તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
લેન્ડગ્રેબીંગ કમિટી બેઠકઃ રાજકોટના ર કેસમાં ફોજદારી
પ૮ કેસોની સમીક્ષાઃ ૩૬ ડ્રોપ કરાયાઃ ૧૯માં સમાધાનઃ કાલનું કલેકટરનું મહેસૂલ અપીલ બોર્ડ રદ્...

રાજકોટ તા. રપઃ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજકોટ શહેરના ડીસીપી અને જિલ્લા પોલીસ વડા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન કુલ પ૮ જેટલા કેસો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ પૈકી સાત અરજદારોને રૂબરૂ સાંભળીને તેમની રજુઆતો ધ્યાને લેવામાં આવી હતી. રાજકોટ શહેરના બે જેટલા કેસોમાં તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધવાનું નકકી કરવામાં આવ્યું છે.
૩૬ જેટલા કેસોને પૂરતા આધારના અભાવે અથવા અન્ય કારણોસર ડ્રોપ કરવામાં આવ્યા હતા. ૧૯ જેટલા કેસોમાં અરજદારો અને સામે પક્ષ વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું સામે આવ્યું હતું. માત્ર એક કેસ વધુ ચકાસણી અને દસ્તાવેજોની જરૂરિયાતને કારણે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.
દરમિયાન, કલેકટર ઓમ પ્રકાશ વલસાડ ખાતે શિબિરમાં જવાના હોવાના કારણે આગામી બુધવારે યોજાનાર અપીલનું બોર્ડ પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. આ અપીલ બોર્ડમાં જમીન અને અન્ય કાયદાઓ સંબંધિત ૩૦ જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા, જે હવે આગામી તારીખે યોજવામાં આવશે.
(2:47 PM IST)










