<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

વિડીયો કોલમાં પીએસઆઇ શંકર પાટીલના નામે વર્દીધારીએ એવા ડરાવ્‍યા કે નિવૃત શિક્ષકે ૧ કરોડ ૪૦ લાખ આપી દીધા!

હું જીઓ ટેલિકોમ કંપનીમાંથી બોલુ છું, તમારો ફોન બે કલાકમાં બંધ થશે કારણ કે આ ફોનનો ઉપયોગ ચાઇલ્‍ડ પોર્નોગ્રાફી, ઓનલાઇન ગેમ્‍બલીંગ, સાયબર આતંકવાદમાં થયો છે...કહી ડીજીટલ એરેસ્‍ટ કરી લીધાઃ બે મોબાઇલ નંબર અને ત્રણ બેંક એકાઉન્‍ટના ધારકો સામે ગુનો : એરપોર્ટ રોડ એકઝાન સોસાયટીમાં રહેતાં ૭૬ વર્ષના કુરબાન વલીજી બદામીએ પોતાના અને પત્‍નિના ખાતામાંથી નાણા ટ્રાન્‍સફર કરી દીધા, વધુ ૧૦ લાખ મંગાતા કેનેડા રહેતી દિકરી પાસે નાણા માંગતા આ ફ્રોડ હોવાની ખબર પડીઃ પીઆઇ એમ. એ. ઝણકાતે તપાસ શરૂ કરી : તમારુ આધારકાર્ડ સાયબર આતંકવાદમાં વપરાયું છે, આમાં ૧૦ વર્ષથી લઇ આજીવન કેદની સજાની જોગવાઇ છે, તમને ફીઝીકલ એરેસ્‍ટ નથી કરતાં, ડીજીટલ એરેસ્‍ટ કરીએ છીએ, સહકાર આપશો તો આતંકવાદ કેસમાં રાહત મળશે કહી સુપ્રિમ કોર્ટ, રીઝર્વ બેંકના નામે ખોટા દસ્‍તાવેજો મોકલ્‍યાઃ તમારી પ્રોપર્ટી લીક્‍વીટાઇઝ કરી રોકડા આરબીઆઇમાં જમા કરાવો, કેસ પુરો થયે તમને વ્‍યાજ સાથે નાણા પાછા મળશે કહી રૂપિયા પડાવી લેવાયા

રાજકોટ તા. ૨૦: ડિજીટલ એરેસ્‍ટ કરી ડરાવી ધમકાવીને લાખો કરોડો પડાવી લેતાં સાયબર ગઠીયાઓએ વધુ એક વખત રાજકોટના એક સિનીયર સિટીઝનને શિકાર બનાવ્‍યા છે અને ૧ કરોડ ૧૪ લાખ પડાવી લીધા છે. એરપોર્ટ રોડ એક્‍ઝાન સોસાયટીમાં શબનમ મકાનમાં રહેતાં નિવૃત શિક્ષક કુરબાન વલીજી બદામી (ઉ.વ.૭૬)ને ગઠીયાએ હું જીઓ ટેલિકોમ કંપનીમાંથી બોલુ છું, તમારો ફોન બે કલાકમાં બંધ થશે કારણ કે તમારા ફોનનો ઉપયોગ ચાઇલ્‍ડ પોર્નોગ્રાફી, ઓનલાઇન ગેમ્‍બલીંગ, સાયબર આતંકવાદમાં થયો છે, તમારે મુંબઇ ક્રાઇમ બ્રાંચ ખાતે ખુલાસો કરવા આવવું પડશે કહી બાદમાં વિડીયો કોલ કરી વર્દી પહેરેલા શખ્‍સે હું પીએસઆઇ શંકર સુરેશ પાટીલ છું...કહી ડરાવી ધમકાવી સુપ્રિમ કોર્ટ, રીઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા લખેલા ખોટા દસ્‍તાવેજો મોકલી નાણા પડાવી લીધા હતાં.

શહેર સાયબર ક્રાઇમ પોલીસે આ બનાવમાં નિવૃત શિક્ષક વૃધ્‍ધ કુરબાન વલીજીની ફરિયાદ પરથી બે અજાણ્‍યા મોબાઇલ નંબરના ધારકો, યસ બેંક, એક્‍સીસ બેંક, એસબીઆઇ બેંકના ત્રણ અલગ અલગ ખાતેદારો સહિતની સામે ગુનો નોંધ્‍યો છે. તેમણે જણાવ્‍યું છે કે હું અને મારા પત્‍નિ દુરૈયાબેન વિનૃત જીવન જીવીએ છીએ. અમારે બે દિકરી છે જેમાં મોટી શબનમ ઓસ્‍ટ્રેલિયા અને નાની ઇશરત કેનેડા છે. અમે પતિ-પત્‍નિ બંને પેન્‍શન મેળવીએ છીએ. ૨૯/૧૦ના હું ઘરે હતો ત્‍યારે મને  મોબાઈલ નંબર ૮૯૦૦૨ ૦૨૬૮૩ ઉપરથી બપોરે એક વાગ્‍યાની આસપાસમાં ફોન આવેલ કે, હું જીઓ ટેલીકોમ કંપનીમાંથી બોલુ છુ, આ તમારો આ ફોન બે કલાકમાં બંધ થઈ જશે, કારણ કે, આ તમારા ફોનનો ઉપયોગ ચાઈલ્‍ડ પોર્નો ગ્રાફી, ઓનલાઇન ગેંમીંગ, તથા સાયબર આંતકવાદમાં થયેલ છે, જેથી તેઓએ જણાવેલ કે, અમે કોઈ ગેરકાયદેસર પ્રવ્રુતી કરી નથી. જેથી સામેવાળાએ મુંબઈ ક્રાઈમ બ્રાંચ ખાતે ખુલાશો કરવા જવા જણાવેલ હતુ, જેથી ફરીયાદીએ તેમને કહેલ કે, અમે સીનીયર સીટીઝન છે, મુંબઈ જઈ શકાય તેમ નથી, તો તેઓએ જણાવેલ કે હું તમને મુંબઈ હાઈ કમાન્‍ડ સાથે સંપર્ક કરાવી આપીશ, ફોનમાં ખુલાસો કરી આપજો.  થોડીવારમા ંજ વ્‍હોટ્‍સએપ નંબર ૯૬૫૭૨ ૯૭૨૫૦ ઉપરથી વિડીયો કોલ આવેલ હતો. જેમાં પોલીસની વર્દી પહેરેલ કોઈ વ્‍યક્‍તી હતી, જેણે તેની ઓળખાણ પીએસઆઈ શંકર સુરેશ પાટીલ તરીકેની આપી હતી.

