હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભક્તિનગર સર્કલના ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીની રેઇડમાં દારૂ મળતાં અને અધિકારીને લાફો મરાતાં બે ગુના દાખલ
તમે કોને પુછીને રેડ કરો છો? કહી વલ્લભે ગાળાગાળી કરી, સમજાવીને બહાર લઇ જવાયા બાદ અંકિત સાથે આવી ફરી ડખ્ખો કર્યોઃ અંકિતે અધિકારીને માથામાં ફડાકો મારી મારકુટનો પ્રયાસ કર્યાની ફરિયાદ : સંચાલક વલ્લભ તારપરા સામે ૪ બોટલ દારૂનો અને ફરજમાં રૂકાવટ બદલ તેના સહિત અંકિત શિયાણી સામે અલગથી ભક્તિનગર પોલીસે એફઆઇઆર દાખલ કરી

રાજકોટ તા. ૨૦: શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલી ઓમ રેસ્ટોરન્ટ નામની હોટેલમાં પરમદિવસે રાતે જીએસટી (ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ) વિભાગ દ્વારા હોટેલ માલિક સામે ગુનો નોંધી શરાબની મોંઘીદાટ ચાર બોટલો કબ્જે લીધી હતી. દરમિયાન આ કાર્યવાહી વખતે જીએસટી અધિકારીની ફરજમાં રૂકાવટ પણ થઇ હોઇ અને લાફો મારી લેવાયો હોઇ અલગથી ગુનો દાખલ થયો છે.
જાણવા મળ્યા મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જે.જે. ગોહિલે નોંધાવેલી ફરિયાદ અનુસાર ૧૯//૧૧ના વહેલી સવારે લગભગ સાડા ત્રણ કલાકે સીજીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ અંકિતકુમાર બછોલાલે પોલીસ સ્ટેશન ઓફિસરને ફોનથી જાણ કરી હતી કે તેઓ ઓમ રેસ્ટોરન્ટમાં જીએસટીની રેઇડ કરી રહ્યા હતા અને તે દરમિયાન રેસ્ટોરન્ટના રિસેપ્શન કાઉન્ટર પરથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી છે.
આ માહિતીના આધારે પીએસઆઈ જે.જે. ગોહિલ અને પો.હેડ.કોન્સ. કેતનભાઈ બોરીચા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ખાનગી વાહનમાં રેસ્ટોરન્ટ પર પહોંચ્યો હતો અને બે રાહદારી પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. જીએસટી અધિકારીઓએ પોલીસને રિસેપ્શનથી આશરે પાંચ ફૂટ દૂર આવેલા કાચના કાઉન્ટર તરફ દોરી ગયા હતા, જ્યાં જુદી જુદી બ્રાન્ડની કુલ ૪ બોટલો મળી આવી હતી. પોલીસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો રૂ. ૧૪,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ રેસ્ટોરન્ટના માલિક વલ્લભ જીવરાજભાઈ તારપરા સામે ગુનો નોંધ્યો હતો. જીએસટી રેઇડની કાર્યવાહી દરમિયાન તે અધિકારીઓ સાથે બોલાચાલી કરીને સ્થળ પરથી નાસી છૂટયાનું જણાવાયું હતું.
બીજી તરફ ફરજમાં રૂકાવટ અંગે રૈયા રોડ સમર્પણ સોસાયટી-૧માં રહેતાં જીએસટી વિભાગના સુપ્રિન્ટેડન્ટડ ઓફ સેન્ટ્રલ જીએસટી જયપ્રકાશસિંગ રામચંદ્રસિંગ રાજપૂતની ફરિયાદ પરથી રેસ્ટોરન્ટ સંચાલક વલ્લભ જીવરાજભાઇ તારપરા (રહે. રાજકોટ તેમજ અમદાવાદ) અને અંકિત શિયાણી વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે.
અધિકારી જયપ્રકાશસિંગ રામચંદ્રસિંગ રાજપૂત દ્વારો પોલીસને આપેલી ફરિયાદ મુજબ તા.૧૮/૧૧/૨૦૨૫ના રોજ બપોરના આશરે બારેક વાગ્યાની આસપાસ તેઓ તેમની ટીમ, જેમાં ઇન્સ્પેક્ટરો અશોકકુમાર, રાહુલસિંગ, લલીત ચંદેલ, અને અન્ય સુપ્રિટેન્ડેન્ટ અંકિતકુમાર બછોલાલ (રેડ ઇન્ચાર્જ), પ્રદીપ સુરેન્દ્રસિંગ સહિતના અધિકારીઓ સાથે ઓમ આઇસ્ક્રીમ એન્ડ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ ખાતે જી.એસ.ટી. ચોરી અંગેની તપાસ માટે પહોંચ્યા હતા. રેડની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે રાત્રીના નવેક વાગ્યાની આસપાસ રેસ્ટોરન્ટના માલિક વલ્લભભાઈ જીવરાજભાઈ તારપરા ત્યાં આવ્યા હતા અને ‘તમે કોને પૂછીને રેડ કરો છો?' તેમ કહી અધિકારીઓ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ વખતે અન્ય હાજર માણસોએ તેમને સમજાવીને રેસ્ટોરન્ટની બહાર લઈ ગયા હતા. વાતાવરણ શાંત થયા બાદ અધિકારીઓ ફરીથી તેમની કાર્યવાહીમાં લાગી ગયા હતા, પરંતુ રાત્રીના આશરે સાડા દસેક વાગ્યે વલ્લભભાઈ તારપરા તેમના સાથીદાર અંકિત શિયાણી સાથે ફરી પાછા આવ્યા હતા. આ સમયે અંકિત શિયાણીએ આવીને સીધા જ સુપ્રિટેન્ડેન્ટ પ્રદીપ સુરેન્દ્રસિંગને માથાના ભાગે ફડાકો મારી દીધો હતો અને ફરિયાદી જયપ્રકાશસિંગ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના સંબંધીઓએ આવીને તેમને પકડી લીધા હતા.
આ બંને શખ્સોએ અધિકારીઓને જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી. આ પછી અધિકારી જયપ્રકાશસિંગે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન ૧૧૨ પર ફોન કર્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જી.એસ.ટી.ની રેડની કાર્યવાહી ચાલુ હોવાથી તે વખતે ફરિયાદ નોંધાવી નહોતી. રેડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ૧૯મીએ રાતે અધિકારી જયપ્રકાશસિગે રૂબરૂ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પહોંચી વલ્લભ જીવરાજભાઈ તારપરા અને અંકિત શિયાણી વિરૂધ્ધ તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા, ગાળાગાળી કરવા અને સરકારી અધિકારી પર હુમલો કરવા બદલ ફરિયાદ નોંધાવી હોઇ પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં તપાસ શરૂ થઇ છે.










