હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ શહેર- જીલ્લામાં ૨૦ હજાર ખેડૂતો પાસેથી ૩૩ સેન્ટરો ઉપરથી ૩૫૩ કરોડની મગફળી ખરીદાઇઃ લાખો ખેડૂતોનું રજીસ્ટ્રેશન

રાજકોટ, તા.૨૦: રાજ્યના ૧૬૦થી વધુ કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થઇ રહ્યો છે.જે અંતર્ગત જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૩૩ સેન્ટરો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧.૭૭ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ચૂકયું છે અને અત્યાર સુધીમાં ૨૦૮૦૦ ખેડૂતો પાસે કુલ ૪.૮૭ કવીન્ટલ મગફળી ખરીદી થઇ ચુકી છે.રાજકોટ જિલ્લાના ૩૩ સેન્ટરો પર અત્યાર સુધીમાં ૩૫૩ કરોડની મગફળી ખરીદી કરવામાં આવી છે.
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધીકા,કોટડા સાંગાણી અને રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં લાખો ખેડૂતોએ નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત મગ,અડદ,સોયાબીનની પણ ખરીદી કરવામાં આવશે. મોટાભાગની ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ એક મણ મગફળીના ૧૩૫૬ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના ભાવ સરેરાશ ૧૧૦૦ થી ૧૨૦૦ રૂપિયા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો ટેકા ના ભાવે વેચાણ માટે આ વર્ષે વધુ રસ દાખવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ.૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ. ૧૩૫૬.૬૦નો ભાવ નિર્ધાર કર્યો છે. મગ પ્રતિ મણના રૂ. ૧૭૩૬.૪૦, સોયાબીન પ્રતિ મણ માટે રૂ. ૯૭૮.૪૦ અને પ્રતિ મણ અડદ માટે રૂ. ૧૪૮૦નો ભાવ નક્કી કર્યો છે.










