<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

સારસ્વત બ્રાહ્મણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ-જ્ઞાતિજનો માટે ગેરેન્ટી કાર્ડ શરૂ કરાશેઃડીસેમ્બરમાં કાર્યક્રમ :

જ્ઞાતિજનોને ગંભીર બિમારીમાં સારવારથી લઇ જીવન જરૂરીયાતની વસ્તુઓ રાહત દરે મળી રહેશે

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાપરિષદ, ગુજરાત અને સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસ્થાન, રાજકોટ દ્વારા આગામી તા. ૭ ડિસેમ્બર રવિવારના રોજ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને સારસ્વત ગેરન્ટી કાર્ડ વિમોચન કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે.

આ અંગે માહિતી  આપતા સારસ્વત બ્રાહ્મણ મહાપરિષદ, ગુજરાત અને સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ મહાસત્તાના અગ્રણીઓએ કહ્યું હતું કે રાજકોટમાં રહેતા સારસ્વત બ્રાહ્મણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માાન સમારોહ અને જ્ઞાતિજનોને ગંભીર બિમારીમાં સારવારથી માંડી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાહત દરે મળે તે માટે ગેરન્ટી કાર્ડનું વિમોચન સાંસદ રામભાઇ મોકરિયા, ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઇ ઠકકર, જગદિશભાઇ શાસ્ત્રી અને જીતુભાઇ ચંદારાણા સહિત સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે કરાશે.

રાજકોટ સારસ્વત બ્રાહ્મણ સમાજના ૭૦૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે અને ત્રણ હજારથી વધુ વસ્તી સારસ્વત બ્રાહ્મણ સમાજની છે. આમાં ૩પ થી વધુ પરિવારો આર્થિક રીતે અતિ નબળા છે. સમાજના કોઇ પરિવાર ભૂખ્યો ઉઠે પણ ભૂખ્યો સુવે નહીં તેવા શુભ આશયથી જ્ઞાતિ મંડળ દ્વારા ગેરેન્ટી કાર્ડ શરૂ થઇ રહ્યા છે. રવિવારે યોજાયેલા કાર્યક્રમ સાથે અંદાજે ૭૦૦ લોકોને ગેરેન્ટી કાર્ડ આપવાની યોજનાનો પ્રારંભ થશે તેમ યાદીમાં જણાવાયું છે.

આ યોજના રાજકોટથી શરૂ થયા બાદ ગુજરાતના સારસ્વત બ્રાહ્મણ  સમાજના પરિવારોને આવરી લેવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં સારસ્વત બ્રાહ્મણ  સમાજના એક લાખ જેટલા લોકો વસવાટ કરતા હોવાનું જણાવાયું છે.

વિદ્યાર્થી સન્માન સમારોહ અને ગેરેન્ટી કાર્ડ બાબતે વધુ માહિતી માટે જ્ઞાતિના પ્રમુખ અલ્પેશભાઇ જોશી,મો. ૯૪૨૬૨ ૫૪૯૩૯, મંત્રી નીખિલભાઇ કનૈયા મો. ૮૮૪૯૭ ૦૩૦૭૬ ઉપર સંપર્ક કરવા અપીલ કરાઇ છે. સમગ્ર કાર્યક્રમ માટે કૌશલભાઇ વડિયા વિરાજભાઇ જોશી, જતીનભાઇ લહેરૂ તથા અન્ય ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે, નીખિલભાઇ શાસ્ત્રી, અલ્પેશભાઇ જોશી, દિલીપભાઇ પાંધી, યોગેન્દ્રભાઇ લહેરૂ નજરે પડે છે.

(2:51 PM IST)