News of Wednesday, 26th November 2025
નૂતનનગરમાં જીત પાબારીનો આપઘાત
માલવીયાનગર પોલીસને હોસ્પિટલ મારફત જાણ કરવામાં આવતાં તપાસનો ધમધમાટઃ ત્રીસ વર્ષિય જીત ડીપ્રેશનમાં હોવાની પ્રાથમિક વિગતો ખુલી

રાજકોટ તા. ૨૬: કાલાવડ રોડ પરના નૂતનનગરમાં રહેતાં યુવાને પોતાના ઘરે સવારે ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું મૃત્યુ થતાં પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો છે. આ બનાવની જાણ હોસ્પિટલ મારફત કરવામાં આવતાં માલવીયાનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળેલી માહિતી મુજબ કાલાવડ રોડ પર નૂતનનગર સોસાયટીમાં રહેતાં જીત રસિકભાઇ પાબારી (ઉ.વ.૩૦) નામના યુવાને સવારે પોતાના ઘરે હતાં ત્યારે ગળાફાંસો ખાઇ લેતાં તેને બેભાન જેવી હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા બપોરે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરાવવામાં આવતાં ઇન્વેસ્ટીગેશન ટીમના એએસઆઇ હર્ષદભાઇ સહિતના સ્ટાફે હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ આપઘાત કરનારા જીત પાબારી ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડી રહી ચુકેલા ચેતેશ્વર પૂજારાના સાળા થતાં હતાં. બપોરે વોકહાર્ટ હોસ્પિટલ ખાતે મૃતકના સગા સ્વજનો પાસેથી પોલીસે માહિતી મેળવી પંચનામાની કાર્યવાહી કરી રહી હતી. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ એકઠા થઇ ગયા હતાં. જીત ડીપ્રેશનમાં હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી. યુવાન દિકરાના પગલાથી પાબારી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. તસ્વીરમાં હોસ્પિટલ ખાતે કાર્યવાહી માટે પહોંચેલો પોલીસ સ્ટાફ, મૃતકના સગા સંબંધીઓ અને જીત પાબારીનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧૪.૮)
(3:12 PM IST)










