તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
રૈયા રોડ વિસ્તારનો બનાવઃ પુર્વ પ્રેમી કાનાએ પાઇપથી ફટકારી યુવતિના પગ ભાંગી નાંખ્યા
પુર્વ પ્રેમીને રૂા. ૧.૬૯ લાખ ઉછીના આપ્યા હોઇ તે પાછા ન દેતો હોઇ યુવતિએ પોલીસમાં અરજી કરતાં ખાર રાખી હુમલો કર્યોઃ યુવતિ સારવાર હેઠળઃ કાનો રાજા ઉર્ફ હિરેન વિરૂધ્ધ આક્ષેપો

રાજકોટ તા. ૨૨: શહેરના રૈયા રોડ વિસ્તારમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી ૨૫ વર્ષની યુવતિ રાતે ત્રણેક વાગ્યે ઘર પાસે હતી ત્યારે હિરેન ઉર્ફ કાનો રાજા નામના શખ્સે આવી લોખંડના પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં પગમાં ફ્રેકચર જેવી ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હુમલાખોર તેણીનો પુર્વ પ્રેમી હોવાનું અને તે તેણીના રૂપિયા ખાઇ ગયો હોઇ અને હેરાન કરતો હોઇ તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરતાં ખાર રાખી હુમલો કરાયાનું જણાવાયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ રૈયા રોડ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષની યુવતિ રાતે ત્રણ વાગ્યે ઘર પાસે હતી ત્યારે હિરેન ઉર્ફ કાનો રાજા આવ્યો હતો અને ઝઘડો કરી લોખંડના પાઇપથી આડેધડ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. યુવતિએ કહ્યું હતું કે બે વર્ષ પહેલા તેણીનો પરિચય સિવિલ હોસ્પિટલ ખાતે કાના રાજા સાથે થયો હતો. ત્યારે તેણે પોતે કુંવારો હોવાનું કહ્યું હતું. બાદમાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. જે તે વખતે તેણીએ તેને ૨ લાખ ૭૦ હજાર જેવી રકમ આપી હતી. લગ્નની લાલચ આપી તેણે શોષણ કર્યુ હતું. પરંતુ બાદમાં તે પરણેલો હોવાની ખબર પડી હતી અને તેણે લગ્નની ના કહી દીધી હતી. આ પછી તેણે જે તે વખતે પોલીસમાં અરજી કરતાં સમાધાન થતાં મારા રૂપિયા તેણે પરત આપી દીધા હતાં.
ત્યારબાદ ફરીથી તે મારી પાસેથી ૧.૬૯ લાખ લઇ ગયો હતો. આ રકમ હવે તે પાછો ન દેતો હોઇ મેં પોલીસમાં અરજી કરતાં તેનો ખાર રાખી તે રાતે મારા ઘર પાસે આવ્યો હતો અને પાઇપથી હુમલો કર્યો હતો. જેના કારણે મારા પગમાં ફ્રેકચર જેવી ઇજા થઇ છે. તેમ વધુમાં યુવતિએ કહતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
(2:58 PM IST)










