News of Thursday, 20th November 2025
અશક્ય ને શક્ય બનાવતા દિવ્યાંગ ઉત્તમ મારૂઃ GPSC પરીક્ષા પાસ કરી પ્રોફેસર બન્યા
ઉત્તમનો જન્મ થયો ત્યારે તેને બન્ને આંખો ન હતી, નાક નહોતું, હોઠ નહોતા, તાળવુ નહોતુ, મણકામાં પણ તકલીફ હતી, તબીબોએ પણ કહેલું કે તેને ઈન્જેકશન આપી શાંતિથી ભગવાન પાસે મોકલી દેવું જોઈએ પણ : ઉત્તમના દાદાએ ડોક્ટરની વાત ન માને અને કહ્યું ‘ઈશ્વરનું આપેલું જેવું હોય એવું સ્વીકારવું જોઈએ...: આ દિવ્યાંગ બાળક રેગ્યુલર શાળામાં જ ભણ્યો ધો.૧૦માં ૮૦ ટકા અને ધો.૧૨માં ડિસ્ટીંકશન માર્ક સાથે શાળા પ્રથમ રહેલ, એમ.એ.માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન મેળવેલ, બી.એ.માં સંસ્કૃત વિષય સાથે પાસ થયા હતા

રાજકોટઃ એક જુની અને જાણીતી કહેવત છે કે મન હોય તો માળવે જવાય. આ કહેવતને રાજકોટના દિવ્યાંગ ઉત્તમ મારૂએ ખરા અર્થમાં યર્થાથ બનાવી છે. તેઓએ જીપીએસસીની પરીક્ષા પાસ કરી પ્રોફેસર બન્યા છે.
ઉત્તમના દાદા કુંવરજીભાઈ મારૂ જણાવે છે કે જ્યારે ઉત્તમ નો જન્મ થયો ત્યારે તેને બંને આંખો ન હતી, નાક નહોંતું, હોઠ નહોતાં, તાળવુ નહોતું, પાછળ મણકામાં પ્રોબ્લેમ હતો, માથુ આગળથી દબાયેલું હતું એટલે એમઆરઆઈ કર્યા પછી ડોક્ટરોએ કીધું કે એનું બ્રેઈન દબાય ગયું હોવાને લીધે કદાચ કામ નહીં કરે અને જન્મથી તેના બંને હાથ પણ સીધા નહોતાં થતા. જન્મ સમયે ઉત્તમની હાલત જોઈને ડલક્ટરોએ સલાહ આપી કે આ બાળકનું કોઈ ભવિષ્ય નથી, આ બાળક જીવશે ત્યાં સુધી પોતે પણ દુઃખી થશે અને હંમેશા પરિવારને પણ દુઃખ આપશે, તેથી તેને ઈન્જેક્ષન આપીને શાંતિથી ભગવાન પાસે મોકલી દેવું જોઈએ! જે માટે આટલી તકલીફ હોવાથી કોર્ટ પણ ના નહીં જ પાડે.
ઉત્તમના દાદા કુંવજીભાઈએ ડોક્ટરની વાત નહીં માની અને કહ્યું કે ‘‘ઈશ્વરનું આપેલું જેવું હોય એવું સ્વીકારવું જોઈએ. ઈશ્વરે શું નથી આપ્યું તેના કરતાં શું આપ્યું છે તેની તરફ ધ્યાન આપવું જોઈએ.''
ઉત્તમના શરીરના ભાગ અલગ-અલગ સર્જરી વડે મુંબઈ જસલોક હોસ્પિટલ તેમજ ડોક્ટર હાઉસમાં સુધારવાનો પ્રયત્ન કર્યો. નાક, હોઠ અને તાળુ થોડા અંશે ઠીક થયા, ઉત્તમની આંખ માટે હૈદરાબાદ એલ.વી.પ્રશાદ આઈ ઈન્સ્ટિટયૂટમાં ઉત્તમની આંખોના ૪ ઓપરેશન થયાં પરંતુ જામર અને ફુલુ બન્ને હોવાથી આંખથી બ્રેઈન સુધીની નસો સુકાઈ જવાને લીધે ઉત્તમની આંખોની રોશની જ ન મળી.
હવે પરિવારજનો એ ઉત્તમની ખામીઓ નહીં, પણ તેના ગુણો ઉપર ધ્યાન આપવા કર્યુ અને તેનામાં રહેલી અસાધારણ શક્તિઓ બહાર લાવી તેને ઉત્તમ માંથી સર્વોત્તમ બનાવ્યો. ઉત્તમને ક્યારેય બ્લાઈન્ડ સ્કૂલમાં ભણવા ન મોકલી તેને રેગ્યુલર શાળા માંજ ભણાવ્યો.
