<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ત્રણ મામા-ફઇના ભાઇઓને ભીચરી વીડીમાં લઇ જઇ રિક્ષાચાલક અને સાગ્રીતે ૫૫ હજારની લૂંટ કરી

પેડક રોડથી ગોંડલ રોડ પર ફર્નિચરનો સામાન લેવા જતી વખતે બનાવ : મુળ રાજસ્‍થાનના ફર્નિચરના કારીગર જસારામે રિક્ષાના નંબર નોંધી લેતાં તેના આધારે બે શકમંદ સકંજામાં: કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી : આજીડેમ ચોકડીએ પહોંચી રિક્ષાચાલકે કહ્યું-પાછળ વાળા ભાઇને મહિકા જવું છે, તેને ઉતારી ગોંડલ ચોકડીએ જઇશું કહી બીજા રસ્‍તે રિક્ષા લઇ લીધી

રાજકોટ તા. ૨૧: રાજકોટ તા. ૨૧: શહેરમાં વધુ એક રિક્ષાગેંગે લૂંટ કરી છે. જેમાં સામા કાંઠે પેડક રોડ પર રહેતાં મુળ રાજસ્‍થાનના મામા-ફઇના ત્રણ ભાઇઓ પેડક રોડથી રિક્ષામાં બેસી ગોંડલ રોડ પર ફર્નિચર કામનો સામાન લેવા ગયા ત્‍યારે રિક્ષાચાલક અને સાગ્રીતે આ ત્રણેય ભાઇઓને  ભીચરી વીડી વિસ્‍તારમાં લઈ જઈ છરીની અણીએ ધમકાવી કુલ રૂ. ૫૫,૦૦૦ની કિંમતના ચાર મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. ભોગ બનનાર પૈકી એક યુવાને રિક્ષાનો નંબર નોંધી લેતા પોલીસે લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી બે શકમંદને પકડી લઇ પુછતાછ શરૂ કરી છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મુળ રાજસ્‍થાન બાડમેરના સહોટન તાબેના ઇસરોલ ગામના વતની અને હાલ પેડક રોડ સિતારામ સોસાયટી-૧માં ભવ્‍યભાઇના મકાનમાં રહેતાં જસારામ ચીમારામ બેનીવાલ (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી સીએનજી રિક્ષા જીજે૦૭ટીબી-૭૨૧૯ના ચાલક અને તેની સાથેના અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. 

જસારામ જાટ હાલ રાજકોટ મોટા બાપુના દિકરા ડાલુરામ પદ્મારામ બેનીવાલ તથા ફઇના દિકરા વિશનારામ તેજારામ ચાહારા સાથે રહે છે અને હાલ સિતારામ સોસાયટીમાં જ ફર્નિચર કામ ચાલુ હોઇ ત્‍યાં રહી કામ કરે છે. તેણે વધુમાં જણાવ્‍યું છે કે જસારામ જાટે જણાવ્‍યુ છે કે તા. ૧૯/૧૧ના રોજ બપોરના આશરે બે વાગ્‍યાની આસપાસ જસરામ અને તેની સાથે મોટા બાપુનો દિકરો ડાલુરામ તથા ફઇનો દિકરો વિશનારામ એમ ત્રણેય યુવાનો ફર્નિચરનો સામાન ખરીદવા ગોંડલ ચોકડી નજીક આવેલી એક દુકાને જવા માટે બાલક હનુમાનજી મંદિર પાસેથી નીકળ્‍યા હતા. આ દરમિયાન પાછળથી આવેલી એક રિક્ષામાં તેઓ બેઠા હતા. રિક્ષામાં ચાલકની બાજુમાં ડાલુરામ જ્‍યારે પાછળ બેઠેલા એક અજાણ્‍યા વ્‍યક્‍તિની બાજુમાં જસારામ અને વિશનારામ બેઠા હતા.

આજીડેમ ચોકડી પહોંચ્‍યા બાદ રિક્ષાચાલકે તેમને જણાવ્‍યું કે પાછળ બેઠેલા ભાઈને મહિકા તરફ જવાનું છે, એટલે તેમને ઉતારીને પછી ગોંડલ ચોકડી જઈશું. ત્રણેય જણા સહમત થતા રિક્ષા મહિકા ગામ તરફ વાળવામાં આવી હતી. આશરે પોણા ત્રણેક વાગ્‍યાની આસપાસ રિક્ષાને મહીકા ગામથી ભીચરી વીડી વિસ્‍તારમાં ઊભી રાખવામાં આવી હતી. ત્‍યાં રિક્ષાચાલકે ગાળો બોલી ત્રણેયને નીચે ઉતાર્યા હતા અને પાછળ બેઠેલા તેના સાગ્રીતે છરી બતાવી ધમકી આપી હતી કે-તમારી પાસે જે કઈં હોય તે આપી દો, નહીં તો છરી મારીને જાનથી મારી નાખીશ.

આથી ત્રણેય ગભરાઇ ગયા હતાં અને જસારામે ગળામાં પહેરેલું આશરે ૩ ગ્રામ વજનનું સોનાનું પેન્‍ડલ કિંમત રૂ. ૧૮,૦૦૦નું અને અને પોતાનો સેમસંગ મોબાઈલ કિંમત રૂ. ૨૦,૦૦૦નો આપી દીધો હતો. આ ઉપરાંત, ડાલુરામ પાસેથી વીવો કંપનીનો મોબાઈલ કિમત રૂ. ૮,૦૦૦નો  અને વિશનારામ પાસેથી વનપ્‍લસ મોબાઈલ કિંમત રૂ. ૯,૦૦૦નો પણ લૂંટી લેવામાં આવ્‍યા હતા.

આ રીતે ત્રણેય પાસેથી લૂંટારાઓ કુલ રૂ. ૫૫,૦૦૦ની કિંમતનો માલસામાન લૂંટી રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા. જોકે, ડાલુરામે રિક્ષાનો નંબર જીજે૨૭ટીબી-૭૨૧૯ નોંધી લીધા હતાં. લીલા રંગની અને કાળા હુડ વાળીએ રિક્ષા હતી. બનાવ બાદ ગભરાયેલા ત્રણેય ભાઇઓ  પોતાના રૂમ પર પરત ફર્યા હતા અને મિત્ર ધ્રુપેશભાઈ ગજેશની સલાહ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા. પોલીસે રિક્ષા નંબરના આધારે બંને લૂંટારાઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. દરમિયાન કુબલીયાપરાના એક શખ્‍સ સહિત બે શખ્‍સોને આજીડેમ પોલીસે સકંજામાં લઇ પુછતાછ કરી હતી. વિશેષ તપાસ માટે બંનેને કુવાડવા રોડ પોલીસને સોંપાયા હતાં.

(4:15 PM IST)