તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
રાજકોટની ભાગોળે આવેલ મહિકા - ભીંચરીની સીમમાં આવેલ અલખધણી આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ રાજપુતને ૩ વર્ષની સજા
ચિંકારા હરણના શિંગડા સહિતના અવશેષો મળી આવતા વન્ય પ્રાણી સંરક્ષણના ગુનામાં...

રાજકોટ, તા.૨૧: રાજકોટની ભાગોળે આવેલ મહિકા અને ભીંચરી વચ્ચેની સીમમાં આવેલ અલખધણી આશ્રમમાં ચિંકારા હરણના શિંગડા સહિતના અવશેષો ઝડપાતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાના કેસમાં અદાલતે આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ નાથુસિંહ રાજપૂતને ત્રણ વર્ષની કેદ તેમજ દંડ સહિતનો હુકમ કર્યો છે.
આ કેસની પ્રાપ્ત હકીકતો મુજબ રાજકોટના વન વિભાગને મળેલી બાતમીને આધારે રાજકોટની ભાગોળે ભાવનગર રોડ નજીક આવેલા મહીકાથી ભીંચરી જવાના રસ્તે આવેલા અલખધણી આશ્રમમાં તપાસ કરતા ત્યાંથી ચિંકારા હરણના માથાના શીંગડા વાળો ભાગ તેમજ પગની ખરી વગેરે અવશેષો મળી આવતા, આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ચિંકારા હરણ શેડ્યુલ - ૧માં આવતું હોવાને કારણે આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંહ નથુસિંઘ રાજપુત સામે વન્ય પ્રાણી સરક્ષણ ૧૯૭૨ અધિનિયમ (સુધારા ૨૦૦૨) હેઠળ ગુનો નોંધી કાળુબાપુની ધોરણસરની કાર્યવાહી કરી હતી. બાદમાં તપાસના અંતે ચાર્જશીટ મૂકવામાં આવતા આ કેસ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જેમાં સરકાર પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ, રજૂઆતો તેમજ સરકારી વકીલ અમર પરમારની ભારપૂર્વકની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલા ચુકાદા ધ્યાને લઇ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ. શુકલે અલખ ધણી આશ્રમના કાળુબાપુ ઉર્ફે જયસિંગ નથુસિંગ રાજપૂતને વન્ય પ્રાણી સંરક્ષણ ૧૯૭૨ અધિનિયમ (સુધારા ૨૦૦૨)ની કલમ ૨ (૨), ૩૯ (૨), ૪૦ (૧), ૪૯ (ક), ૫૦ (૧) (ગ), ૫૧ મુજબ દોષિત ઠરાવી ત્રણ વર્ષની કેદ અને રૂપિયા ૨૫૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મદદમાં સરકારી વકીલ અમર પરમાર રોકાયા હતા.
(3:24 PM IST)










