<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

મહિકામાં ખેતીની જમીન મામલે માથાકુટમાં ઝેર પી લેનારા ત્રણમાંથી એક ભાઇનું મોતઃ મૃતદેહ સ્‍વીકારવાનો ઇન્‍કાર

જવાબદારો સામે ગુનો નોંધી ધરપકડ કરો પછી જ લાશ સ્‍વીકારશું: પરિવારજનો, આગેવાનોનો નિર્ણય : નદી કાંઠે રેતીની લીઝ રાખનારાઓએ અમારો રસ્‍તો તમારી જમીનમાંથી નીકળે છે કહી ખેતર ખાલી કરવાનું કહેતાં ગઇકાલે યશ બાંભણીયા, વિશાલ બાંભણીયા, કલ્‍પેશ બાંભણીયા ઝેર પી ગયા હતાં: ૧૬ વર્ષના યશનું રાજકોટમાં સારવારમાં મોત થતાં પરિવારમાં શોકની કાલીમા

તસ્‍વીરમાં યશ બાંભણીયાનો નિષ્‍પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને કુટુંબીજનો, આગેવાનો જોઇ શકાય છે (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯: વાંકાનેર તાબેના મહિકા ગામે ત્રણ પિત્રાઇ ભાઇઓ પોતાની વાડીએ સજોડે ઝેરી દવા પી જતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જે પૈકી એક ભાઇનું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. પાંચ દાયકાથી આ ત્રણેય ભાઇઓના કુટુંબીઓ પેઢી દર પેઢી જે ખેતીની જમીન વાવે છે તે બાજુની જમીનમાં લીઝ રાખનારા શખ્‍સોએ અમારી લીઝની જગ્‍યામાં તમારી જમીન આવે છે, અહિથી અમારે રસ્‍તો કાઢવો છે કહી જમીન ખાલી કરવાનું કહી જેસીબી સાથે આવી માથાકુટ કરતાં ત્રણેય ભાઇઓએ ગભરાઇને આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહેતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ મામલે આજે બપોર સુધી જવાબદારો સામે કાર્યવાહી નહિ થયાના રોષ સાથે પરિવારજનોને મૃતદેહ સ્‍વીકારવાનો ઇન્‍કાર કરી દીધો હતો. જવાબદારો સામે ગુનો નોંધાય પછી જ મૃતદેહ સ્‍વીકારશું તેવો નિર્ણય પરિવારજનો, આગેવાનોએ કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મહિકા ગામે રહેતો યશ હરિભાઇ બાંભણીયા (ઉ.વ.૧૬) અને તેના મોટા બાપુના બે દિકરા કલ્‍પેશ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.૨૩) તથા વિશાલ વિનોદભાઇ બાંભણીયા (ઉ.વ.૨૦) ત્રણેય પોતાની મહિકા ગામની વાડીએ હતાં ત્‍યારે ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રતાપભાઇ, રવિભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. સારવાર દરમિયાન મોડી રાતે યશ બાંભણીયાનું મોત થતાં પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

વિશાલ અને કલ્‍પેશના પિતા વિનોદભાઇ ધરમશીભાઇ બાંભણીયાએ જણાવ્‍યું હતું કે અમે પચાસ વર્ષથી નદી કાંઠે આવેલી જમીન વાવીએ છીએ અને દર મહિને પંચાયતને તેની નિયમ મુજબની ફી ભરીએ છીએ. નદી કાંઠે રેતીની લીઝ જેને મળી છે એ શખ્‍સો એવુ કહે છે કે આ જમીન પણ તેને લીઝમાં મળી છે અને આ જમીનમાંથી રસ્‍તો કાઢવાનો છે, એટલે અમારે આ ખેતીની જમીન ખાલી કરવી પડશે. પંદરેક દિવસથી આ લોકો સતત અમને ધમકાવતાં હોઇ અને માથાકુટ કરતાં હોઇ આજે આ લોકોએ વાડીમાં જેસીબી સાથે આવી મારા દિકરાઓ વિશાલ, કલ્‍પેશ, ભત્રીજા યશ સાથે માથાકુટ કરતાં ત્રણેય ગભરાઇને ભાગ્‍યા હતાં અને એક સાથે રીંગણીમાં છાંટવાની દવા પી ગયા હતાં. દેકારો થતાં અમે વાડીમાં દૂર હોઇ આ ત્રણેય પાસે દોડી આવતાં માથાકુટ કરનારા ભાગી ગયા હતાં.

સારવાર દરમિયાન રાતે યશ હરિભાઇ બાંભણીયાનું મોત થતાં હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર સહિતે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસના અધિકારીઓએ રાજકોટ આવી તપાસ શરૂ કરી હતી. મૃત્‍યુ પામનાર યશ બે ભાઇમાં મોટો હતો. તેના પિતા ખેતી કરે છે, પોતે પણ ખેતી કામ કરતો હતો. બનાવને પગલે પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

બનાવની જાણ થતાં કોળી સમાજના આગેવાન રણછોડભાઇ ઉધરેજા સહિતના હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. મૃતકના કુટુંબીજનો, પરિવારજનો અને આગેવાનોએ માંગણી કરી હતી કે યશના મોત માટે જવાબદાર અને તેના ભાઇઓને ઝેર પીવા મજબૂર કરનારાઓ સામે જ્‍યાં સુધી પોલીસ ગુનો નોંધી કાર્યવાહી નહિ કરે ત્‍યાં સુધી અમે લાશ સંભાળશું નહિ. સગાએ રોષ સાથે કહ્યું હતું કે ગઇકાલે અમારા સંતાનો ભાનમાં હતાં ત્‍યારે પણ પોલીસે ડીડી લેવડાવવાની તસ્‍દી લીધી નહોતી. જે બે ભાઇઓ સારવારમાં છે તેમાં પણ એક વેન્‍ટીલેટર ઉપર છે. ગુનો દાખલ કરી આરોપીઓને પકડી લેવામાં આવે પછી જ અમે મૃતદેહ સ્‍વીકારશું તેમ વધુમાં મૃતકના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનોએ કહ્યું હતું. 

 

(3:01 PM IST)