હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મ્યુઝીકલ નાઇટની વ્યવસ્થામાં શાસકો ફરી ઢગાનો ‘‘ઢ''
ગત વર્ષે પણ મનપાના સ્થાપના દિવસની ઉજવણીમાં અફડાતફડી મચી ગયેલ : ચેરમેન જયમીન ઠાકરના તોછડા વર્તનનો લોકોને અનુભવઃ બેઠક ક્ષમતાથી વધુ પાસનું વિતરણ કેવી રીતે થયુ?

રાજકોટ તા.૨૦: મ્યુનિ.કોર્પોરેશનના સ્થાપના દિવસ નિમિતે શાસકો દ્વારા રેસકોર્સમાં સચેત- પરંપરા ગાયક કલાકારોની સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું. જેમાં ચિક્કાર મેદની ઉમટી પડી હતી. કાર્યક્રમમાં વ્યવસ્થા ચીંથરે હાલ થતા વચ્ચે થોડો સમય કાર્યક્રમ થંભાવવો પડયો. કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, અધિકારીઓ, કાર્યકર્તાઓ માટે સોફા અને ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમના વી.આઇ.પી. અને વી.વી.આઇ.પી. પાસ માત્ર શોભાના ગાંઠીયા બન્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના તોછડા વર્તનનો લોકોને કડવો અનુભવ થયો હતો.
કાર્યક્રમ શરૂ થતાની સાથે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે તથા ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા રવાના થઇ જતા કાર્યકરો તથા અન્ય આગેવાનોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
મનપાના સ્થાપના દિવસે જાહેર કાર્યક્રમની વર્ષોથી પરંપરા રહી છે, જેના ભાગરૂપે ગઇકાલે બાવનમાં સ્થાપના દિવસે રેસકોર્ષમાં બોલીવુડ સીંગર સચેત- પરંપરાની મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું હતું. જો કે બેઠક ક્ષમતા કરતા વધુ પાસનું વિતરણ થતા કાર્યક્રમમાં ભંગ પડયો હતો.
કાર્યક્રમમાં જંગી મેદની ઉમટી પડતા અને અમુક યુવાનો સ્ટેજની પાસે પહોંચી જતા અવ્યવસ્થા ઉભી થઇ હતી. સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા પોલીસની સાથે વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા. તે સીવાયના પદાધિકારીઓ નજારો જોતા રહયા હતા.
આ ઉપરાંત ઓવર ક્રાઉડ થતા કાર્યક્રમ પણ થોડીવાર માટે થોભાવી દેવાની શાસકોને ફરજ પડી હતી. સાથે જ ભીડને કાબુ કરવા જતા પોલીસ-પબ્લીક વચ્ચે પણ રકઝકના દ્રશ્યો સર્જાયા હતા.
મ્યુઝીકલ નાઇટમાં દર્શકોને ડોલાવી રહેલ ગાયકો સચેત-પરંપરાએ પણ લોકોને ટાવરથી દુર રહેવા માટે અપીલ કરવી પડી એ તંત્રવાહકો માટે શરમજનક ઘટના બની ગઇ હતી. આ સીંગરો શાસકોની અણઆવડતથી શહેરની ખરાબ યાદી સાથે લઇને ગયા જે નાલોશીભરી બાબત છે.
મનપાના વાંકે જ યુવાનો સ્ટેજ પાસે આવી જતા કાર્યક્રમ માણવા આવેલ લોકોની મજા બગડી હતી. ઉપરાંત આટલા બધા પાસનું પ્રિન્ટીંગ અને વિતરણ કોણે કર્યુ જેથી અવ્યવસ્થા સર્જાઇ તે અંગે પણ લોકમુખે ચર્ચા થઇ રહી છે.
લોકોને કાર્યક્રમ માણવા સાથે સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના તોછડા વર્તનનો પણ અનુભવ થયો હતો. કાર્યક્રમમાં વીવીઆઇપી પાસ માત્ર કાગળનો ટુકડો બની રહયા હતા. બેસવાની તો વાત દુર હતી ઉભા રહેવા માટે પણ વીવીઆઇપી બ્લોકમાં જગ્યા ન મળતા શહેરના જે મહાનુભાવોને હોંશે હોંશે આમંત્રણ અપાયું હતું તેઓમાં શાસકો પ્રત્યે ભારોભાર નાલોશી- નારાજગી ઉભી થઇ છે.
એકદંરે સ્થાપના દિવસની ઉજવણીની વ્યવસ્થામાં ગત વર્ષે અફરાતફરી બાદ આ વર્ષે પણ કોઇ શીખ ન લેતા શાસકો ઢગાનો ‘‘ઢ'' સાબીત થયા છે.
નગરસેવકો કેટલા? આંગળીના વેઢે ગણાય તેટલા જ!
કોઇ જવાબદારી નહી , કોઇ આવકાર નહીઃ કોર્પોરેટરોમાં નારાજગી
કાર્યક્રમમાં કોર્પોેરેટરોમાં જાણે નારાજગી હોય તેમ મોટા ભાગના નગરસેવકો મ્યુઝીકલ નાઇટમાં જોવા મળ્યા ન હતા.અગાઉના કાર્યક્રમોમાં કોર્પોરેટરોને જવાબદારી પણ સોંપવામાં આવતી હતી અને કાર્યક્રમ શરૂ થવાના સમયથી અગાઉ સ્થળ પર પહોંચી જવા સુચના પણ આપવામાં આવતી હતી ત્યારે હાલના સમયમાં આપખુદ શાહીના કારણે અનેક કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકરો કાર્યક્રમોમાં આંગળીના વેઢે ગણાય તેટલા જ જોવા મળી રહયા છે. સાથે જ પૂર્વ પદાધિકારીઓના સમયમાં આ પ્રકારની વ્યવસ્થા- વર્તન કદી ન થયુ હોવાનો પણ ગણગણાટ શરૂ થયો છે.










