<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

ઠંડીના ચમકારા વચ્‍ચે રાજકોટમાં ૨૫ વર્ષની યુવતિ સહિત પાંચના હૃદય બંધ પડી જતાં મોત

ગોંડલના ગુંદાળાની દીશાબેન રામોલીયા વાવડીમાં ભાઇના ઘરે હતી ત્‍યારે ઢળી પડી : જયહિન્‍દ નગરમાં નયનાબેન ગોહેલ ખુરશીમાં બેભાન થઇ ગયા બાદ મોતઃ સત્‍યમ્‌ પાર્કના શાંતાબેન ચાવડા, સિધ્‍ધાર્થનગરના ભરતભાઇ વણોલ અને મવડી સરદારનગરના નિવૃત એડવોકેટ ધનજીભાઇ ફળદુએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં શોકની કાલીમા : ૪૦ વર્ષના ભરતભાઇને હાથ-પગમાં ફ્રેકચર હોઇ નોકરીએ જઇ શકતા નહોતાં, સરધારના સર ગામે માવઠાને કારણે ખેતીમાં પણ નુકસાની જતાં ચિંતા વધી ગઇ હતીઃ માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ હતાં

રાજકોટ તા. ૮: શીયાળાની ઠંડીનો આરંભ થતાંની સાથે હાર્ટએટેકના બનાવો વધી ગયા છે. હૃદય થંભી જવાથી મૃત્‍યુના વધુ પાંચ બનાવ બન્‍યા છે. જેમાં ગોંડલના ગુંદાળાથી રાજકોટ ભાઇના ઘરે આવેલી ૨૫ વર્ષની યુવતિનું, દૂધ સાગર રોડ પર જયહિન્‍દનગરમાં ખુરશીમાં ઢળી પડતાં મહિલાનું, ૮૦ ફુટ રોડ સત્‍યમ્‌ પાર્કમાં રહેતાં વૃધ્‍ધાનું, કોઠારીયા રોડ સિધ્‍ધાર્થનગરમાં   ૪૦ વર્ષના યુવાનનું, મવડી સરદારનગરમાં રહેતાં નિવૃત એડવોકેટ વૃધ્‍ધનું હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થતાં આ તમામના પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર આસોપાલવ રેસીડેન્‍સીમાં રહેતી દિશાબેન મુકેશભાઈ રામોલીયા (ઉ.વ.૨૫)ની યુવતી રાજકોટના વાવડીમાં મટુકી ચોક પાસે નંદનવન સોસાયટીમાં ભાઈ જેનીશભાઇના ઘરે હતી ત્‍યારે આજે સવારે એકાએક તેણીએ બૂમ  પાડતા માતા અને ભાઈ દોડી ગયા હતાં. પરંતુ તે વધુ કંઇ બોલી શકી નહોતી અને  બેભાન થઇ જતાં તુરત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર દિશાબેન એક ભાઇથી મોટી હતી. પિતા મુકેશભાઈ ટ્રાન્‍સપોર્ટના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. પોતે માતા-પિતા સાથે ગોંડલના ગુંદાળા ગામે રહેતી હતી. દિવાળીથી વાવડીમા ં રહેતા નાનાભાઈ જેનીશભાઇના ઘરે રહેવા આવી હતી. હાર્ટ એટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં  દૂધ સાગર રોડ પર જયહિન્‍દ નગરમાં ભવાની ડેલા પાસે રહેતા નયનાબેન વિનોદભાઈ ગોહેલ (ઉ.વ.૫૪) રાત્રીના દશેક વાગ્‍યે ઘરે ખુરશીમાં બેઠા હતાં ત્‍યારે અચાનક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દીધો હતો. મળતકના પતિ હયાત નથી. સંતાનમાં એક દીકરો છે. નયનાબેના પતિનું દોઢ વર્ષ  અગાઉ મૃત્‍યુ થયું હતું. એકના એક દિકરાએ પિતા બાદ માતા પણ ગુમાવી દીધા હતા. તેમને હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.

ત્રીજા બનાવમાં ૮૦ ફૂટ રોડ પર સત્‍યમ પાર્કમાં રહેતા શાંતાબેન સવજીભાઈ ચાવડા-પ્રજાપતિ (ઉ.વ.૫૮) રાતે અગીયારેક વાગ્‍યે ઘરે હતા ત્‍યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇગયો હતો. તેમના પતિ સવજીભાઇ નિવૃત જીવન જીવે છે. સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.

ચોથા બનાવમાં કોઠારીયા રોડ પર સિધ્‍ધાર્થનગર-૧માં રહેતાં ભરતભાઈ ચનાભાઈ વણોલ (ઉ.વ.૪૦) સાંજે સાતેક વાગ્‍યે ઘરે હતા ત્‍યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપીગઇ હતી. તે  કંપની કંપનીમાં  પ્‍લમ્‍બર તરીકે નોકરી કરતાં હતાં અને સરધારના સર ગામે ખેતીવાડી પણ ધરાવતાં હતાં. ભરતભાઇ માતા-પિતાના એકના એક આધારસ્‍તંભ પુત્ર હતાં. સંતાનમાં એક પુત્ર છે. ભરતભાઇને અકસ્‍માત નડયો હોઇ હાથ-પગમાં ફ્રેકચર હોઇ હાલ ઘરે જ હતાં. આની ચિંતા હતી ત્‍યાં માવઠુ થતાં ખેતી પાકમાં પણ નુકસાની જતાં ચિંતામાં વધારો થયો હતો. આ કારણે હૃદય બેસી ગયાની શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી.હાર્ટએટેકથી મૃત્‍યુના પાંચમા બનાવમાં મવડી મેઈન રોડ પર આવેલા સરદારનગર સોસાયટીમાં રહેતા ધનજીભાઈ પુંજાભાઈ ફળદુ (ઉ.વ.૬૮) નામના વૃધ્‍ધ સાંજે આઠેક વાગ્‍યે ઘરે હતા ત્‍યારે એકાએક બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ સારવારમાં દમ તોડી દીધો હતો. તેમને સંતાનમાં એક દિકરી છે. પોતે અગાઉ વકીલાત કરતાં હતાં અને  હાલ નિવૃત જીવન જીવતાં હતાં. આ પાંચેય બનાવમાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, પ્રતાપભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, રવિભાઇ સહિતે તાલુકા પોલીસ, થોરાળા પોલીસ, ભક્‍તિનગર પોલીસ અને માલવીયાનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૮)

(3:18 PM IST)