તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 21st November 2025
નશાખોર નરેશભાઇ વ્યાસને પુત્ર-પત્નિએ પતાવી દીધા
નશેડી દિકરાને પિતાએ પતાવી દીધાની આટકોટની ઘટના તાજી છે ત્યાં રાજકોટમાં આવા જ કારણે હત્યાઃ કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટરમાં બનાવ : ૫ંચાવન વર્ષના પ્રોૈઢ મોજા-કટલેરીની ફેરી કરતાં હતાં: પચ્ચીસેક વર્ષથી પીવાની ટેવ હોઇ વારંવાર ડખ્ખા કરતાં હોઇ રાતે પણ છરી હાથમાં રાખી પત્નિ સાથે માથાકુટ કરતાં હતાં ત્યારે પુત્ર તૂટી પડયોઃ ભક્તિનગર પોલીસે માતા-પુત્ર બંને સામે ગુનો નોંધી અટકાયત કરીઃ હત્યાનો ભોગ બનનારના બહેનની ફરિયાદ પરથી કાર્યવાહી : દારૂના દૈત્યને કારણે વધુ એક પરિવારનો માળો વીખેરાયો : રાજકોટમાં વધુ એક હત્યાઃ ભક્તિનગર પોલીસે આરોપી માતા-પુત્રને સકંજામાં લીધાઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાધવે ઘટના સ્થળે પહોંચી તપાસનીશ ટીમને સુચના આપી

પુત્ર અને પત્નિના હાથે હત્યાનો ભોગ બનેલા નરેશભાઇ નટવરલાલ વ્યાસ (ઉ.વ.૫૬)નો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો, ઘટના સ્થળે ભક્તિનગર પોલીસનો સ્ટાફ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, વિગતો જણાવતાં એસીપી બી. વી. જાધવ અને ઘટના સ્થળે પોલીસ કાફલો જોઇ શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૧: જસદણના આટકોટમાં નશેડી દિકરાને રાપના ઘા મારી પિતાએ હત્યા કરી નાંખ્યાની ગઇકાલની ઘટના તાજી જ છે ત્યાં આવા જ કારણોસર રાજકોટમાં એક હત્યા થઇ છે. અહિના કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટરમાં રહેતાં અને હાથ-પગના મોજા, કટલેરીની ફેરી કરી ગુજરાન ચલાવતાં પંચાવન વર્ષના પ્રોૈઢને વર્ષોથી દારૂ પીવાની ટેવ હોઇ અને આ કારણે નશો કરી તે ઘરમાં સતત ડખ્ખા કરતાં હોઇ ગત રાતે પણ છરી સાથે નશાની હાલતમાં માથાકુટ કરતાં તેને પુત્રએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ હત્યામાં પ્રોૈઢની પત્નિ પણ મદદગારીમાં સામેલ હોઇ પોલીસે મૃતકના પુત્ર અને પત્નિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી બંનેને અટકાયતમાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી નજીક આવેલા હુડકો ક્વાર્ટર ડી-૬૯માં રહેતાં નરેશભાઇ નટવરલાલ વ્યાસ (ઉ.વ.૫૬) નામના પ્રોૈઢ રાતે ઘરમાં હતાં ત્યારે તેના પત્નિ સ્મીતાબેન નરેશભાઇ વ્યાસ અને દિકરા હર્ષ નરેશભાઇ વ્યાસે ઝઘડો કર્યો હતો. જમાં હર્ષએ પિતા નરેશભાઇને છાતી અને ડાબા હાથે છરીના ઘા મારી દેતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં ભક્તિનગરના ઇન્ચાર્જ પીએસઆઇ જાડેજા, પીએસઆઇ આર. એસ. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ડી. સ્ટાફની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.હત્યાનો બનાવ જાહેર થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી બી. વી. જાધવ પણ પહોંચ્યા હતાં અને ટીમને જરૂરી કાર્યવાહીની સુચના આપી હતી. એસીપી બી. વી. જાધવે જણાવ્યું હતું કે નરેશભાઇ વ્યાસને ઘરમાં કલેશ ચાલતો હોઇ તેના કારણે તેના જ દિકરા અને પત્નિ સાથે રાતે માથાકુટ થઇ હતી. જેમાં દિકરાએ છરીના ઘા મારી દેતાં નરેશભાઇનું સ્થળ પર જ મોત થયું હતું. તેઓ મોજાની ફેરી કરી ગુજરાન ચલાવતાં હતાં. આરોપી માતા-પુત્રને અટકાયતમાં લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરમિયાન આ બનાવમાં પોલીસે હત્યાનો ભોગ બનેલા નરેશભાઇ વ્યાસના નાના બહેન વર્ષાબેન રમેશભાઇ પંડયા (ઉ.વ.૫૫-રહે. રેલનગર દ્વારકેશ સોસાયટી બ્લોક નં. ૪૮)ની ફરિયાદ પરથી તેણીના ભાભી સ્મીતાબેન વ્યાસ અને ભત્રીજા હર્ષ વ્યાસ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. વર્ષાબેન પંડયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને મારા પતિ રમેશભાઇ જેન્તીલાલ પંડયા જીલ્લા પંચાયતમાંથી નિવૃતન થયા છે. અમે બે બહેનોના નરેશભાઇ એક જ ભાઇ હતાં. તે મારાથી મોટા હતાં. મારા બીજા બહેન અમદાવાદ સાસરે છે. નરેશભાઇ મારા ભાભી સ્મીતાબેન અને બે દિકરા હર્ષ તથા પાર્થ સાથે રહેતાં હતાં. રાતે પોણા એકાદ વાગ્યે અમને પોલીસ મારફત જાણ થઇ હતી કે મારા ભાઇ નરેશભાઇનું ખૂન થઇ ગયું છે અને તેની લાશ ઘરે છે. આથી અમે તુરત બધા મારા ભાઇના ઘરે પહોંચ્યા હતાં. જ્યાં રૂમાં મારા ભાઇ લોહીલુહાણ જોવા મળ્યા હતાં. જેના છાતી અને હાથ પર ઇજા હતી. આ પછી અમે પોલીસ સ્ટેશને ગયા હતાં. જ્યાં મારા ભાઇ નરેશભાઇના દિકરા અને મારા ભત્રીજા પાર્થ એ મને વાત કરી હતી કે-રાતે ઘરમાં મારા મમ્મીને મારા પપ્પા મારવા ગયા હતાં અને ઝઘડો કરતાં હતાં. આથી ભાઇ હર્ષે છરી મારી દીધી છે જેના કારણે પપ્પા મરી ગયા છે. વર્ષાબેનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી હર્ષ અને તેના માતા વર્ષાબેનને સકંજામાં લીધા છે.
તપાસમાં ખુલ્યું છે કે નરેશભાઇને છેલ્લા પચ્ચીસેક વર્ષથી નશાની આદત હતી અને આ કારણે તે ઘરમાં ગમે ત્યારે માથાકુટ કરતાં હતાં. ગત રાતે પણ તેણે ઘરમાં નશો કરીને આવી છરી સાથે ડખ્ખો કર્યો હતો. બાદમાં તેની જ છરીથી તેની હત્યા કરી નખાઇ હતી. હર્ષને આ હત્યામાં તેની માતા સ્મીતાબેને પણ મદદ કરી હોઇ બંનેની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવથી હુડકો વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. દારૂના દૈત્યને કારણે વધુ એક પરિવારનો માળો વેરવિખેર થઇ ગયો છે. (૧૪.૫)
(3:03 PM IST)










