<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

રૈયાધારનો વિપુલ લાઠીયા લગ્નના નામે છેતરાયોઃ દસ જ દિવસમાં કન્‍યા ભાગી ગઇ

સોશિયલ મિડીયામાં જાહેરાત જોઇ સંપર્ક કર્યો અને ૨.૬૭ લાખ ગુમાવ્‍યા : અમદાવાદના જેમાડી મેરેજ બ્‍યુરોના સંચાલક હસમુખ મહેતા, રાજુ ઠક્કર, ચાંદની, તેની માતા સુશીલા, પિતા રમેશ રાઠોડ સહિતની સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૦: શહેરના રૈયાધારમાં રહેતો યુવાન લગ્નના નામે છેતરાઇ ગયો છે. ફેસબૂકમાં જાહેરાત વાંચી અમદાવાદના જેમાડી મેરેજ બ્‍યુરોના સંચાલકનો સંપર્ક કરતાં આ સંચાલક સહિતનાએ તેની પાસેથી રોકડ લઇ લગ્ન કરાવ્‍યા હતાં. પછી પત્‍નિને દાગીના પણ લઇ આપ્‍યા હતાં. પણ લગ્નના દસ દિવસ બાદ પિયરે આટો દેવા જવાનું કહીને ગયેલી પત્‍નિ પાછી જ ન આવતાં ઠગાઇ થયાની ખબર પડી હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર બંસીધર પાર્ક-૩માં પ્રસાદ એપાર્ટમેન્‍ટ સામે બાલાજી મકાન બ્‍લોક નં. ૨૬૩માં રહેતાં અને નિર્મળા રોડ પર ઓમકરા ટાવરમાં જયંતિભાઇ માવાવાળાને ત્‍યાં નોકરી કરતાં વિપુલ ગોપાલભાઇ લાઠીયા-પ્રજાપતિ (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી અમદાવાદ નરોડાના સ્‍વામિનારાયણ પાર્કમાં રહેતાં રાજુ ઠક્કર, જયમાડી મેરેજ બ્‍યુરો અમદાવાદના હસમુખ મહેતા, સેલ્‍બી હોસ્‍પિટલ પાછળ અમદાવાદ રહેતી ચાંદની રમેશ રાઠોડ, ચાંદનીની માતા સુશિલાબેન અને રમેશ રાઠોડ વિરૂધ્‍ધ લગ્નના નામે રૂા. ૨,૬૭,૭૦૦ની ઠગાઇ કરવાનો અને ગાળો દઇ મારી નાખવાની ધમકી આપવાનો ગુનો દાખલ કરાયો છે.

વિપુલ લાઠીયાએ જણાવ્‍યું છે ક મારા પિતા હયાત નથી, મારે એક નાનો ભાઇ અને એક બહેન છે. વર્ષ ૨૦૨૩ના ડિસેમ્‍બર મહિનામાં ફેસબુક પર જય માડી મેરેજ બ્‍યુરોની જાહેરાત જોઈ હતી. આ જાહેરાત ૨૧ થી ૫૦ વર્ષના અનમેરિડ અને ડિવોર્સીના મેરેજ કરાવી આપવા અંગેની હતી. બાદ મેં જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં હસમુખભાઈ મહેતા નામના વ્‍યક્‍તિએ પોતે જય માડી મેરેજ બ્‍યુરો (ઓફિસઃ- એસએફ-૨૨, પુષ્‍પ કોમ્‍પ્‍લેક્‍સ, પટેલ મીલ, ગોમતીપુરા, અમદાવાદ)માંથી બોલતા હોવાનું જણાવ્‍યું હતું. હસમુખભાઈએ ૧૦૦ ટકા ગેરંટી સાથે સારા ઘરની છોકરીઓ સાથે લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી. ત્‍યાર બાદ મેં નાના ભાઈ, બનેવી કૌશિકકુમાર અને સંબંધી રમણીકભાઈ દાદા સાથે અમદાવાદની ઓફિસે રૂબરૂ મુલાકાત લઇ ત્‍યાં રજીસ્‍ટ્રેશન માટે ૧,૧૦૦ ચૂકવીને ફોર્મ ભર્યું હતું.

એ પછી વર્ષ ૨૦૨૪ના ફેબ્રુઆરી મહિનામાં હસમુખભાઈ મહેતાએ ફોન કરીને મારા માટે એક પાત્ર હોવાની જાણ કરી હતી. આથી હું, મારા માતા, ભાઈ, બહેન-બનેવી અને સંબંધી સાથે અમદાવાદ ગયા હતા. પ્રથમ મુલાકાત મહારાષ્‍ટ્રની યુવતી સાથે થઈ હતી, જે અનુકૂળ ન આવતાં મેં ના પાડી હતી. બાદ  બ્‍યુરોની ઓફિસમાં જ હસમુખભાઈએ રાજુભાઈ ઠક્કર નામના વ્‍યક્‍તિને બોલાવ્‍યો, જે ચાંદની રાઠોડ નામની યુવતી અને તેના માતા-પિતા સાથે આવ્‍યો હતો. રાજુભાઈએ ચાંદનીને પોતાની ભાણી તરીકે ઓળખાવી હતી. મને ચાંદની પસંદ આવતાં શુકન પેટે રૂા. ૧,૧૦૦ રોકડા અને નારિયેળ આપવામાં આવ્‍યું હતું. આ સમયે હસમુખભાઈ મહેતાએ છોકરીના પરિવારને લગ્ન પેટે ૨,૩૦,૦૦૦ ચૂકવવા પડશે, તેમ જણાવ્‍યું હતું. આ બાબતે સંમતિ સધાયા બાદ ચૌદ દિવસ પછી રાજુભાઈ ઠક્કરનો ફોન આવ્‍યો હતો અને બીજા દિવસે લગ્ન માટે અમદાવાદ આવવા જણાવાયું હતું.

