<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

વોલીવોલ રમતી વખતે ૧૮ વર્ષનો છાત્ર આદિત્‍ય વાછાણી ઢળી પડયોઃ મૃત્‍યુ

યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્‍કૂલના મેદાનમાં રવિવારે સાંજે બનાવ : હૃદય બેસી ગયાની શક્‍યતાઃ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહઃ ક્રિસ્‍ટલ મોલ પાછળ રહેતાં વાછાણી દંપતિએ એકનો એક આશાસ્‍પદ દિકરો ગુમાવી દીધોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૪: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ સતત વધી ગઇ છે. વયોવૃધ્‍ધ અને આધેડ તેમજ પ્રૌઢ વયના લોકોની સાથે સાથે યુવાન સગીર વયના હોય તેમના પણ હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુ થઇ રહ્યા છે. ત્‍યારે શહેરમાં વધુ એક આવો બનાવ બન્‍યો છે. જેમાં ક્રિસ્‍ટલ મોલ પાછળ રહેતાં કારખાનેદાર પરિવારના ૧૮ વર્ષના એકના એક દિકરાનું એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું છે. એસએનકે સ્‍કૂલમાં ધોરણ-૧૨માં ભણતો આ છાત્ર રમત ગમતમાં ખુબ જ સક્રિય હતો. વોલીબોલ રમતી વખતે અચાનક ઢળી પડયો હતો અને આ ઘટના બની હતી. હૃદય રોગના હુમલો આવ્‍યો કે અન્‍ય કારણોસર મૃત્‍યુ થયું તે અંગે પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ આવ્‍યા બાદ જાણી શકાશે. હાર્ટએટેક હોવાનું પ્રાથમિક તારણ છે.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ ક્રિસ્‍ટલ મોલ પાછળ પ્‍લેટીનિયમ હેરીટેજ ફલેટ નં. સી-૩૦૧માં રહેતો આદિત્‍ય અલ્‍કેશભાઇ વાછાણી-પટેલ (ઉ.વ.૧૮) નામનો યુવાન રવિવારે સાંજે એસએનકે સ્‍કૂલના ગ્રાઉન્‍ડમાં વોલીબોલ રમવા માટે સાથી છાત્રો-મિત્રો સાથે ગયો હતો. ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં તુરત જ ત્‍યાં તેને શાંતી મલ્‍ટી સ્‍પેશિયાલિસ્‍ટ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. બનાવની જાણ થતાં આદિત્‍યના કુટુંબીજનો, શાળાના શિક્ષકગણ સહિતના હોસ્‍પિટલે પહોંચી ગયા હતાં. જો કે અહિ સારવાર દરમિયાન તેનું મૃત્‍યુ નિપજતાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ મારફત થતાં  યુનિવર્સિટીના એએસઆઇ હિતેષભાઇ જોગડાએ હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર આદિત્‍ય તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પિતાનું નામ આકાશભાઇ (અલ્‍કેશભાઇ) ગીરીશભાઇ વાછાણી અને માતાનું નામ દેવકીબેન વાછાણી છે. આદિત્‍ય એસએનકે સ્‍કૂલમાં ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતો હતો.

સગાએ જણાવ્‍યું હતું કે આદિત્‍ય ભણવામાં હોશીયાર હતો. તે સ્‍વસ્‍થ તંદુરસ્‍ત હતો અને કોઇપણ જાતની તેને શારીરિક તકલીફ નહોતી. સાથે સાથે તેને સ્‍પોર્ટસમાં પણ ખુબ જ રસ હતો. રવિવારે મિત્રો સ્‍કૂલ ખાતેના મેદાનમાં વોલીબોલ રમવા એકઠા થયા હતાં ત્‍યારે એકાએક આદિત્‍ય બેભાન થઇ ગયા બાદ ઢળી પડયો હતો અને સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. એકના એક યુવાન આશાસ્‍પદ દિકરાના મૃત્‍યુથી માતા-પિતા સહિતના પરિવારજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. આદિત્‍યના પિતાને મેટોડામાં ફેક્‍ટરી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે. હૃદય રોગનો હુમલો આવ્‍યાની પ્રાથમિક શક્‍યતા છે. આ પ્રકારના બનાવો સતત વધી ગયા છે ત્‍યારે આ બનાવે વધુ એક વખત ચિંતા જન્‍માવી દીધી છે

(4:50 PM IST)