<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

મનપામાં ટાઉન પ્લાનીંગના ચોકાવનારા 9 મુદાની RTIમાં વિગતો માંગતા પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારી મનસુખ સાગઠીયા : ભારે ચકચાર : ધડાકાના મૂડમાં

એમ.ડી.સાગઠીયાએ 2006થી અત્યાર સુધીમાં અપાયેલી ડિમોલીશનની નોટીસ સહિતની કાર્યવાહીની વિગતો આરટીઆઇ હેઠળ માંગતા કોર્પો.ના ટીપી વિભાગમાં દોડધામ મચી

રાજકોટ :રાજકોટમાં દોઢ વર્ષ પહેલા સર્જાયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફુટેલા ભ્રષ્ટાચારના બોંબની તપાસ હજુ ચાલી રહી છે અને અધિકારીઓ સામે ઉચ્ચ કક્ષાએથી તપાસ ચાલુ છે ત્યારે હજુ આ કેસમાં સ્થાનિક કોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ઇડી સુધી મોટા કાનુની જંગ ચાલુ રહે તેવું લાગે છે.

 

આ પ્રકરણમાં મુખ્ય જવાબદાર ગણીને સસ્પેન્ડ કરાયેલા અને તાજેતરમાં જામીન પર છુટેલા પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ 2006થી અત્યાર સુધીમાં અપાયેલી ડિમોલીશનની નોટીસ સહિતની કાર્યવાહીની વિગતો આરટીઆઇ હેઠળ માંગતા કોર્પો.ના ટીપી વિભાગમાં દોડધામ મચી ગયાનું જાણવા મળ્યું છે. 

છેલ્લા બે દાયકામાં ટીપી શાખામાં ટીપીઓ સહિતના અધિકારીઓ બદલાઇ ચુકયા છે. અનેક નિવૃત થયા છે. અગ્નિકાંડ બાદ સંપૂર્ણ ટીપી શાખામાં ઉથલપાથલ કરીને

 

નવી નિમણુંકો કરવામાં આવી છે. અનેક અધિકારીની બદલી થઇ છે અને કેટલાયે રાજીનામા પણ આપી દીધા છે. થોડા મહિના પહેલા ત્રણે ઝોનમાં ખાસ જગ્યા ઉભી કરીને ત્રણ-ત્રણ વર્ગ-1ના ટાઉન પ્લાનર પણ મુકવામાં આવ્યા છે તો સરકારમાંથી ઇન્ચાર્જ તરીકે આવતા ટાઉન પ્લાનિંગ અધિકારીઓને રાજકોટ કોર્પો.માં કામ કરવામાં રસ નહીં હોવાની છાપ ભુસાતી નથી.

 

દરમ્યાન આ પ્રકરણની તપાસમાં અર્ધો ડઝનથી વધુ અધિકારીઓની ધરપકડથી માંડી કાનુની જંગ, જામીન મંજૂર સહિતની કાર્યવાહી થઇ છે. જે તે વખતે ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા એમ.ડી.સાગઠીયા પણ હાલ જામીન મુકત છે. તેઓએ થોડા દિવસ પહેલા મહાપાલિકામાં ર006થી અત્યાર સુધીમાં ટીપી શાખાએ ગેરકાયદે બાંધકામ અને ડિમોલીશન બદલ અપાયેલી નોટીસોની વિસ્તૃત વિગતો માંગી છે.

 

કલમ ર60-1 અને ર60-2 હેઠળ નોટીસ, સ્ટે, જાતે બાંધકામ હટાવવા આદેશ, ડિમોલીશન સહિતની કાર્યવાહી કરવાનો નિયમ છે. તેમાં એટીપી, ટીપીઓથી માંડી કમિશ્ર્નર સુધી સત્તાઓ રહેલી છે. જે તે વખતે ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદે બાંધકામ કોની રહેમરાહ હેઠળ ધમધમતુ હતું તેવા સવાલો થયા હતા.

 

મનપાના ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ત્રણે ઝોનની ટીપી શાખામાં હાલ અધિકારીઓમાં દોડાદોડી થઇ ગઇ છે. કારણ કે અનેક રેકર્ડ એવું છે કે જેની ફાઇલો પોટલામાંથી ખોલીને બહાર કાઢવી પડે તેમ છે. દર વર્ષે આવી ફાઇલોના ઢગલા પોટલામાં બાંધીને શીફટ કરવામાં આવે છે. હવે આ માહિતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ હેઠળ માંગવામાં આવતા તે આપવાની જ થાય છે. આ માહિતીના આધારે કોર્ટમાં તેમના વકીલ દલીલ પણ કરી શકે છે. 

 

આ રીતે છેલ્લા ર0 વર્ષનો રેકોર્ડ માંગવામાં આવતા બે દાયકામાં થયેલી અને ન થયેલી બંને કામગીરીના પોપડા ખુલે તેમ છે. હાલ તો ટીપી બ્રાન્ચમાં પ્યુન સિવાયના લગભગ તમામ અધિકારી અને કર્મચારીઓ આ માહિતી શોધવામાં પડી ગયા છે. ઉલ્લેખનીય છે કે ટીપીઓ સસ્પેન્ડ થયા બાદ હજુ કોઇ કાયમી ટીપીઓ મળ્યા નથી અને ઇન્ચાર્જને કામમાં રસ દેખાતો નથી!

 

(7:06 PM IST)