ધોરણ ૧૦માં બોર્ડમાં ૮૦% ગુણ સાથે પાસ થયો, ધોરણ ૧૨માં ડિસ્ટિંક્ષન માર્ક સાથે કરણસિંહજી શાળામાં પ્રથમ સ્થાન, બી.એમાં પ્રથમ વર્ગ સાથે સંસ્કૃત વિષયમાં પાસ થયો, એમ.એ.માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ ક્રમે પાસ થયો.
હાલમાં ઉત્તમ આગળના અભ્યાસમાં પીએચડી સંસ્કૃત વિભાગના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે જેમાં તેનો વિષય છે.. ‘‘માનવ જીવનમાં સમસ્યાઓના નિરાકરણ માટે શ્રીમદ્ ભાગવત ગીતા નું શું યોગદાન છે?'' તેણે જી-સેટ, યુજીસી-નેટ સંસ્કૃત વિષયમાં પાસ થઈ ગયા મહિને સંસ્કૃતના પ્રાધ્યાપક બનવા જીપીએસસી-ક્લાસ-૨ પરીક્ષા પ્રયત્નમાં પાસ કરી ત્યારબાદ જીપીએસસી નું ઈન્ટરવ્યૂ પણ પ્રથમ વખતમાં જ પાસ કર્યુ. અને હવે ઉત્તમ માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં સંસ્કૃત પ્રોફેસર માટે સિલેક્ટ થઈ ગયેલ છે. જે એક અનેરી સિદ્ધિ કહેવાય.
દ્રષ્ટિ ન હોવા છતાં ઉત્તમ કમ્પ્યુટર પર નિષ્ઠાપૂર્વક કાર્યકરે છે. ઉત્તમ પોતાની જરૂરિયાતનું દરેક કમ્પ્યુટર વર્ક જાતે જ પોતાના લેપટોપમાં કરે છે. આંગળી થી શીખવા માટે જરૂરી વિડીયોઝ પણ યુટયુબમાંથી જાતે જ ડાઉનલોડ કરી એમપીથ્રી કરી પોતાના મોબાઈલમાં લઈ રીવીઝન કરે છે. તેને કમ્પ્યુટરમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતમાં ટાઈપ કામ કરવામાં પણ કુશળતા છે. હવે તો ઉત્તમ અન્યને પણ કમ્પ્યુટર શીખવે છે કે બ્લાઈન્ડ હોય એમણે JAWZ અને NVDA ની મદદથી કઈ રીતે કમ્પ્યુટરમાં કામ કરી શકાય.
ઉત્તમ દરરોજ સ્વાસ્થ્ય માટે નિયમિત ૯ વાર સુર્યનમસ્કાર કરે છે આમ ઉત્તમ ૧૦૮ સુર્યનમસ્કાર એક સાથે કરે છે. ભણવાની સાથે સોમનાથ યુનિવર્સિટીમાં યોગમાં ડિપ્લોમા પણ કરેલ છે.
તો તે એક શ્રેષ્ઠ તબલાવાદક, હાર્મોનિયમવાદક અને ગાયક છે. તેના ઉપરાંત, તે બાંસુરી, ઢોલ (ડ્રમ), ગિટાર, અકોર્ડિયન, માઉથ ઓર્ગન, કોંગો, ઓર્ગન, તબલા વગેરે પણ ખૂબ સારી રીતે વગાડે છે. તે સાથે વાદ્ય સંગીતની કક્ષાઓ પણ ચલાવે છે. અને બીજા લોકોને શીખવે છે.
એક ખુબ જ સારા ગાયક છે. તેમણે ૨૫ વનમેન શો કાર્યક્રમો કર્યા છે. જેમાં તે ફિલ્મી ગીત, ભજન, ગઝલ, ગરબા, લોકગીતો વગેરે ગાય છે. તેઓ ઉત્તમ સંગીત વિદ્યાલય નામથી ગાયક કક્ષાઓ પણ ચલાવે છે. તેણે વોકલ, તબલા, અને ઓર્ગનમાં વિશારદની ડિગ્રી મેળવી અધ્યયન પૂર્ણ કરેલ છે. તે એક ગાયક અને શાસ્ત્રીય સંગીતના પારખુ પણ છે. તેમને ૧૨૦ કરતાં વધારે શાસ્ત્રીય રાગોની સમજ છે. તેમજ તબલાના તાલની પણ તેને ઉંડી આવડત છે.
