News of Friday, 21st November 2025
તાલાલા ગીરના વિશાલની રાજકોટની રવિરાજ હોટેલમાં સસ્તામાં સોલાર પેનલ ફીટીંગના નામે ૬ લાખની ઠગાઇ
હોટેલ માલિકને ૨૦ કે.વી. વોલ્ટની ૩૦ સોલાર પેનલ સસ્તામાં ફીટ કરી દેવાનું કહી રોકડા લઇ કામ ચાલુ કર્યુઃ બાદમાં અચાનક ગાયબ થઇ ગયો અને ફોન બંધ કરી દીધોઃ મેનેજર અશ્વીનભાઇ ત્રિવેદીએ એ-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૧: શહેરના ઢેબર રોડ પર આવેલી હોટેલ રવિરાજ પેલેસમાં સોલાર પેનલ ફીટ કરી આપવાના નામે તાલાલા રહેતાં કોન્ટ્રાક્ટર દ્વારા કુલ રૂ. ૬,૦૦,૦૦૦ની છેતરપિંડી આચરવામાં આવી છે. પોતે હોટેલમાં રૂમ રાખી રહેતો હોઇ મેનેજરને પોતે સોલારનું કામ કરે છે અને સસ્તામાં સોલાર પેનલ ફીટીંગ કરી આપશે તેમ કહી છેતરપીંડી કરી હતી. તાલાલા ખાતે તપાસ કરતાં આ શખ્સે ત્યાં પણ સોલાર પેનલના નામે અનેકને શીશામાં ઉતાર્યાની વિગતો મળી હતી.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાછળ સમૃધ્ધી નગર સોસાયટીમાં રહેતાં અને ઢેબર રોડ પરની રવિરાજ હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરતાં અશ્વીનભાઇ પ્રવિણચંદ્ર ત્રિવેદી (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી ગીર સોમનાથના તાલાલા ગામે ગુંદરણ રોડ પર મોરીસ હોટલ પાસે રહેતાં વિશાલ ભરતભાઇ પંચોલી વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ હોટેલ રવિરાજ પેલેસમાં અગાઉ કામકાજ માટે આવતા-જતા વિશાલ પંચોલીએ તા. ૦૧/૦૮/૨૦૨૫ના રોજ હોટેલના માલિક જીલુભાઈ રાવતભાઈ ખાચરની સાથે મુલાકાત કરી હતી. ત્યારે વિશાલ પંચોલીએ માત્ર એક મહિનામાં હોટેલની અગાસી પર ૨૦ કે.વી. વોલ્ટની ૩૦ સોલાર પેનલ બજારભાવ કરતાં સસ્તામાં, કુલ ૬,૦૦,૦૦૦ રૂપિયામાં ફીટ કરી આપવાની ઓફર આપી હતી. એટલું જ નહીં, સરકારી કે અન્ય તમામ ખર્ચ પણ પોતે ભોગવશે તેવી ખાતરી આપી હતી.
કોન્ટ્રાક્ટરની વાતચીતથી સંતુષ્ટ થઈને હોટેલના માલિક જીલુભાઈએ તા. ૦૩/૦૮/૨૦૨૫ના રોજ વિશાલ પંચોલીને પરમેશ્વર એનર્જીના નામનો રૂ. ૪,૫૦,૦૦૦નો ચેક આપ્યો હતો. થોડા દિવસ બાદ, વિશાલે બાકીના કામ માટે વધારાના નાણાંની માંગણી કરતાં તા. ૮/૮ના રોજ હોટેલના ખાતામાંથી રૂ. ૧,૫૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરીને કુલ ૬,૦૦,૦૦૦ રૂપિયાનું સંપૂર્ણ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું. સંપૂર્ણ પેમેન્ટ મળ્યા બાદ વિશાલ પંચોલીએ તા. ૧૫/૦૮ના રોજ સોલાર પેનલના સ્ટ્રક્ચર અને વાયરિંગનું કામ શરૂ કરાવ્યું હતું, જે આશરે પંદરેક દિવસ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ તેના માણસો કામ અધુરૂ મૂકીને ચાલ્યા ગયા હતા.
મેનેજર અશ્વિનભાઈએ તા. ૧/૯ના રોજ ફોન કરતાં કોન્ટ્રાક્ટરે પેનલ બીજા દિવસે પહોંચી જવાની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ વિશાલ પંચોલીનો ફોન કાયમ માટે બંધ થઈ ગયો હતો. વિશાલ પંચોલીનો ફોન બંધ આવતા હોટેલ માલિક જીલુભાઈએ તેમના મિત્રો દ્વારા તાલાળા ખાતે તપાસ કરાવતા ચોંકાવનારી વિગત સામે આવી હતી. તેમને જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટર વિશાલ પંચોલીએ સોલાર પેનલ લગાવવાના બહાને તાલાળામાં પણ અન્ય ઘણા લોકો પાસેથી રૂપિયા પડાવીને છેતરપિંડી કરી છે.
આ રીતે સસ્તી કીમતે કામ કરી આપવાની લાલચ આપીને વિશાલ પંચોલીએ હોટેલના માલિક અને મેનેજર સાથે રૂ. ૬,૦૦,૦૦૦ની છેતરપિંડી આચરી હોવાથી મેનેજર અશ્વિનભાઈ ત્રિવેદીએ ફરિયાદ કરતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એમ. આર. મકવાણાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:32 PM IST)










