<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

કારખાનેથી છુટી માલીયાસણ ઘરે જઇ રહેલા કંચનબેનનું કારની ઠોકરે મોત

રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક વખત જીવલેણ અકસ્‍માત : રસ્‍તો ઓળંગતી વખતે બનાવઃ મુળ રાજસ્‍થાનના મહિલાએ રાજકોટમાં દમ તોડયોઃ કુવાડવા પોલીસે તેણીના દિકરી લલીતાદેવી રાવતની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૫: ગઇકાલે કુવાડવા રોડ પર પટેલ વિહાર નજીક એક વૃધ્‍ધા રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે કારની ઠોકરે આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. ત્‍યાં રાતે વધુ એક બનાવ રાજકોટ-અમદાવાદ હાઇવે પર ત્રિમંદીર નજીક બન્‍યો છે. જેમાં કારખાનામાં કામ કરતાં મહિલા કામેથી છુટીને પગપાળા ઘરે જઇ રહ્યા હતાં ત્‍યારે  કારની ઠોકરે ચડી જતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા નજીકના માલીયાસણ ગામે પૂજા પાર્ક વિસ્‍તારમાં રહેતા અને મૂળ રાજસ્‍થાનના ચંદ્રિકાબેન કિશનસિંહ રાજપૂત (ઉ.વ.૪૦) નામના મહિલા  ત્રિમંદિરની પાછળ આવેલા એક ખાખરાના કારખાનામાં મજૂરી કામ કરતા હતા. સોમવારે સાંજે કારખાનામાંથી છૂટયા બાદ તેઓ રાજકોટ-અમદાવાદ હાઇવે પર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્‍યારે કુવાડવા ગામ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ફોર-વ્‍હીલ ગાડી નંબર જીજે૧૩એએક્‍સ-૬૬૩૯ના ચાલકે ચંદ્રિકાબેનને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્‍માતને કારણે ચંદ્રિકાબેનને માથાના ભાગે જીવલેણ ઇજાઓ તેમજ ડાબા પગમાં ફ્રેક્‍ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્‍માત બાદ ઈજાગ્રસ્‍ત ચંદ્રિકાબેનને તાત્‍કાલિક સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ રાજકોટ ખાતે લાવવામાં આવ્‍યા હતા. પરંતુ અહિ ફરજ પરના ડોક્‍ટરોએ તપાસીને તેમને મળત જાહેર કર્યા હતા. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે કરતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. અલ્‍પેશભાઇ અવાડીયાએ મૃતકના દિકરી લલીતાદેવી રણજીતસિંહ રાવત (ઉ.વ.૨૦-રહે. માલીયાસણ)ની ફરિયાદ પરથી કારચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. મૃત્‍યુ પામનારને સંતાનમાં  બે દિકરા અને એક દિકરી છે. પતિ કિશનસિંહ ટ્રક ડ્રાઇવર છે. તે અને બંને દિકરા ઘટના સમયે ચેન્‍નઇ ગયા હોઇ ત્‍યાં જાણ કરવામાં આવી હતી. 

(2:32 PM IST)