આથી હું પરિવાર સાથે અમદાવાદ જતાં મિરઝાપુર કોર્ટ પાસે દિવ્‍ય વસુંધરા કોમ્‍પ્‍લેક્‍સ ખાતે આવેલા ઁમેરેજ પોઈન્‍ટઁ ખાતે ચાંદની સાથે ફેરા ફેરવી લગ્નવિધિ સંપન્ન કરી હતી અને રજીસ્‍ટરમાં સહી કરી હતી. આ સમયે અમે હસમુખભાઈ મહેતાને રોકડા રૂા. ૨,૩૦,૦૦૦  ચૂકવ્‍યા હતા. ત્‍યાં હાજર વકીલે ત્રણ મહિનામાં મેરેજ સર્ટિફિકેટ મળી જશે તેમ જણાવ્‍યું હતું. આ પછી અમે ચાંદનીને લઈ વિપુલભાઈ રાજકોટ પરત આવ્‍યા હતાં. અહિ ચાંદનીને આશરે ૧૮,૦૦૦ની સોનાની બુટ્ટી, ૧૫,૦૦૦ના ચાંદીના સાંકળા અને ૧,૫૦૦નો સોનાનો દાણો મળી કુલ આશરે ૩૪,૫૦૦ના દાગીના પણ લઈ આપ્‍યા હતા. રાજકોટમાં દસેક દિવસ રોકાયા બાદ ચાંદની રીતરિવાજ મુજબ દસ દિવસ માટે પિયર જવાનું કહીને મામા રાજુભાઈ અને મમ્‍મી સુશીલાબેન સાથે અમદાવાદ પરત ગઈ હતી.

જો કે દસ દિવસ બાદ મે ફોન કરતાં રાજુભાઈએ ચાંદનીના દાદી ગુજરી ગયા હોવાથી તે રાજસ્‍થાનના ઝાલોદ ગઈ હોવાનું અને દોઢ મહિના પછી પાછી આવશે તેમ જણાવ્‍યું હતું. દોઢ મહિના બાદ ફરી ફોન કરતાં રાજુભાઈએ ચાંદનીનું એક્‍સિડન્‍ટ થયું હોવાનું નાટક કર્યું અને નજીકના દવાખાને લઈ જઈ પગમાં પાટા અને બોટલ ચઢાવેલી હાલતમાં બતાવી હતી. રાજુભાઈએ સારવારના ખર્ચા પેટે ૨૦,૦૦૦ માંગ્‍યા હતા, પરંતું મેં રિપોર્ટ માંગતા ન આપતાં પૈસા આપવાની ના પાડી હતી.

ત્‍યારબાદ હું ચાંદનીને તેડવા માટે રાજકોટથી રૂબરૂ જતાં તેના માતા-પિતાએ તેને આરામ કરવાનો છે તેમ કહીને દોઢ મહિના પછી તેડવા આવવાનું જણાવી ખર્ચાના ૨૦,૦૦૦ માંગ્‍યા હતા. સમય જતાં રાજુભાઈએ ચાંદની સાથે કોઈ સંબંધ ન હોવાનું કહી હાથ ઉઠાવી લીધો હતો. આથી મેં ફરી હસમુખભાઈ મહેતાનો સંપર્ક કર્યો, જેમણે છૂટાછેડાની વાત કરી અને મારો પોતાના આપેલા પૈસા અને દાગીના પરત કરવાની માંગણી કરી હતી. પરંતુ હસમુખભાઈએ ઓફિસમાં રૂબરૂ બોલાવી રાજુભાઈ ઠક્કરની હાજરીમાં ર્ંબેન્‍કનો ૧,૦૦,૦૦૦નો ચેક આપ્‍યો અને બાકીના પૈસા ટુકડે-ટુકડે આપવાની વાત કરી. પંદર દિવસ પછી આ ચેક બેન્‍કમાં નાખતા ખોટી સહીના કારણે ચેક રિટર્ન થયો હતો.

ચેક રિટર્ન થયા બાદ રાજુભાઈ ઠક્કરે ફોન પર ગાળાગાળી કરી અને જે થાય તે કરી લેજો, પૈસા નથી આપવા, પોલીસ કેસ કરવો હોય તો કરી દેજો તેવી ધમકી આપી હતી. તેમ વધુમાં વિપુલ લાઠીયાએ કહેતાં પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. 

(4:11 PM IST)