<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

સોની બજારમાં બંગાળી દંપતિની દૂકાનમાં ઘુસી પડોશી દંપતિનો હુમલોઃ લેપટોપ, મોબાઇલ ફોન તોડી નાંખ્‍યા

સગીરે દૂકાનના ટૂલ્‍સનો છુટો ઘા કરતાં અસ્‍માબેનના નેણ પર ગંભીર ઇજાઃ એ-ડિવીઝન પોલીસે અસલમ પરમાર, તેની પત્‍નિ અને સગીર વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યોઃ રમતાં રમતાં છોકરા વચ્‍ચે માથાકુટ થતાં ડખ્‍ખો વકર્યો

રાજકોટ તા. ૨૫: શહેરની સોની બજાર વિસ્‍તારમાં આવેલી આયાન ટુલ્‍સ નામની દુકાનમાં  બાળક બાબતની તકરારમાં ત્રણ જણાએ દૂકાનમાં ઘુસી મુળ પશ્ચિમ બંગાળની મહિલા અને તેના પતિ પર હુમલો કરી  મારકુટ કરી ગાળો દઇ મહિલાને આંખની ઉપરના ભાગે છુટા ટુલ્‍સનો ઘા કરી ઇજા પહોંચાડતાં તેમજ દૂકાનમાં રહેલું લેપટોપ, મોબાઇલ તોડી નાંખી નુકસાન કરવામાં આવતાં દેકારો મચી ગયો હતો. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સોની બજાર કોઠારીયા નાકા પાસેની હોસ્‍પિટલ પાછળ ગોલ્‍ડન ગેઇટ પાસેની અયાન ટૂલ્‍સ નામની દૂકાનમાં રહેતાં અને ત્‍યાં જ કામ કરતાં મુળ પશ્ચિમ બંગાળના અસ્‍માબેન આશીફભાઇ શેખ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી અસલમ પીરભાઇ પરમાર, તેની પત્‍નિ અને સગીર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. અસ્‍માબેને જણાવ્‍યું છે કે તે અને તેના પતિ આશીફભાઈ અયાન ટૂલ્‍સ નામની દુકાન ચલાવે છે. રવિવારે બપોરે સાડા બારેક વાગ્‍યા આસપાસ અસ્‍માબેનના ૮ વર્ષના દીકરા અયાન અને દુકાન સામે રહેતા અસલમ પીરભાઈ પરમારના ૧૫ વર્ષના દિકરા વચ્‍ચે રમત રમતમાં ઝઘડો થયો હતો. આ બાબતે સમજાવવા માટે અસ્‍માબેન અને તેના પતિ આશીફભાઈ નજીકમાં જ રહેતાં અસલમ પરમારના ઘરે ગયા હતા, જ્‍યાં અસલમના પત્‍નિએ ઉશ્‍કેરાઈને તેમની સાથે ગાળાગાળી કરી હતી.

ત્‍યારપછી આ દંપતી પોતાની દુકાને પરત આવી ગયું હતું. તેની થોડીવાર બાદ અસલમભાઈ ફરીથી આશીફભાઇ શેખની દુકાને આવ્‍યા હતા અને પોતાના દીકરાનો વાંક ન હોવાનું કહી આશીફભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. વિવાદ ઉગ્ર બનતા, અસલમભાઈ, તેમના પત્‍નિ અને સગીર એમ ત્રણેય જણા અયાન ટુલ્‍સની દુકાનમાં ઘૂસી ગયા હતા અને આશીફભાઈ શેખને માર મારવાનું શરૂ કર્યું હતું. જ્‍યારે અસ્‍માબેન પતિને છોડાવવા વચ્‍ચે પડ્‍યા ત્‍યારે તેણીને પણ માર માર્યો હતો. આ માથાકુટ વખતે અસલમ પરમારની પત્‍નિએ દુકાનમાં હિસાબ માટે રાખેલું ડેલ કંપનીનું લેપટોપ અને આશીફભાઈનો ઓપો કંપનીનો મોબાઈલ ફોન તોડી નાખ્‍યા હતા. આ ઉપરાંત સગીરએ દુકાનમાં રાખેલું એક ટુલ્‍સનું સાધન છૂટું ફેંકયું હતું, જે સીધું અસ્‍માબેનને જમણી આંખના નેણના ભાગે વાગ્‍યું હત અને લોહી નીકળવા લાગ્‍યું હતું આથી તેણી સારવાર માટે દાખલ થઇ હતી. જ્‍યાં ડોક્‍ટરે ટાંકા લઇ રજા આપી હતી.   શરૂઆતમાં ઘરમેળે સમાધાનની વાટાઘાટો ચાલતી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ સમાધાન ન થતાં પોલીસને જાણ કરી હતી. 

(2:30 PM IST)