<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

હનુમાન મઢી તિરૂપતીનગરના ટૂર ટ્રાવેલ્‍સ સંચાલકને નમકીન ફેકટરીનો સંચાલક આલોક છેતરી ગયો

કિસ્‍મત ચા ખાતે થયેલી ઓળખાણ બાદ આલોક ભાડેથી વારંવાર કાર લઇ જઇ પાછી આપી દેતો હતોઃ છેલ્લે જયપુર જવા અલ્‍ટો કાર લઇ ગયો પછી પાછી જ ન દીધીઃ ચેક પણ રીટર્ન થયોઃ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

 

 

 રાજકોટ તા. ૨૫: શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી નજીક તિરૂપતી સોસાયટીમાં રહેતાં ં જમીન-મકાનની દલાલી કરતાં અને ટ્રાવેલ્‍સનો વ્‍યવસાય કરતા યુવાન સાથે શહેરની નમકીન ફેક્‍ટરીના માલિકે  મિત્રતાના દાવે કાર ભાડેથી લઇ જઇ પરત આપી અને ભાડુ પણ ન આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ થઇ છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ તિરૂપતીનગર-૧માં આકાર હાઇટ્‍સ ફલેટ નં. ૫૦૧માં રહેતાં અને  જમીન મકાન લે-વેંચનું  કામ કરવા સાથે ટૂર ટ્રાવેલ્‍સનું કામ પણ કરતાં નિમીશભાઇ રતિલાલ રાયસુર (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી શીતલ પાર્ક વન વર્લ્‍ડમાં ૪૦૧ નંબરની ઓફિસ ધરાવતાં આલોક બલદા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. નિમીષભાઇએ જણાવ્‍યું છે કે તેની મુલાકાત ૨૦૨૩માં હનુમાનઢી પાસે કિસ્‍મત ચાની હોટલે આલોક બલદા સાથે થઈ હતી. આલોક બલદાને શીતલ પાર્ક વિસ્‍તારમાં વનવર્લ્‍ડ બિલ્‍ડિંગમાં પોતાની નમકીન ફેક્‍ટરીની ઓફિસ હતી. શરૂઆતના તબક્કામાં આલોક બલ્‍દાએ નીમીશભાઈ પાસેથી ત્રણથી ચાર વખત ડ્રાઇવર સાથે ફોરવ્‍હીલ ભાડે લીધી હતી અને દરેક વખતે સમયસર ભાડું ચૂકવીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો.

ત્‍યારબાદ  જુલાઈ ૨૦૨૪માં આલોક બલદાએ પોતાને પત્‍નિ અને દિકરી સાથે રાજસ્‍થાન ફરવા જવું છે તેમ કહી કાર માંગતા નીમીશભાઇએ પોતાના પત્‍નિ પીન્‍ટુબેનના નામે રજીસ્‍ટર્ડ અલ્‍ટો કાર જીજે૦૩એમઇ-૧૩૦૨ નવ દિવસ માટે દૈનિક રૂપિયા ૭૦૦ના ભાડા પેટે રાજસ્‍થાનમાં તેના વતન જયપુર ફરવા જવા માટ આપી હતી. ઓળખાણના કારણે કોઈ એડવાન્‍સ રકમ લીધા વિના, સિકયુરિટી પેટે આલોક બલદાની પેઢી એ.બી. નમકીનનો રૂપિયા ૩,૦૦,૦૦૦નો ચેક તથા આધાર કાર્ડની ઝેરોક્ષ લેવામાં આવી હતી. પરંતુ નવ દિવસ વીતી ગયા બાદ નીમીશભાઈએ ફોન કરતાં આલોક બલદાઅ-બે દિવસમાં રાજકોટ આવીને ગાડી આપી જઈશ તેમ કહ્યું હતું.

પરંતુ ત્‍યાર પછી જ્‍યારે પણ નિમીષભાઇ ફોન કરી કારની અને ભાડાની વાત કરે ત્‍યારે તે બહાના બતાવતો હતો. લગભગ ત્રણ મહિના સુધી આવુ ચાલ્‍યું હતું.  ત્‍યારબાદ અચાનક આલોક બલદાએ પોતાનો ફોન બંધ કરી દીધો હતી. નીમીશભાઇ તેની શીતલ પાર્ક  વનવર્લ્‍ડ બિલ્‍ડિંગ ખાતે આવેલી તેની ઓફિસ નં. ૪૦૧ ખાતે તપાસ કરવા જતાં તે પણ બંધ મળી આવી હતી. આ પછી  નીમીશભાઈએ સિક્‍યુરીટી પેટે લીધેલો ૩ લાખનો ચેક બેંકમાં જમા કરાવ્‍યો હતો. પરંતુ તે ચેક બેલેન્‍સ અપુરતુ હોવાથી બાઉન્‍સ થયો હતો. આલોક બલદાએ આજદિન સુધી ન તો અલ્‍ટો કાર પરત કરી છે, ન તો બાકીનું રૂપિયા ૬૩૦૦નું ભાડું  ચુક્‍વયું છે. અંતે નીમીશભાઇએ ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં એએસઆઇ નીતાબેન એન. જાળીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:18 PM IST)