<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ઇસ્‍ટ ઝોન ગેરકાયદે બાંધકામનું હબઃ ૩ હજારથી વધુને નોટીસ

શહેરમાં ગતવર્ષે થયેલ ટીઆરપી અગ્નિકાંડ બાદ વધારાના કન્‍ટ્રકશનોનો રાફડો ફાટયોઃ નવા નિયમો અભેરાઇએ કે કોઇ ગણકારતું નથી?

 

રાજકોટ તા.૨૧: ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ગેરકાયદેસર બાંધકામો વિરૂધ્‍ધ મનપાના ટીપી વિભાગે ઝૂંબેશ શરૂ કરી હતી. ત્‍યારબાદ વધારાના બાંધકામો કાયદેસર કરવા સરકારે ઇમ્‍પેકટ ફી કાયદો લાગુ કર્યો છતાં નિયમ વિરૂધ્‍ધ થયેલા અને કાયદામાં ન આવતા બાંધકામોનું ડિમોલીશન તંત્રએ હાથ ધરી નોટિસ આપવાનુ શરૂ કર્યુ હતુ. જેમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ત્રણેય ઝોનમાં ૩૦૩૩ મિલ્‍કત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં સૌથી વધુ વેસ્‍ટઝોન વિસ્‍તારમાં છ વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનુ ખુલ્‍વા પામેલ છે.

મનપાના ટાઉન પ્‍લાનિંગ વિભાગ જનરલબોર્ડમાં સભ્‍યના  પ્રશ્‍નોતરી દરમિયાન આપેલા સતાવાર ઉતરમાં જણાવેલ છે  કે, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ઇમ્‍પેકટ ફી સંદર્ભે કુલ ૫૭૭ અરજીઓ આવેલ જેના આધારે ત્રણેય ઝોનમાં સ્‍થળ તપાસ કરતા અનેક ગેરકાયદેસર બાંધકામો બહાર આવ્‍યા હતા. જેના લીધે કલમ ૨૬૦-૧ હેઠળ ૧૫૬૫ આસામીઓને અને ૨૬૦-૨ હેઠળ ૧૪૬૮ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ સમયસર ગેરકાયદેસર બાંધકામોની વિગતો ન આપનાર ૩૮ બાંધકામોનુ ડિમોલીશન કરવામાં આવ્‍યુ હતું. ઇમ્‍પેકટ ફીના નિયમો હેઠળ આવેલ અરજીઓ પૈકી અનેક બાંધકામો નિયમોનુ પાલન કરી શકે તેમ નથી. જેના લીધે ઇમ્‍પેકટ ફી હેઠળ ન આવતી તમામ મિલકતોના વધારાના બાંધકામ તોડી પાડવામાં આવશે. આ યોજના હેઠળ કુલ ૧૪૮૧૦ અરજીઓ આવેલ જે પૈકી ૪૯૨૭ અરજીઓ માન્‍ય રાખવામાં આવી છે.

શહેરમાં વેસ્‍ટઝોનમાં વિકસીત નવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામોમાં સતત વધારો જોવા મળ્‍યો છે. જયારે સેન્‍ટ્રલઝોનના જૂના રાજકોટના વિસ્‍તારોમાં બેફામ વધારાના બાંધકામો ધમધમી રહ્યા છે. છતાં સાકડી-શેરી ગલ્લીઓમાં થતાં ગેરકાયદેસર બાંધકામો વિરૂધ્‍ધ ટીપી વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે ઇમ્‍પેકટ ફીમા ન આવતા તમામ બાંધકામો ગેરકાયદેસર હોવા છતાં આ ઙ્કકારના એક પણ બાંધકામો વિરૂધ્‍ધ આજ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી અને ફકત ૩૮ બાંધકામોનુ ડિમોલીશન કરવામાં આવ્‍યુ છે. ઇમ્‍પેકટ ફીની મુદતમાં સરકારે સતત વધારો કરેલ હોય આગામી દિવસોમાં વધુ અરજી આવવાની શકયતા જોવાઇ રહી છે. જેની સામે ટીપી વિભાગ દ્વારા હજૂ પણ ડિમોલીશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવી નથી જેના લીધે આગામી દિવસોમાં તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરાઇ તેવી શકયતા જોવાઇ રહી છે. (૩.૧૮)

કયા વોર્ડમાં ગેરકાયદે બાંધકામની કેટલી અરજી : વોર્ડ વાઇઝ આંકડા

વોર્ડ નં.૧   ૨     

વોર્ડ નં.૨   ૨૪

વોર્ડ નં.૩   ૬૨

વોર્ડ નં.૪   ૬૩

વોર્ડ નં.૫   ૩૬    

વોર્ડ નં.૬   ૨૭૩

વોર્ડ નં.૭   ૪૬

વોર્ડ નં.૮   ૨૮

વોર્ડ નં.૯   ૯

વોર્ડ નં.૧૦  ૨૦

વોર્ડ નં.૧૧  ૧૪૦

વોર્ડ નં.૧૨  ૪૪

વોર્ડ નં.૧૩  ૩૩

વોર્ડ નં.૧૪  ૩૯

વોર્ડ નં.૧૫ ૧૨૬

વોર્ડ નં.૧૬  ૨૦૩૩

વોર્ડ નં.૧૭  ૪૨

વોર્ડ નં.૧૮  ૨૬

(3:02 PM IST)