તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
જે નંબરથી બચવાનો મેસેજ હતો એમાં જ નિવૃત ફોૈજીએ કોલ કરી દીધો ને ૧૦ લાખ ઉપડી ગયા!
નિવૃત બેંક કર્મચારીઓના ગ્રુપમાં મેસેજ આવ્યો કે-પીએનબીના નામે આ ફોન નંબરનો ધારક ફ્રોડ કરે છે, તેનાથી બચજોઃ પેન્શન હયાતીનો દાખલો આપવા માટે ભુલથી આ નંબર ઉપર જ કોલ કર્યો અને છેતરી લેવાયા : રૈયા હીલ્સ ડ્રીમ સીટીમાં રહેતાં સિનીયર સિટીઝન સાથે ઓનલાઇન ઠગાઇઃ પુત્ર સુધીરભાઇ મોનાણીની સાયબર ક્રાઇમમાં ફરિયાદઃ પોલીસે પાંચ લાખથી વધુ ફ્રીઝ કરી દેતાં બચી ગયા : ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપનાર રાજકોટનો એક શખ્સ સકંજામાં

રાજકોટ તા. ૨૬: સાયબર ફ્રોડના વધુ એક બનાવમાં શહેરના નિવૃત ફોૈજી અને નિવૃત બેંક ઓફિસર ભોગ બની ગયા છે. તેમને બેંક તરફથી એક મેસેજ મળ્યો હતો અને બેંકના નામે એક ફોન નંબર પરથી ફ્રોડ થઇ રહ્યું છે, આ નંબરથી ચેતવું તેવી સુચના અપાઇ હતી. ઉમરને કારણે વાંચવામાં તકલીફ અનુભવતા અને આ સિનીયર સિટીઝને જેનાથી બચવાનું હતું એ જ ફોન નંબર પર પેન્શન માટે હયાતીનો દાખલો જમા કરાવવા બાબતે વાત કરવા કોલ જોડતાં જ ગઠીયાએ જાળમાં ફસાવી લીધા હતાં અને બે કટકે પાંચ-પાંચ લાખ મળી દસ લાખ તેમના બેંક ખાતામાંથી ઉપડી ગયા હતાં.
આ બનાવમાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે રૈયા હીલ્સ શાંતીનગર મેઇન રોડ ડ્રીમ સીટી ફલેટ નં. એ-૧-૬૦૪માં રહેતાં અને નાના મવા સર્કલ પાસે મિલેનીયમ કોમ્પલેક્ષમાં એસ.કુમાર એડીબલ ઓઇલ નામની ઓફિસમાં લોજીસ્ટીક મેનેજર તરીકે નોકરી કરતાં સુધીરભાઇ ગિરીશભાઇ મોનાણી (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી એક મોબાઇલ નંબરના ધારક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા તથા ઇન્ડિયા બેંકના બે એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધ્યો છે.
સુધીરભાઇએ જણાવ્યું છે કે મારી સાથે પરિવારમાં મારા માતા, પત્નિ, દિકરો અને પિતા રહે છે. પિતા ગિરીશભાઇ રામજીભાઇ મોનાણી (ઉ.વ.૬૮) નિવૃત ફોૈજી છે અને નિવૃતિ બાદ પંજાબ નેશનલ બેંકમાં ઓફિસર તરીકે પણ ફરજ બજાવી હતી. ૨૦૧૮થી તેઓ નિવૃત જીવન જીવે છે. તેઓ આંખની નબળાઈને કારણે વાંચવામાં તકલીફ અનુભવે છે, તેઓ આ ફ્રોડનો ભોગ બન્યા છે. નિવળત્ત બેંક કર્મચારીઓનાં એક વોટ્સએપ ગ્રુપમાં ફ્રોડથી સાવધાન રહેવા માટે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં એક શંકાસ્પદ મોબાઇલ નંબર (૬૨૮૯૧ ૯૩૮૧૪)નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં સ્પષ્ટતા હતી કે આ નંબર પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના નામે ફ્રોડ કરે છે, જેથી આ મોબાઇલ નંબરથી સાવધ રહેવું. જો કે મારા પિતા ગીરીશકુમાર મોનાણીએ વાંચવામાં ભૂલ કરતાં આ નંબરને પીએબીનો સત્તાવાર સંપર્ક નંબર સમજી લીધો હતો. તેમનું પેન્શન પીએનબીમાં આવતું હોવાથી અને નવેમ્બર મહિનામાં પેન્શનરોએ હયાતીનો દાખલો જમા કરાવવાનો હોવાથી, તેમણે આ સાવધાન રહેવા માટેનો નંબર જ બેંકનો ઓફિશિયલ નંબર માની તેના પર કોલ કર્યો હતો. કોલ પર વાતચીત બાદ, સામાવાળા ઠગે તેમને એક એપ્લિકેશનની લિંક મોકલી હતી અને એટીએમના ફોટા પણ વોટ્સએપ પર આપવા જણાવ્યું હતું. આથી મારા પિતાએ આ લિંક પરથી અજાણી એપીકે ફાઇલ ડાઉનલોડ કરી અને એટીએમના ફોટા પણ મોકલ્યા. આ એપ્લિકેશન ડાઉનલોડ થતાની સાથે જ તેમનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો. બાદમાં ઠગોએ તુરંત જ મારા પિતાના બેંક એકાઉન્ટમાંથી તેમની જાણ બહાર ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન બે ટ્રાન્ઝેક્શનમાં પાંચ-પાંચ લાખના બે મળી ૧૦,૦૦,૦૦૦ ટ્રાન્જેક્શન કરી ટ્રાન્સફર કરી લીધા હતા. આ રકમ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અનેબેંક ઓફ ઈન્ડિયાના બે જુદા-જુદા ખાતાઓમાં જમા કરાઈ હતી. આ પછી અમે બેંક ખાતે જઇ તપાસ કરતાં ફ્રોડ થયાની ખબર પડી હતી.
ત્યારબાદ અમે સીઆઇડી ક્રાઇમની હેલ્પલાઈન નં. ૧૯૩૦ પર કોલ કરીને અરજી દાખલ કરી હતી. પોલીસની તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે ફ્રોડમાં ગયેલા કુલ નાણાં પૈકી રૂપિયા ૫,૮૨,૪૬૬ની રકમ બીએનએસએસ ૫૦૩ (બેંકિંગ સિસ્ટમ) મુજબ ફ્રીઝ કરવામાં આવી છે અને તેને પાછી મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંબર ૬૨૮૯૧ ૯૩૮૧૪નો ઉપયોગ કરનાર તેમજ નાણાં જમા કરાયેલ બેંક ખાતાઓ ધારકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે વળદ્ધોને ખાસ કરીને પેન્શન સંબંધિત માહિતી માટે ફક્ત બેંકની અધિકળત શાખાનો જ સંપર્ક કરવો જોઈએ. કયારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિને એટીએમના કાર્ડના ફોટા, ઓટીપી, પીન કે અન્ય ગુપ્ત માહિતી આપવી નહીં, અને અજાણી લિંક્સ કે એપીકે ફાઇલો ડાઉનલોડ કરવાનું ટાળવું જોઇએ. આ બનાવમાં વધુ તપાસ એસીપી ચિંતન પટેલ, પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીઆઇ પી.આર. ડોબરીયા અને ટીમે હાથ ધરી એકાઉન્ટ ભાડે આપનારા રાજકોટના એક શખ્સને સકંજામાં લઇ અન્યોની શોધખોળ હાથ ધરી છે.
(4:09 PM IST)










