તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
ઘરે બેઠા નર્સિંગના સર્ટિફિકેટની લાલચ દઇ ૨૦ હજાર પડાવાયાઃ યુવતિનો આપઘાતનો પ્રયાસ
ઓનલાઇન જાહેરખબર વાંચી યાજ્ઞિક રોડની ઓફિસમાં પૈસા ભર્યા'તા : રાજકોટ નજીકના ગામની યુવતિએ રેસકોર્ષ લવગાર્ડનમાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૨: શહેરના રેસકોર્ષ લવગાર્ડનમાં એક યુવતિએ તાવની બિમારીની વધુ પડતી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. નર્સિંગની નોકરીના નામે ફ્રોડ થતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું.
જાણવા મળ્યા મુજબ રાજકોટ નજીકના ગામની ૨૩ વર્ષની યુવતિએ રેસકોર્ષ લવ ગાર્ડમાં વધુ ટીકડી પી જતાં ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાઇ હતી. તબિબે આ અંગે પોલીસ કેસ જાહેર કર્યો હતો. યુવતિની સગાઇ થઇ ચુકી છે. જેની સાથે સગાઇ થઇ એ યુવાને કહ્યું હતું કે-મારી મંગેતરે ઓનલાઇન જાહેરાત વાંચી હતી. જેમાં ભણવા ગયા વગર એટલે કે ઘરે બેઠા અભ્યાસ કરી નર્સિંગનું સર્ટિફિકેટ આપવાની વાત હોઇ સંપર્ક કર્યો હતો. બાદમાં આ ફોન નંબર પર વાત કરનારે પોતાને યાજ્ઞિક રોડ પર હીરા પન્ના પાસેની ઓફિસે બોલાવી રૂપિયા વીસ હજાર લઇ લીધા હતાં. પરંતુ બાદમાં સર્ટિફિકેટ ન મળતાં અને પૈસા પણ પાછા ન અપાતા તેમજ આ શખ્સ ફોન બંધ કરી ગાયબ થઇ ટેન્શનના કારણે મારી મંગતેરે આ પગલુ ભર્યુ હતું. તેમ યુવાને વધુમાં કહેતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
(3:23 PM IST)










