<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

કોટડા મામલતદારની નોટીસો બાદ અનુસૂચિત જાતિના ૧૪ શ્રમીક પરીવારો કલેકટર પાસે દોડી આવ્‍યાઃ ડીમોલેશન મૂલત્‍વી રાખો

ગ્રામ પંચાયતે પહોંચ આપ્‍યા વગર લાઇટ-પાણી કનેકશનના વેરા ઉઘરાવ્‍યા છે!! અમે વર્ષોથી રહીએ છીએઃ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરો બાદમાં દબાણ હટાવો

રાજકોટ તા.૨૦: વેરાવઇ શાપરના ભીમનગર, શાંતિધામ પાસે રહેતા અનુસૂચિત જાતિના ૧૪ શ્રમીક પરિવારોએ કલેકટરને આવેદન પાઠવી વેરાવળ (શાપર) ખાતે સરકારી ખરાબાની જમીન પર વસવાટ કરતા અનુસૂચિત જાતિ તથા પછાત વર્ગના ૧૪ શ્રમિક પરિવારોને મામલતદાર દ્વારા આપવામાં આવેલ ડિમોલેશન નોટિસમાં હાલ પૂરતું મુલત્‍વી રાખી, વૈકલ્‍પિક વસવાટની વ્‍યવસ્‍થા કર્યા બાદ જ ડિમોલેશન કરવા તથા બંધારણીય સમાનતાના અધિકારનું રક્ષણ કરવા રજુઆત કરી હતી.

આવેદનમાં દોડી આવેલા લોકોએ જણાવ્‍યું હતું કે, જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ગામે રહેતા અનુસૂચિત જાતિ તથા અન્‍ય પછાત વર્ગના ૧૪ ગરીબ શ્રમિક પરિવારો જ્‍યારે અહીંયા કોઈપણ પ્રકારની સુવિધાઓ તો દૂરની વાત છે પણ મોટા મોટા ખાડાઓ હતા જે અમોએ જાતે મહેનત/ખર્ચ કરીને રહેવા લાયક સમતળ જમીન બનાવી, છેલ્લા ૮ થી ૧૦ વર્ષથી આ કહેવાતી સરકારી ખરાબાની જમીન પર નાના ઝૂંપડા/મકાન બાંધીને વસવાટ કરીએ છીએ. અમે આજુબાજુના કારખાનાઓમાં મજૂરી તેમજ અન્‍ય છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. પ્રાથમિક શાળામાં અમારા બાળકો અભ્‍યાસ કરે છે. ગ્રામ પંચાયત દ્વારા અમે લાઈટ કનેક્‍શન તથા પાણી કનેક્‍શન, વેરા માટે કોઈપણ પ્રકારની પહોંચ આપ્‍યા વગર રૂ. ત્રણ ત્રણ હજાર સુધીના વેરા લીધા છે.

હાલ મામલતદાર કોટડાસાંગાણી દ્વારા અમને ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે. જ્‍યારે આ જ વેરાવળ-શાપર વિસ્‍તારમાં હજારોની સંખ્‍યામાં સરકારી ખરાબાની જમીન પર મોટા-મોટા કારખાના, હોટલો, દુકાનો, પાકા મકાનો તથા ધાર્મિક સ્‍થળો બાંધેલા છે, પરંતુ તેમની સામે કયારેય કોઈ નોટિસ કે ડિમોલેશનની કાર્યવાહી થતી નથી, ફક્‍ત અમે ગરીબ અનુસૂચિત જાતિના હોવાથી અમારા પર જ કાર્યવાહી થાય છે, જે ભારતીય બંધારણની કલમ-૧૪ હેઠળ સમાનતાના અધિકારનું સ્‍પષ્ટ ઉલ્લંઘન છે.

અમારા ૧૪ પરિવારોના ઝૂંપડાઓનું ડિમોલેશન હાલ પૂરતું (ઓછામાં ઓછા ૬ માસ માટે) મુલત્‍વી રાખવામાં આવે. અમારા માટે વૈકલ્‍પિક વસવાટ/રહેઠાણની યોગ્‍ય વ્‍યવસ્‍થા (જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્‍ય સરકારી યોજના હેઠળ મકાન કે જમીન ફાળવવા) કર્યા બાદ જ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે. વિસ્‍તારમાં રહેલ તમામ ગેરકાયદેસર દબાણો (પૈસાદાર તથા રાજકીય લાગવગવાળા સહિત) સામે પણ સમાન રીતે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભેદભાવ ન થાય.

(3:58 PM IST)