<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

નશાખોર પુત્રને પિતાએ રાપ ઝીંકી પતાવી દીધો

અગાઉ સુરત રહેતો ત્‍યારે નશાની લત્તમાં મકાન વેંચી નાંખ્‍યું: નશો છોડાવવા ત્રણ મહિના પિતાએ સારવાર કરાવીઃ બાદ આટકોટના ઘરે રાખ્‍યો હતોઃ હવે અવાર-નવાર તબેલો કરવા દસ લાખ માંગતો હોઇ ઝઘડો થતાં ઢીમ ઢાળી દઇ પિતા પોલીસમાં હાજર થઇ ગયા : જસદણના આટકોટની ઘટનાઃ ૨૮ વર્ષના તુષાર સેલીયાને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો પણ અહિ મૃતદેહ જ પહોંચ્‍યોઃ હત્‍યાનો ભોગ બનનારને સંતાનમાં એક પુત્રઃ અગાઉ નશા બાબતે પિતા સાથે માથાકુટ થતાં દવા પી ગયો હતોઃ પરિવારનો એકનો એક પુત્ર હતો

(વિજય વસાણી દ્વારા) તા.૨૦:  આટકોટમાં જસદણ રોડ ઉપર આવેલા પાણીના ટાંકા પાસે રહેતા ઘનશ્‍યામ સેલીયાએ તેના પુત્ર તુષારની માથામાં લોખંડની રાપ ઝીંકી નિર્મમ હત્‍યા કરી  નાખતાં આટકોટમાં સનસનાટી મચી ગઈ છે. દિકરાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પિતા સામેથી પોલીસ સ્‍ટેશનમાં હાજર થઇ જતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ આટકોટમાં જસદણ ચોકડી પાણીના ટાંકા પાસે રહેતો તુષાર ઘનશ્‍યામભાઇ સેલીયા નામનો ૨૮ વર્ર્ષિય યુવાન સવારે ઘરે હતો ત્‍યારે તેના પિતા ઘનશ્‍યામભાઇ સેલીયાએ ઝઘડો કરી માથામાં લોખંડની રાપના ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો. તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્‍દ્રભાઇ, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે આટકોટ પોલીસને જાણ કરી હતી.

હત્‍યાનો ભોગ બનનાર તુષાર એક બહેનથી મોટો અને તેને સંતાનમાં એક દિકરો છે, તેણે પ્રેમલગ્ન કર્યા હતાં. સગાના કહેવા મુજબ તુષારને નશાની આદત હોઇ તેના કારણે અવાર-નવાર ઘરમાં માથાકુટ થતી હતી. આ કારણે પિતાએ તેને ખપારીના ઘા ઝીંકી દીધા હતાં. અગાઉ પણ તેને પિતા સાથે માથાકુટ થતાં ઝેરી દવા પી ગયો હતો. આ બનાવથી સમગ્ર જસદણ પંથકમાં ચકચાર મચી ગઇ છે.

વધુ માહિતી મુજબ હત્‍યાનો ભોગ બનનાર તુષાર અગાઉ સુરત રહેતો હતો. જ્‍યાં તે નશાના રવાડે ચડી ગયો હતો. નશાની લત્તને કારણે તેણે ત્‍યાંનુ મકાન પણ વેંચી નાંખ્‍યું હતું અને દેણામાં ડુબી ગયો હતો. આ પછી પિતા ઘનશ્‍યામભાઇએ તેની નશાની લત્ત છોડાવવા તેને રીહેબીટેશન સેન્‍ટરમાં મોકલી સારવાર કરાવી હતી. બાદમાં તેને આટકોટ વતન લાવીને પોતાની સાથે રાખ્‍યો હતો. જો કે તે હજુ પણ નશો છોડતો નહોતો. હવે તે તબેલો બનાવવા માટે વારેઘડીએ દસ લાખ રૂપિયા પિતા પાસે માંગી માથાકુટ કરતો હતો. આજે પણ આ મામલે ડખ્‍ખો કરતાં રોષે ભરાયેલા પિતાએ લોખંડની રાપના ઘા મારી દીધા હતાં. જે જીવલેણ નીવડયા હતાં.

ચાર- પાંચ દિવસથી તુષાર તબેલો કરવા માટે પિતા પાસે દસ લાખ રૂપિયા માંગતો હતો એ બાબતે પિતા પુત્ર વચ્‍ચે બોલાચાલી અને ઝઘડા પણ થતા હતા ગતરાત્રિના ઉગ્ર બોલાચાલી બાદ આજે સવારે ફરીવાર પૈસાની માગણી કરતા પિતાએ માથામાં રાપના ઘા મારી દીધા હતાં.  હત્‍યા બાદ પિતા ઘનશ્‍યામ સેલીયાએ આટકોટ પોલીસ સ્‍ટેશનને હાજર થઈ ગુનો કબૂલી લીધો હતો. આ બનાવે સમગ્ર જસદણ પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

(4:03 PM IST)