રાજકોટમાં રહે છે, તેમને તારીખ ૨૯/૧૦/૨૦૨૫ના રોજ બપોરે ૧ વાગ્યાની આસપાસ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારે પોતે જીઓ ટેલિકોમ કંપનીમાંથી બોલતો હોવાનો દાવો કરીને જણાવ્યું હતું કે તેમનો ફોન ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમ્બલિંગ અને સાયબર આતંકવાદ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાયો હોવાથી બે કલાકમાં બંધ થઈ જશે. જ્યારે બદામીએ મુંબઈ જઈને ખુલાસો કરવામાં અસમર્થતા દર્શાવી, ત્યારે ગઠીયાઓએ તેમને વોટ્સએપ વિડીયો કોલ દ્વારા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઈ. શંકર સુરેશ પાટીલ તરીકે ઓળખ આપી રહેલા પોલીસની વર્દી પહેરેલા વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો.
આ નકલી પીએસઆઇએ ફરિયાદી પાસેથી તેમનું આખું નામ, પરિવારની વિગતો અને આધાર કાર્ડ નંબર મેળવ્યા હતા. ત્યારબાદ તેમને ગંભીર ગુનાઓ જેમ કે મની લોન્ડરિંગ અને સાયબર આતંકવાદમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમને જણાવવામાં આવ્યું કે તેમના આધાર કાર્ડનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં ખાતા ખોલવા માટે થયો છે, જેના માટે તેમને ૧૦ વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. ડરના માહોલ વચ્ચે, ગઠીયાઓએ કહ્યું કે તેમને 'ફિઝિકલ એરેસ્ટ' નહીં પણ 'ડિજિટલ એરેસ્ટ' કરવામાં આવી રહ્યા છે અને જો તેઓ સહકાર આપશે તો રાહત આપવામાં આવશે.
ત્યારબાદ સિનિયર સિટિઝનને કહેવામાં આવ્યું કે તેમની તમામ સંપત્તિ શંકાના દાયરામાં છે અને તેને 'લિક્વિડેટ' કરીને RBIમાં જમા કરાવવી પડશે, જે કેસ પૂરો થયા પછી વ્યાજ સાથે પરત મળશે. આ વિશ્વાસઘાતને મજબૂત કરવા માટે, સાયબર ગુનેગારોએ વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા અને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર શ્રી ટી. રવિશંકરની સહીવાળા નકલી દસ્તાવેજો મોકલ્યા હતા.આ ડર હેઠળ, ફરિયાદી કુરબાન બદામી અને તેમના પત્ની દુરૈયાબેને તેમના એસ.બી.આઈ. બેન્કના ખાતામાંથી ૦૩/૧૧/૨૦૨૫ થી ૧૦/૧૧/૨૦૨૫ દરમિયાન યસ બેંક અને એક્સિસ બેંકના વિવિધ ખાતાઓમાં કુલ રૂ. ૧,૧૪,૫૫,૦૦૦ જમા કરાવ્યા હતા. વધુ રૂ. ૧૦ લાખની માંગણી કરવામાં આવી, સાથે જ ધમકી આપવામાં આવી કે જો પૈસા નહીં ભરે તો ફરિયાદીને 'ફિઝિકલ એરેસ્ટ' કરાશે અને તેમની વિદેશ ઓસ્ટ્રેલિયા અને કેનેડા રહેતી પુત્રીઓને પણ 'ડિપોર્ટ' કરીને ભારત પરત લાવવામાં આવશે.જ્યારે વધુ નાણાં ન હોવાથી ફરિયાદીએ તેમની નાની પુત્રી ઇશરતનો સંપર્ક કર્યો, ત્યારે પુત્રીએ આ ફ્રોડ હોવાનું જણાવી સમગ્ર મામલો ખુલ્લો પાડ્યો હતો. આખરે હવે ૧૯૩૦ હેલ્પલાઇન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજિસ્ટર થઈ છે.સાયબર પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી દીધી છે.
(10:00 PM IST)










