હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
SIR કામગીરીઃ ૮ લાખ મતદારોના ફોર્મ ભરાઇને પરત આવ્યા
રાત-ઉજાગરા કરતા બૂથ લેવલ ઓફીસરોઃ તા.રર-ર૩ રાજકોટ શહેર-જીલ્લાના રરપ૬ બૂથ ઉપર સ્પે. ખાસ ઝુંબેશ રાજકોટ જીલ્લામાં ૩પ ટકા કામગીરી પૂર્ણઃ BLOને સહકાર આપવા કલેકટર ડો. ઓમપ્રકાશની ખાસ અપીલ

રાજકોટ, તા. ર૦: કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઈઆર લાગુ કરતા રાજ્યમાં બુથ લેવલ ઓફિસર એટલે કે, બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદારોની ચકાસણી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇ અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં ૩૫ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઇસ્ટ, વેસ્ટ અને સાઉથ ઝોનમાં કુલ ૨૫ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. ફોર્મ વિતરણની ૧૦૦ ટકા કામગીરી અગાવ જ પૂર્ણ કરી દેવામાં આવી છે.મતદારો જેમ બને તેમ જલ્દીથી ફોર્મ જમા કરે તે માટે કલેકટર ડો.ઓમપ્રકાશે અપીલ કરી છે. રાજકોટ જિલ્લામાં ૧૦ લાખ વોટરની મેપીંગની કામગીરી અગાવ જ પૂર્ણ થઇ ગઈ છે.તમામ કામગીરી આગામી ૪ ડિસેમ્બરે પૂર્ણ થઇ જશે. તેમ કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં કુલ ૨૨૫૬ બીએલઓ એસઆઇઆરની કામગીરી કરી રહ્યા છે તેમજ ૨૩૩ જેટલા બીએલઓ સુપરવાઈઝરની પણ નિમણુંક કરવામાં આવી છે.તમામ કામગીરીમાં લોકો સહયોગ આપે તેવી કલેકટરે અપીલ કરી છે.
આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં મતદારોને ભારે મુશ્કેલી પડી રહી છે અનેક મતદારોને તેમના નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં મળતા ન હોવાની ફરીયાદો ઊઠી છે. જે મતદારોને પોતાના મતદાન મથકોની ખબર નથી તે સૌથી મોટો પડકાર હોવાનું બી.એલ.ઓ. જણાવી રહ્યા છે. હાલ ઘરે ઘરે જઈને સર્વે કરવાની અને ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે.
શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં મતદારયાદી સુધારણા-એસઆઈઆરની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.ગત શનિવાર-રવિવારે યોજાયેલ ખાસ ઝુંબેશમાં ૧.૨૫ લાખ મતદારે ફોર્મ ભરીને પરત કર્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૮ લાખ મતદારના ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.આ કામગીરીમાં રાજકોટનો જસદણ તાલુકો રાજ્યભરમાં પ્રથમ ક્રમે છે અને જસદણમાં એસઆઇઆરની કામગીરી લગભગ ૬૦ ટકા જેટલી પૂર્ણ થઇ છે.
રાજકોટ જિલ્લામાં એસઆઇઆરની કામગીરીએ વેગ પકડ્યો છે, આગામી ૨૨-૨૩ નવેમ્બરે જિલ્લાના ૨૨૫૬ બુથ પર તમામ બીએલઓની ખાસ ઝુંબેશ ચાલશે જેમાં અત્યાર સુધીમાં જે પણ મતદારોને ફોર્મ નથી મળ્યા તેઓને સ્થળ પર જ ફોર્મ વિતરણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ મતદારોને મુંઝવતા પ્રશ્નોનું બીએલઓ પોતાના બુથ પર જ સમાધાન કરશે. ચાર દિવસની ખાસ ઝુંબેશમાં તમામ બીએલઓ બુથ પર બેસીને ફોર્મ વિતરણ સહિતની તમામ કામગીરી પુરી કરી દેશે.
તમામ પ્રક્રિયાઓ અને સુધારાઓ પૂર્ણ થયા બાદ, આખરી અને અંતિમ મતદાર યાદી ૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.










