તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
અવધના ઢાળ પાસે પોલીસ વેન પર પથ્થરમારો કરી ફરજમાં રૂકાવટ કરનારા ૨૧ પકડાયા
અંદરો અંદર પરપ્રાંતિય શખ્સો ઝઘડો કરી રહ્યાનો કોલ મળતાં પોલીસ પહોંચી ત્યારે ટોળકી રચી પોલીસ કર્મીને ઘેરી લેવાયા હતાં: યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૪: શહેરના કાલાવડ રોડ પર શનીવારે મોડી રાત્રે ઝઘડાનો કોલ મળતા પહોંચેલી પોલીસની ૧૧૨ પોલીસ વાન પર ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે ૬ શખ્સોના નામજોગ અને ૧૦-૧૫ અજાણ્યા શખ્સોના ટોળા સામે રાયોટિંગ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં યુનિવર્સિટી પોલીસે ૨૧ શખ્સોની ધરપકડ કરી છે.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ઉમેશકુમાર સાદુરભાઈ બાલાસરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ શનીવારે રાત્રે ૧૧૨ ઈમરજન્સી રિસ્પોન્સ વ્હીકલમાં ડ્રાઈવર રવિભાઈ સાથે ફરજ પર હતા. રાત્રે સવા દસ આસપાસ કંટ્રોલ રૂમ દ્વારા વર્ધી મળી હતી કે કાલાવડ રોડ પર, અવધના ઢાળ પાસે, ડેકોરા સ્કાય હિલ્સ નજીક મજૂરોની ખોલીઓમાં ઝઘડો ચાલી રહ્યો છે. કોલ મળતા જ પોલીસની ટીમ સાડા દસ વાગ્યાના સુમારે ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં જોયું તો ૧૦ થી ૧૫ માણસોના બે જૂથો સામસામે ઝઘડી રહ્યા હતા. પોલીસે દરમ્યાનગીરી કરી ઝઘડો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો અને જે વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો તેને સુરક્ષિત રીતે બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસ જ્યારે પોતાની કાર્યવાહી કરી રહી હતી ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની ગાડીને ચારે બાજુથી ઘેરી લીધી હતી. ટોળામાંથી અમુક શખ્સોએ ૅઆજે આ પોલીસને અહીંથી જવા દેવા નથીૅ તેવી બૂમો પાડી ઉશ્કેરણી કરી હતી. જોતજોતામાં ટોળાએ એક સંપ કરી પોલીસ પર અને સરકારી ગાડી પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં પોલીસની બોલેરો ગાડીની પાછળની જમણી બાજુની લાઈટ તૂટી ગઈ હતી અને આશરે રૂ. ૩૦૦૦નું નુકસાન થયું હતું. પરિસ્થિતિ વણસતા કોન્સ્ટેબલે ડ્રાઈવરને ગાડીમાં જ સુરક્ષિત રહેવા જણાવી તુરંત જ કંટ્રોલ રૂમ પાસે મદદ માંગી હતી.
પોલીસ પર હુમલાનો મેસેજ મળતા જ રાજકોટ પોલીસ હરકતમાં આવી હતી. ગણતરીની મિનિટોમાં શાંતિનગરની ૧૧૨ વાન, માલવિયાનગર પોલીસ, ભક્તિનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમો અને ડી.સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાખોરોને કોર્ડન કરી સ્થળ પરથી જ દબોચી લીધા હતા અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસે પરપ્રાંતના બસંત માજી, દિનેશ ચમાર, દીપક નાયક, ઠાકુર, નુરફો, જલધર અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ઇન્ચાર્જ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહરીમાં પીએસઆઇ હીનાબેન મણવર સહિતની ટીમે ૨૧ આરોપીઓને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(3:32 PM IST)










