તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
જિલ્લા પંચાયતમાં સમિતિઓની બેઠક શરૂ, સામાન્ય સભા બોલાવાશે : બજેટ અંગે અનિશ્ચિતતા
ગઇ ૧૩ ઓકટોબરે ઘેલા સોમનાથમાં વિદાયમાન જેવી બેઠક યોજાઇ ગયા બાદ સંજોગો બદલાયા : ચુંટાયેલી પાંખની મુદત ૧૬માર્ચે પુરી થાય છે : આજે સિંચાઇ સમિતિની બેઠક મળી, હવે અન્ય સમિતિઓની બેઠકો બોલાવાશે : વચગાળાના બજેટનો વિકલ્પ ખુલ્લોઃ પદાધિકારીઓ દ્વિધામાં

રાજકોટ, તા., ૨૪ : જિલ્લા પંચાયતમાં દિવાળી બાદ હવે નવેસરથી પદાધિકારીઓના પ્રભુત્વવાળી સમીતીઓની બેઠકોનો દોર શરૂ થઇ રહયો છે. નવા વર્ષની પ્રથમ બેઠક આજે સિંચાઇ સમીતીની બેઠક મળેલ જેમાં વિવિધ ઠરાવો કરી કારોબારી સમીતી તરફ મોકલવામાં આવ્યા છે. પંચાયતમાં નવેસરથી રાજકીય ચહલપહલ શરૂ થાય તેવા એંધાણ છે. પંચાયતની ચુંટણી કયારે થશે તે હજુ નક્કી ન હોવાથી પદાધિકારીઓ રાબેતા મુજબની કામગીરી આગળ વધારવા માંગે છે. આવતા મહિનાના અંતમાં અથવા જાન્યુઆરીના પ્રારંભે વધુ એક સામાન્ય સભા પણ બોલાવવાની ચુંટાયેલી પાંખની ગણતરી છે.
પંચાયતની સામાન્ય ચુંટણી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાવા પાત્ર છે. તે ગણતરીએ ગઇ ૧૩ ઓકટોબરે ઘેલા સોમનાથ ખાતે સામાન્ય સભા બોલાવવામાં આવેલ. તે વખતે સભ્યોના સમુહ ફોટા લેવા આવેલ. તે સામાન્ય સભામાં વિદાય સમારંભ જેવો માહોલ થઇ ગયેલ પરંતુ સંજોગો બદલાતા હજુ એક-બે વખત સામાન્ય સભા બોલાવવાની થાય તેવા સંજોગો છે. સામાન્ય રીતે જિલ્લા પંચાયતમાં દર ૩ મહિને સામાન્ય સભા બોલાવવાની પ્રણાલીકા છે. તે મુજબ ડીસેમ્બર અંત અથવા જાન્યુઆરીમાં પ્રારંભે સામાન્ય સભા બોલાવાશે.
પંચાયતની ચુંટણી મતદાર યાદીની સુધારણાની કામગીરી અને દિવાળી પછીના રાજકીય માહોલના કારણે બે-ત્રણ મહિના પાછી ધકેલાઇ તેવી ધારણા મજબુત બનતી જાય છે. જો કે જુની મતદાર યાદી મુજબ પણ ચુંટણી યોજી શકાય છે. ચુંટણી અંગેનો નિર્ણય રાજય ચુંટણી પંચે લેવાનો થાય છે.
સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચની શરૂઆતમાં પંચાયતનું બજેટ સામાન્ય સભામાં રજુ થઇ જતુ હોય છે. આ વખતે બજેટ અંગે અનિヘતિતા છે. જો ચુંટણી સમયસર થાય અથવા મોડી થાય તો બજેટ બાબતે શું કરવું તેની સરકાર કોઇ ગાઇડલાઇન બહાર ન પાડે તો પંચાયત પોતાની રીતે નિર્ણય લેશે. રેગ્યુલર બજેટના વિકલ્પે ૩ મહિનાના વચગાળાના બજેટનો વિકલ્પ ખુલ્લો છે. હાલ તો ચુંટણી એકદમ નજીકમાં નથી તેમ માનીને ચુંટાયેલી પાંખ સમીતીઓની બેઠકો અને સામાન્ય સભા યોજવા માંગે છે. આજે સિંચાઇ સમીતીની બેઠક મળી ગઇ છે. ટુંક સમયમાં અન્ય સમીતીઓની બેઠકો બોલાવાશે. કારોબારી સમીતી પછી સામાન્ય સભાનો દિવસ નક્કી થશે. આચારસંહિતા કયારથી લાગુ પડે છે તેના પર ઘણો આધાર છે. જિલ્લા પંચાયતમાં વર્તમાન ચુંટાયેલી પાંખની મુદત ૧૬ માર્ચ ર૦ર૬ના પુરી થાય છે. ત્યાં સુધીમાં ચુંટણી નહિ થાય તો નવી ચુંટણી સુધી વચ્ચેના સમયગાળામાં વહીવટદાર આવી જશે
(4:01 PM IST)