શ્રીમદ્ ભાગવત ગીતાના સંપૂર્ણ ૭૦૦ શ્લોક કંઠસ્થ છે. અને તે વિનાદોષ ઉચ્ચારણ સાથે બોલી શકે છે. જો તમે તેમને કોઈ પણ અધ્યાય અને શ્લોકનો નંબર કહો તો તેઓ તરત જ તે શ્લોક બોલી આપે છે. જો તમે તેમને ગીતાો કોઈપણ શબ્દ કહો, તો શબ્દ કયાં અધ્યાયમાં, ક્યા શ્લોકમાં અને ક્યા ક્રમમાં આવે છે. આપણા ઋષિઓએ આપેલા ૧૧ મુખ્ય ઉપનિષદમાંથી ૧૦નું કંઠસ્થ છે અને ૧૧માં ઉપનિષદનું પઠન ચાલુ છે, ઉત્તમ આ ઉપનિષદો નું ઉચ્ચારણ પણ એકદમ શુદ્ધ ભાષામાં જેમ થવું જોઈએ એમજ કરે છે.
પાનીની ઋષિ એ લખેલા સંસ્કૃત વ્યાકરણના તમામ ૪૦૦૦થી વધુ સુત્રો કંઠસ્થ યાદ છે. ઉત્તમને નારદ ભક્તિ સુત્રપ પતંજલિના યોગસુત્ર, અને બ્રહ્મસુત્રના ૫૫૦ સુત્ર કંઠસ્થ છે. રામ રક્ષા સ્ત્રોત, શિવ મહિન્મ સ્ત્રોત, શ્રી સૂક્તમ, નારાયણ ઉપનિષદ જેવા ૬૦ થી વધુ સ્ત્રોતો મોઢે છે.
આ ઉપરાંત ૧૭૦ કરતાં વધુ ભજન કંઠસ્થ છે, ૨૫ કરતાં વધુ ગરબા યાદ, ૨૫૦ થી વધુ ફિલ્મી ગીતો યાદ છે. તેને ૨૦૧૧માં રાષ્ટ્રપતિ પુરસ્કાર ‘બાલશ્રી' થી સન્માનિત છે, આમ તે બાલશ્રી એવોર્ડ વિજેતા છે. આજદિન સુધી ૧૨૭ જેટલા એવોર્ડ, મેડલ અને સન્માનપત્ર મળ્યા છે.
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, પ.પૂ. શ્રી મહંત સ્વામી મહારાજ તોજ રામદેવજી મહારાજ જેવા સંતો અને મહાનુભાવોએ ઉત્તમના કાયને વખાણ્યું છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવ્યા છે.
તસ્વીરમાં દિવ્યાંગ ઉત્તમ મારૂ સાથે તેમના દાદા કુંવરજીભાઈ મારૂ (મો.૯૪૨૯૨ ૪૮૨૮૫) અને તેમના કાકા દિલીપ મારૂ નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
ઓલરાઉન્ડર છે ઉત્તમ મારૂ...તબલાવાદક, હાર્મોનિયમ વાદક અને ગાયક પણ છે, ૨૫થી વધુ વનમેન શો કાર્યક્રમો કર્યા છે
શ્રીમદ્ ભાગવત ગીતાના ૭૦૦ શ્લોક, મહિમ્ન સ્ત્રોત, બ્રહ્મસુત્રના સુત્ર કંઠસ્ત
રાષ્ટ્રપતિ પુરસ્કાર ‘બાલશ્રી' એવોર્ડથી સન્માનીત છે, ૧૨૭ એવોર્ડ, મેડલ અને સન્માનપત્ર મેળવ્યા
રાજકોટઃ જે સામાન્ય એટલે કે નોર્મલ વ્યક્તિ પણ ન કરી શકે તેવું કાર્ય ઉત્તમ મારૂએ કરી બતાવ્યું છે તેઓ દરરોજ સવારે પ્રાણાયમ અને યોગ કરે છે. ૯ વખત સૂર્યનમસ્કાર કરે છે.
તે એક શ્રેષ્ઠ તબલાવાદક, હાર્મોનિયમ વાદક અને ગાયક પણ છે ૨૫ થી વધારે વનમેન શો ના કાર્યક્રમો કર્યા છે તેમને ૧૨૦ કરતાં વધારે શાસ્ત્રીય રાગોની સમજ છે. શ્રીમદ્ ભાગવત ગીતાના શ્લોક કંઠસ્થ છે. સંસ્કૃત વ્યાકરણના ૪ હજારથી વધુ સુત્રો કંઠસ્થ છે. આ ઉપરાંત ૧૭૦ થી વધુ ભજનો, ૨૫ થી વધુ ગરબા અને ૨૫૦ થી વધુ ફિલ્મીગીતો મોઢે છે. ઉત્તમ મારૂને રાષ્ટ્રપતિ પુરસ્કાર બાલશ્રી એવોર્ડથી સન્માનિત છે. અત્યાર સુધીમાં ૧૨૭ જેટલા એવોર્ડ અને મેડલ મેળવ્યા છે.
(4:14 PM IST)