 બાદમાં તેણે મારું આખું નામ અને પરીવારની તમામ ડીટેલ્‍સ પૂછતાં મેં તેને જણાવી દીધી હતી. એ પછી મારો આધાર કાર્ડ નંબર માંગતા મેં આપી દીધો હતો.ં બાદ તેણે કહેલું કે આ તમારા આધાર કાર્ડ પરથી અલગ અલગ રાજ્‍યમાં ખાતા ખુલેલ છે અને મની લોન્‍ડરીંગ તથા સાયબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાયેલ છે. સાયબર આંતકવાદમાં તમારૂ આધાર કાર્ડ વપરાયેલ છે. જેમાં તમને ૧૦ વર્ષથી લઇને આજીવન કેદની શિક્ષા થઈ શકે છે. જેથી મેં જણાવેલ કે અમે કોઈ ગેરકાયદેસર પ્રવળતી કરેલ નથી. ત્‍યારે તેણે કહેલું કે અત્‍યારે તમને ફીઝીકલ એરેસ્‍ટ કરતા નથી પરંતુ તમને ડીઝીટલ એરેસ્‍ટ કરવામાં આવે છે અને જો અમે જણાવીએ તેમ તમે કરશો તો તમને આ સાયબર આંતકવાદના કેસમાં રાહત આપીશું.

આ પછી  વારંવાર તેમના વિડીયો કોલ આવતા હતા અને જણાવેલ કે તમારી સંપતિ શંકાના દાયરામાં છે, જેથી તમારે તમારી તમામ પ્રોપર્ટીને લીક્‍વીટાઈઝ કરી આરબીઆઇમાં રોકડા રૂપીયા જમા કરાવવા પડશે, જે રૂપીયા આ કેસ પુર્ણ થયા પછી તમેને વ્‍યાજ સાથે મળી જશે. તેમજ મને વ્‍હોટ્‍સએપ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્‍ડીયા લખેલ અને રીઝર્વ બેંક ઓફ ઈન્‍ડીયાના ડેપ્‍યુટી ગવર્નર ટી.રબીશંકરની સહી તથા રીઝર્વ બેંક ઓફ ઈન્‍ડીયાનો સીક્કો મારેલા દસ્‍તાવેજ મોકલેલ હતા, જેમાં જે ખાતામાં રૂપીયા જમા કરાવવા તેની વિગતો જણાવેલ હતી. જેથી હું ખુબ ગભરાઈ ગયેલ અને મારા તથા મારા પત્‍નિના એસબીઆઈના પેન્‍શન ખાતામાંથી ફોન કરનારે જણાવેલ તે મુજબના અલગ અલગ ટ્રાન્‍જેકશનથી કુલ રૂ. ૧,૧૪,૫૦૦૦૦ ટ્રાન્‍સફર કરી દીધા હતાં.

ત્‍યારબાદ મારી પાસે વધુ નાણા નહોતાં. આમ છતાં ફોન કરનારે કહેલું કો જો હજી ૧૦ લાખ નહિ ભરો તો પછી ફીઝીકલ એરેસ્‍ટ કરીશું અને તમારી બંને દિકરીઓને પણ વિદેશથી ડિપોર્ટ કરી ભારત પરત લાવવામાં આવશે. જેથી મેં મારી દિકરી ઇશરત જે કેનેડા છે તેને ફોન કરી દસ લાખની માંગણી કરી હતી. આથી દિકરીએ મને કહેલું કે આ ફ્રોડ છે. આ પછી મેં તરત સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન ૧૯૩૦માં ફોન કર્યો હતો. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટશેન ખાતે ગુનો દાખલ કરાવ્‍યો છે. તેમ વધુમાં કુરબાન વલીજી બદામીએ જણાવતાં એએસઆઇ વી. એન. કુછડીયાએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીઆઇ એમ. એ. ઝણકાતે હાથ ધરી છે. (૧૪.૫)

 

(3:19 PM IST)