<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

સૌરાષ્‍ટ્ર ઝોનની બેઠકમાં ભાજપે ચૂંટણી રણનીતિ ઘડી

વિકાસના મીઠા મૂળ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કામે લાગી જવા સૌને અનુરોધ

રાજકોટ,તા. ર૪: ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્‍યક્ષસ્‍થાને સૌરાષ્‍ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરાયું છે. આજની મિટિંગને પગલે સૌરાષ્‍ટ્રભરના ભાજપના સાંસદો-ધારાસભ્‍યો સહિતના નેતાઓએ ખાસ હાજર  રહ્યા હતા.

રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે રાષ્‍ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષને આવકારવા સજાવટ કરવામાં આવી છે અને લાલ જાજમ પાથરવામાં આવી છે. હાલમાં પરસોતમભાઇ, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળાની સાથે જુના જોગી અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના ઉપસ્‍થિત રહ્યા  હતા. ઉપરાંત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્‍નાકરજી પણ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં મતદાર યાદી સુધારણા, BLOના થઈ રહેલા મુશ્‍કેલી, સ્‍વદેશી અભિયાન ઉપરાંત આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. બપોરે શરૂ થયેલ બેઠક કલાકો ચાલી હતી. આગામી સમયમાં ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીઓ તેમજ વિધાનસભા ઇલેક્‍શન છે, ત્‍યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પણ આ બેઠક મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભાજપના આગામી કાર્યક્રમોની રણનીતિ નક્કી થશે ગુજરાત સરકાર દ્વારા હાલ SIR એટલે કે, સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન અંતર્ગત મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે. ત્‍યારે બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ દ્વારા આત્‍મહત્‍યા કરવામાં આવી રહી છે, જેને લઈને આ બેઠકમાં ચર્ચા  થઇ હતી.  આ ઉપરાંત ભાજપના અગાઉના કાર્યક્રમોની સમીક્ષા કરાઇ હતી. આ સાથે જ ભાજપના આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી.

રાજયમાં ચારેય ઝોનમાં બેઠક યોજાશે. તમામમાં રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે તેની સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:30 PM IST)