<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

યુવતિના હાથ-પગ ભાંગી નાંખનારા રૈયા રોડના હિરેન ઉર્ફ કાના રાજા ધોળકીયાની આગવી ઢબે પુછતાછઃ ‘ઓય માડી ઓય બાપા'ના અવાજ સંભળાયા

ઉછીના આપેલા ૧.૬૭ લાખ પાછા આપતો ન હોઇ પોલીસ કમિશનરને અરજી કરતાં ખાર રાખ્‍યો હતો શનીવારે ગુનો નોંધાયા બાદ યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ બેલીમ અને ટીમે પકડયોઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સમક્ષ રજૂ કરાતાં જ હવા નીકળી ગઇ

રાજકોટ તા. ૨૫: શહેરના રૈયા રોડ વિસ્‍તારમાં રહેતી એક ૨૫ વર્ષીય યુવતી પર લોખંડના પાઇપ વડે હીચકારો હુમલો કરી તેના હાથ-પગ ભાંગી નાંખ્‍યા હતાં. અગાઉના પરિચયને કારણે યુવતિએ આ શખ્‍સને રૂા.  ૧,૬૭,૦૦૦  ઉછીના આપ્‍યા હતાં. આ રકમ તે પરત આપતો ન હોઇ યુવતિએ પોલીસમાં અરજી કરતાં તેનો ખાર રાખી આ શખ્‍સે યુવતિના ઘરે જઇ લોખંડના પાઇપથી હુમલો કરી આડેધડ માર મારતાં તેણના હાથ-પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો હતો. દરમિયાન આજે આરોપીને ઝડપી લઇ ડીસીપી ક્રાઇમ સમક્ષ રજૂ કરવામાં આવતાં તેની એવી પુછતાછ થઇ હતી કે બહાર સુધી ઓય માડી ઓય બાપાના અવાજ આવ્‍યા હતાં.

રૈયા રોડ વિસ્‍તારમાં રહેતી યુવતિ એક ખાનગી કંપનીમાં એકાઉન્‍ટન્‍ટ તરીકે નોકરી કરે છે. યુવતીને હિરેન ઉર્ફે કાનો રેવાભાઈ પોળકિયા નામના યુવક સાથે અગાઉ પરીચય હતો. યુવતીની ફરિયાદ મુજબ હિરેન ઉર્ફે કાનાએ તેની પત્‍નિ સાથે છૂટાછેડા લઈને યુવતી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો અને આશરે એકાદ માસ પહેલા તેની પાસેથી ૧,૬૭,૦૦૦ હાથ ઉછીના લઇ ગયો હતો. પરંતુ બાદમાં તે પૈસા આપતો ન હોઇ યુવતિએ તેના વિરૂધ્‍ધ પોલીસ કમિશનરને અરજી કરી હતી.

આ અરજીનો ખાર રાખી શનિવારે મોડી રાત્રે આશરે પોણા ત્રણેક વાગ્‍યાના અરસામાં આવ્‍યો હતો. જ્‍યારે યુવતી પોતાના ઘર નજીક જ્‍યુપીટર ટુવ્‍હીલર પર બેઠેલી હતી ત્‍યારે આરોપી હિરેન ઉર્ફે કાનો પોતાની સફેદ રંગની એક્‍ટિવા પર લોખંડની પાઇપ લઈને ત્‍યાં આવ્‍યો હતો અને ગાળો દઇ તે કેમ મારા વિરૂધ્‍ધ પોલીમસાં અરજી કરી? કહી પાઇપથી તૂટી પડી  માથા, પગ અને શરીર પર આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. તેણીએ દેકારો મચાવતાં તેણીના પરિવારજનો, બીજા લોકો એકઠા થઇ જતાં કાનો ભાગી ગયો હતો.

યુવતિને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ઓર્થોપેડિક વિભાગમાં નિદાન થતાં તેણીને ડાબા પગ (એડીથી ઉપરના ભાગે), જમણા પગ (ઘૂંટણથી નીચેના ભાગે), ડાબા હાથ (કોણીથી નીચેના ભાગે) અને જમણા હાથના પંજામાં ફ્રેક્‍ચર જેવી ગંભીર ઇજાઓ થઈ છે, તથા જમણા ખભામાં પણ મુંઢ ઇજા પહોંચી હોવાનું જણાવાયું હતું.

પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ બેલીમ અને ર્સ્‍ટાફે તપાસ શરૂ કરી હતી. આજે આરોપી હીરેન ઉર્ફ કાનો રૈયાભાઇ ધોળકીયા-ભરવાડ (ઉ.વ.૨૨-રહે. બાપા સિતારામ ચોક)ને રૈયા વિસ્‍તારમાં પકડી લેવાયો હતો. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સમક્ષ રજૂ કરાતાં આ શખ્‍સને આગવી ઢબે કાયદાનું ભાન કરાવાયું હતું.

(3:10 PM IST)